હગિન્સ વિલિયમ (સર)

February, 2009

હગિન્સ, વિલિયમ (સર) (જ. 7 ફેબ્રુઆરી 1824, સ્ટૉક નેવિન્ગટન, લંડન; અ. 12 મે 1910, લંડન) : વર્ણપટદર્શક(spectroscope)નો ઉપયોગ કરનાર પ્રથમ અંગ્રેજ ખગોળવિદ. વર્ણપટદર્શક વડે કરેલા આવાં ખગોલીય પિંડોનાં અવલોકનોમાં ક્રાંતિ આવી.

વિલિયમ હગિન્સ (સર)

હગિન્સે અવલોકનોને આધારે બતાવ્યું કે પૃથ્વી ઉપર અને સૂર્યમાં જે તત્વો મોજૂદ છે, તેવાં જ તત્વો તારકો ધરાવે છે. 1866માં અવલોકન કરેલા નવતારા(nova)ના પરીક્ષણથી હાઇડ્રોજન રેખાઓ માલૂમ પડી તથા તારકની સપાટીના તાપમાન કરતાં ઊંચા તાપમાનવાળા હાઇડ્રોજનના ઉત્સર્જનને સાચી રીતે તારવી સમજાવ્યું. 1868માં કેટલાંક અવલોકનોને આધારે બતાવ્યું કે ધૂમકેતુઓ (comets) કાર્બન વાયુનો તેજસ્વી પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે જ વર્ષે વર્ણપટીય રેખાઓના ડૉપ્લર વિસ્થાપન(shift)થી તારકોના અરીય (radial) વેગના માપનનો પ્રયાસ કર્યો. હગિન્સ અને હેન્રી ડ્રેપરે સ્વતંત્ર રીતે કાર્ય કરતાં કરતાં ધૂમકેતુઓના વર્ણપટનો 24 જૂન, 1881ના રોજ ફોટોગ્રાફ લીધો હતો, જે લેનાર હગિન્સ પ્રથમ હતા.

1897માં હગિન્સને ‘સર’ના ઇલકાબથી નવાજવામાં આવેલ.

પ્રહલાદ છ. પટેલ