સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk) : રશિયાઈ વિસ્તારના યુરલ પર્વતોમાં આવેલું યંત્રો બનાવતું ઉત્પાદનકેન્દ્ર અને વેપારી મથક. ભૌગોલિક સ્થાન : 56° 51´ ઉ. અ. અને 60° 36´ પૂ. રે.. તે મૉસ્કોથી ઈશાનમાં આશરે 1,930 કિમી.ને અંતરે યુરલ પર્વતોના પૂર્વ ઢોળાવ પર આવેલું છે. આ શહેર યુરલ વિસ્તારનું મોટામાં મોટું શહેર છે. અહીં યાંત્રિક પુરજાઓ ભેગા કરીને યંત્રો બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. તે રેલમાર્ગનું મધ્યસ્થ મથક પણ છે.

રશિયાઈ ક્રાંતિ બાદ, 1918ના જુલાઈની 16મી તારીખે સ્વેર્દલોવ્સ્ક ખાતે બોલ્શેવિક લોકો દ્વારા ઝાર નિકોલસ બીજાની તેમજ તેના કુટુંબીજનોની હત્યા કરાયેલી હોવાના અહેવાલો નોંધાયેલા છે. એ વખતે આ શહેર એકાતેરિનબર્ગ (Ekaterinburg) નામથી ઓળખાતું હતું.

જાહનવી ભટ્ટ