હડતાળ (strike) : માલિકો પાસેથી કામદારોએ ધારેલો લાભ પ્રાપ્ત કરવા માટે કામદારો દ્વારા પોતાની કામગીરીનો પુરવઠો આંશિક ઓછો અથવા પૂરેપૂરો બંધ કરવાનું સાધન. કામદાર/કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો આર્થિક સંબંધો છે. સંબંધો બાંધતા અને નિભાવતા માલિકનો હેતુ સામાન્યત: એ હોય છે કે કર્મચારીને ન્યૂનતમ વળતર આપીને મહત્તમ ઉત્પાદકતા મેળવવી, તેથી ઊલટું એ જ સમયે કર્મચારીનો હેતુ સામાન્યત: એ હોય છે કે મહત્તમ વળતર મેળવી ઓછામાં ઓછી ઉત્પાદકતા આપવી. આમ બંનેના હેતુઓ સામાન્યત: પરસ્પરથી તદ્દન વિરોધી હોય છે; છતાં એમની વચ્ચે આર્થિક સંબંધો બંધાય છે અને બંને એકબીજાના હેતુઓને સંતોષે છે. બંનેના હેતુઓ તેમના પરસ્પર વિરોધી હેતુના છેદનબિંદુની આસપાસમાં સિદ્ધ થાય છે. એટલે કે માલિક જે ન્યૂનતમ વળતર આપવાની ઇચ્છા ધરાવે છે તેનાં કરતાં થોડું વધારે વળતર આપે અને કર્મચારી જે ન્યૂનતમ ઉત્પાદકતા આપવા માગે છે તેના કરતાં થોડી વધારે ઉત્પાદકતા આપે. વળતર અને ઉત્પાદન કેટલું વધારે આપવું તે પરસ્પરની ગરજ કેટલી છે તેના પર આધારિત છે. એ નક્કી કરવા માટે એક બાજુ માલિક અને બીજી બાજુ એકલદોકલ કર્મચારી જો સોદાગીરી કરે તો એ સોદાગીરી અસમાનતાના પાયા ઉપર રચાયેલી હોય છે. માલિક હંમેશાં સબળ હોય છે અને એકલદોકલ કર્મચારી હંમેશાં નિર્બળ હોય છે. આથી આ બે વચ્ચેની સોદાગીરીમાં માલિક પોતાના હેતુઓ વધુ પ્રમાણમાં સિદ્ધ કરી શકે છે અને કામદારનું શોષણ થવાની પરિસ્થિતિ પેદા થાય છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ બાદ અને શહેરી સમાજની રચના થઈ તેથી કર્મચારીનું થતું શોષણ જાહેર ચર્ચાનો વિષય બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ખેતીના ક્ષેત્રે પણ શોષણ તો થતું હતું; પરંતુ તે જાહેર ચર્ચાનો વિષય બન્યું ન હતું. શહેરી સમાજમાં શોષણનો આ મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્યું તેથી શોષણ અટકાવવા માટે અનેક સૂચનો થયાં; જે પૈકી સોદાગીરીમાં બંને પક્ષો સમાન પાયે મંત્રણા કરે તો શોષણ અટકાવી શકાય એવું સૂચન પણ આવ્યું. આથી કામદારો સંગઠિત થયા અને એમણે માલિકનાં મૂડીના તત્વની સામે પોતાના શ્રમના તત્વને સમાન પાયે મૂક્યું. કામદારોએ સમૂહમાં રહીને સોદાગીરી કરવા માંડી તેથી તે સામૂહિક સોદાગીરીથી ઓળખાઈ. સામૂહિક સોદાગીરીનું પહેલું અને છેલ્લું સાધન ચર્ચા-મંત્રણાનું છે; પરંતુ કામદારોની દૃષ્ટિએ વાજબી લાગતી માગણીઓ જો સંતોષાય નહિ તો કામદારો પરસ્પરની સંમતિ મેળવીને શ્રમનો પુરવઠો આપવાનું બંધ કરે છે. એટલે કે એમને સોંપાયેલાં કામ તેઓ કરતા નથી. આ હડતાળ છે. હડતાળ કામદારોનું સાધન છે કે જે થકી તેઓ માલિકો પાસેથી ધારેલા લાભ મેળવવાનું સિદ્ધ કરી શકે છે. આથી ખૂબ અનિવાર્ય હોય અને કામદારો વચ્ચે પૂરેપૂરો એકરાગ હોય ત્યારે મોડામાં મોડી હડતાળ શરૂ કરીને તે વહેલામાં વહેલી બંધ થાય તે મજૂર-સંગઠનો જોતાં હોય છે. કેટલીક વાર સમજૂતી સધાયા બાદ અમલમાં શિથિલતા દાખવવામાં આવે ત્યારે, રાજકીય કારણોસર, અન્ય મજૂરો અને મજૂર-સંગઠનો હડતાળ શરૂ કરનારા કામદારો પરત્વે સહાનુભૂતિ દર્શાવવા જેવાં કારણોસર પણ હડતાળ પાડે છે. મૂડીના માલિક તરીકે માલિકો તાળાબંધી કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. આમ તાળાબંધી માલિકોનું સાધન છે અને હડતાળ કામદારોનું સાધન છે. બંને સાધનોના ઉપયોગથી વાપરનારાઓને માલ અને સેવા મળતાં બંધ થાય છે. ઉપરાંત હડતાળ દરમિયાન કામદારોને વેતન મળતું નથી તેથી હડતાળ લંબાતાં કામદારો ટકી શકતા નથી. આ કારણસર હડતાળના મુદ્દા પર જ સંગઠનો તૂટે છે. લોકોમાં અસંતોષ વ્યાપે છે. કામદાર નેતાઓ અટૂલા પડી જાય છે. આથી હડતાળનો એક સાધન તરીકે ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. હડતાળ દરમિયાન પણ માલિકોની સબળતા અને કામદારોની નિર્બળતા દેખાઈ આવે છે. આ પરિસ્થિતિમાં નિરોધક ઉપાય તરીકે સરકારે અને સમાજે ફરજિયાત લવાદી સુધીના ઉપાયો અજમાવવા જોઈએ.

હડતાળનો સત્યાગ્રહના એક સાધન તરીકે વિચાર કરવામાં આવ્યો છે. ગાંધીવિચારધારાએ માનવસંબંધોનાં કેટલાંક વિશિષ્ટ પાસાંને અનુલક્ષીને વિરોધ કે પ્રતિકારનાં વિવિધ સાધનો વિકસાવ્યાં, તેમાં હડતાળ એક અગત્યનું સાધન હતું. તેમના મતે હડતાળ એટલે વિરોધના પ્રતીક રૂપે કામકાજની મોકૂફી કે કામકાજની બંધી. ઉદ્યોગમાલિક અને તેના કામદારો વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ વાટાઘાટો દ્વારા લાવવો એમ માનવામાં આવતું; પરંતુ જ્યારે વાટાઘાટો દ્વારા પ્રશ્નનો ઉકેલ શક્ય ન બને ત્યારે મતભેદોના ઉકેલ માટેના છેલ્લા શસ્ત્ર તરીકે હડતાળના શસ્ત્રનો ઉપયોગ કરવાની ગાંધીજીની રજૂઆત હતી.

હડતાળ શુદ્ધ ન્યાયને સારુ હોવી જોઈએ. શુદ્ધ અને ન્યાયી કારણસર તેમજ વાજબી માગણી માટે હડતાળ પાડી શકાય. હડતાળ નાપસંદગી દર્શાવવાના ઉપાય તરીકે પ્રયોજી શકાય. સ્વેચ્છાએ, કશાયે દબાણ વગર પાડવામાં આવતી હડતાળ એક સબળ સાધન ગણાતી હતી. ઉપવાસ કરતાંયે ગાંધીજીએ તેને સબળ સાધન ગણ્યું હતું. આમ છતાં હડતાળ એવું સાધન છે કે જેનો વારંવાર આશ્રય ન લઈ શકાય. તે ઐચ્છિક હોય તેમજ તેમાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી ન થવી જોઈએ. હડતાળનો માર્ગ હાથ ધરવામાં આવે ત્યારે માલિકો પ્રત્યે દ્વેષ કે વેરભાવ ન રાખવો. આમ ગાંધીજીએ હડતાળને નૈતિક સ્વરૂપ આપીને તેનો ઉપયોગ કરવા સૂચવ્યું હતું.

અશ્વિની કાપડીઆ

રક્ષા મ. વ્યાસ