હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન

February, 2009

હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન : ખંભાતના અખાતી વિસ્તારમાંથી ‘બૉમ્બે હાઈ’ દ્વારા પ્રાપ્ત થયેલા કુદરતી વાયુને હજીરાથી ઉત્તર ભારતના પ્રદેશોનાં ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરી પાડતી ગૅસ પાઇપલાઇન. તેને એચ.વી.જે. પાઇપલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રવ્યાપી ગૅસ પાઇપલાઇન છે અને તે ભારતના પશ્ચિમી કિનારાના દરિયાઈ વિસ્તારમાંથી પ્રાપ્ત થયેલ ગૅસનું વહન કરીને પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતના પ્રદેશોમાં પહોંચાડે છે. 3000 કિમી. લાંબી આ પાઇપલાઇનનું માળખું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિત છ રાજ્યોમાંથી પસાર થાય છે. (જુઓ આકૃતિ.)

હજીરા–બિજાપુર–જગદીશપુર મુખ્ય ગૅસ પાઇપલાઇન મારફત ભારતના વિવિધ ઔદ્યોગિક સંકુલોને બૉમ્બે હાઈ ઉત્પન્ન ગૅસનું ગૅસ-વિતરણ દર્શાવતી આકૃતિ

નિર્માણ : 1987–88માં ગૅસ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયા(GAIL)એ 1700 કિમી. લાંબી એચ.વી.જે. પાઇપલાઇનની યોજના માત્ર 22 માસમાં – તેના નિર્ધારિત સમયના 14 માસ પહેલાં સફળતાપૂર્વક પૂરી કરેલી. આ એચ.વી.જે. પાઇપલાઇનની ક્ષમતા પ્રારંભિક ધોરણે 18.2 MMSCMD કુદરતી વાયુ વહન કરવાની હતી.

વિસ્તૃતીકરણ : 1997–98માં ગૅસ પુનર્વાસ (rehebilitation) અને વિસ્તૃતીકરણ યોજના (GREP) હેઠળ વધારાની કૉમ્પ્રેશન વ્યવસ્થા અને લૂપ-લાઇનનું નિર્માણ કરી તેની કાર્યક્ષમતા વધારીને 33.4 MMSCMD કરવામાં આવી.

હાલમાં દેશમાં વપરાતા કુલ ગૅસનો 40 પ્રતિશત જથ્થો એચ.વી.જે. પાઇપલાઇનના માળખા દ્વારા વહન થાય છે. આ માળખા સાથે દેશનાં 9 મોટાં વિદ્યુત-મથકો, 10 મોટા ખાતરના એકમો અને અન્ય અનેક LPG પ્લાન્ટ, પેટ્રોકેમિકલ્સના એકમો અને શહેરી ગૅસ વિતરણ સેવાઓ જોડાયેલ છે.

પ્રાપ્યસ્થાન અને બજારો વચ્ચે અનુસંધાન : 2004માં દહેજસ્થિત દેશના સર્વપ્રથમ કાર્યરત LNG રીગૅસિફિકેશન ટર્મિનલનો RLNG (Regassified Liquified Natural Gas) વહન કરવા દહેજ–વિજયપુર પાઇપલાઇન(DVPL)ની સ્થાપના GAIL દ્વારા કરાઈ. 610 કિમી. લાંબી આ DVPL પાઇપલાઇન HVJ પાઇપલાઇનને વિજયપુર ખાતે જઈ મળે છે.

2007માં હજીરાસ્થિત દેશના બીજા LNG રીગૅસિફિકેશન ટર્મિનલ સાથેના અનુસંધાનની સ્થાપના થઈ. મહારાષ્ટ્રના બજારને સાંધતી દહેજ–ઉરાણ પાઇપલાઇન અને પૂર્વીય કાંઠાનો ગૅસ લઈ આવવા નિર્મિત પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન પણ HVJ પાઇપલાઇન સાથે જોડવામાં આવી.

ધારણ કરનાર અને ચલાવનાર : GAIL તે ભારતની કુદરતી ગૅસની પ્રમુખ કંપની છે તથા કુદરતી ગૅસનાં બધાં પાસાં અને આનુષંગિક સેવાઓને સાંકળનાર સમગ્ર HVJના માળખાનું સંચાલન કરે છે. 2007–08ના હિસાબી વર્ષમાં આશરે રૂ. 18,000 કરોડનું ટર્ન-ઑવર કરનાર GAIL, રાષ્ટ્રના કુદરતી વાયુવહનનો 78 પ્રતિશત અને વેચાણનો 70 પ્રતિશત હિસ્સો ધરાવે છે.

HVJને એક અલગ એકમ તરીકે દૃશ્યમાન કરવું અઘરું છે, કારણ કે એ રાષ્ટ્રમાં આકાર લઈ રહેલી રાષ્ટ્રવ્યાપી કુદરતી વાયુ ગ્રીડનું અતિ મહત્વનું અંગ છે. હાલમાં ભારતના વિવિધ ઔદ્યોગિક સંકુલોને ઊર્જા પૂરી પાડનાર મહત્વનું તંત્ર છે.

પ્રકાશ દ. કર્ણિક

રા. ય. ગુપ્તે