હકીમ રૂહાની સમરકંદી

February, 2009

હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી થયા, તેથી સમરકંદી કહેવાયા. સમરકંદમાં તેઓ ખ્વારઝમશાહી વંશના બે સુલતાનો કુત્બુદ્દીન મુહમ્મદ (1097–1127) અને અત્સિઝ(1127–1156)ના દરબારોમાં જોડાયા અને આ બે સુલતાનોની પ્રશંસાનાં કાવ્યો લખતા રહ્યા હતા.

હકીમ રૂહાની, સમરકંદના રશીદીના શિષ્ય હતા; પરંતુ તેમની કવિતાના બહુ ઓછા નમૂના પ્રાપ્ત છે. મધ્યકાલીન હિન્દના પ્રખ્યાત લેખક ઔફીએ પોતાના જીવન-ચરિત્રસંગ્રહ ‘લુબાબુલ અલ્બાબ’માં હકીમ રૂહાનીને ઘણા મોટા વિદ્વાન અને ઉચ્ચ કોટિના કવિ બતાવીને તેમનું એક પ્રશંસા-કાવ્ય પણ મૂક્યું છે.

હિન્દના કેટલાક લેખકોએ દિલ્હીના સુલતાન અલ્તમશ(અ. 1236)ના એક અમીર તથા કવિ અમીર રૂહાની અને ઉપર્યુક્ત હકીમ રૂહાનીને એક જ વ્યક્તિ સમજીને ઘણી ભૂલો કરી છે; પરંતુ આધુનિક સંશોધને પુરવાર કર્યું છે કે એ બંને જુદી વ્યક્તિઓ હતી. અમીર રૂહાની બુખારાથી હિન્દ આવ્યા હતા અને અલ્તમશના પ્રશંસક-કવિ બન્યા હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી