સ્વીડિશ ભાષા અને સાહિત્ય : સ્વીડિશ સ્વેન્સ્ક સ્વીડનની રાષ્ટ્રીય ભાષા છે. ફિન્લૅન્ડની બે ભાષાઓમાં ફિનિશ અને સ્વીડિશ ભાષાઓ છે. પૂર્વ સ્કેન્ડિનેવિયન જૂથની ઉત્તર જર્મેનિક ભાષાઓમાં સ્વીડિશ પણ છે. છેક વિશ્વયુદ્ધ બીજા સુધી ઈસ્ટોનિયા અને લેટવિયામાં પણ તે બોલાતી હતી. કેટલાંક ‘રૂનિક’ (Runic) શિલાલેખોમાં ઈ. સ. 600–1050 અને આશરે 1225નાં લખાણોમાં તે લખાયેલી જોવા મળે છે. 14મી અને 15મી સદીમાં તેના ધ્વનિ-ઉચ્ચારણમાં મોટો ફેરફાર થયો છે. આધુનિક સ્વીડિશ ભાષા 1526થી શરૂ થાય છે. બાઇબલના ‘નવા ટેસ્ટામેન્ટ’નો અનુવાદ આ વર્ષમાં થાય છે. પ્રમાણભૂત સ્વીડિશનો ઊગમ 17મી સદીમાં થાય છે. સ્ટૉકહૉમ અને લેક મલારની આસપાસની બોલીઓમાંથી તે નીપજે છે. જો કે આમાં ગાઉતા (Gota) બોલીઓનો પણ ગણનાપાત્ર ફાળો છે. સ્વીડિશ અકાદમી (1786) દ્વારા સ્વીડિશ વ્યાકરણ 1836માં પ્રસિદ્ધ થયું અને ત્યાર પછી તેણે શબ્દકોશ પણ પ્રગટ કર્યો. નામની પાછળ નિશ્ચિત ઉપપદ (definite article) મૂકવામાં આવે છે. તેમાં માત્ર બે જાતિ છે (નાન્યતર અને સામાન્ય). મોટા ભાગની બોલીઓમાં નર, નારી અને નાન્યતર જાતિઓ છે. તેના શબ્દકોશમાં જર્મન ભાષાના ઘણા શબ્દો છે. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાંથી પણ હવે તેમાં શબ્દો ઉમેરાતા જાય છે.

સાહિત્ય : અન્ય રાષ્ટ્રોની પ્રબળ અસર થયા પછી પણ સ્વીડિશ સાહિત્યની રાષ્ટ્રીય ઓળખ જળવાઈ રહી છે. 11મી સદીના શિલાલેખો અને હસ્તપ્રતોમાં તે મળી આવે છે. જો કે મધ્યકાલીન યુગમાં કૅથલિક પ્રણાલિકામાં તે પ્રગટ થાય છે. સેંટ બ્રિજેટના લૅટિન ભાષામાં લિખિત ‘રીવિલેશન્સ’ની લોકચાહના જેમ પરદેશમાં તેમ સ્વીડનમાં પણ ખૂબ હતી. બિનસાહિત્યિક હેતુસર થયેલ અનેક લખાણોની નિસબત ધાર્મિક ન હતી. જોકે કેટલાંક લોકસાહિત્યિક કથાકાવ્યો અને કાયદાને લગતાં લખાણો પણ મળી આવે છે.

ગુસ્તાવ વાસાની ધર્મસુધારણાની ચળવળને લીધે 16મી સદીમાં સાંસ્કૃતિક ધ્યેયવાળા લખાણમાં ઓટ આવી હતી. ઓલેઅસ પેટ્રીનો બાઇબલ(1526 અને 1541)નો અનુવાદ સ્વીડિશ ભાષામાં નોંધપાત્ર ગણાયો છે. સ્વીડનનો પ્રથમ ઊર્મિકવિ લાર્સ વિવેલિયસ છે. પ્રબુદ્ધકાળના કેટલાક લીસોટા જ્યૉર્જ સ્ટર્નહીલ્મની 17મી સદીની ધૂની કે તરંગી કવિતા(baroque)માં જોવા મળે છે.

18મી સદીમાં નવી ચેતનાના યુગમાં અહીં ગદ્યનું ગજું છતું થાય છે. ગુસ્ટાફ ત્રીજાના રાજ્યકાળ દરમિયાન સાહિત્યનાં અન્ય સ્વરૂપો પ્રગટે છે. ફ્રાન્સની મોટી અસર સ્વીડિશ પર થાય છે. કાર્લ માઇકલ બેલમેનની આડંબરી શૈલી(rococo)ની કવિતા નોંધપાત્ર છે. એરિક જોહાન સ્ટેગ્નેલિયસના નવ્યપ્લેટોવાદ, ઇસેયસ ટેગ્નીર અને ઍરિક ગુસ્ટાફના રાષ્ટ્રીય ભૂતકાળની યશોગાથાની સાથે અબ્રાહમ વિક્ટોર રીડબર્ગ આદર્શ મુક્તતાવાદ(liberalism)માં સ્વીડનના 19મી સદીના સાહિત્યમાં પ્રગટ થતું કૌતુક (romanticism) અને તત્વજ્ઞાન આહલાદક અભિવ્યક્તિ છે. કાર્લ જોનાસ લવ આલ્મક્વિસ્ટ રહસ્યવાદી રોમૅન્ટિક સાહિત્યકાર છે. તેના ગદ્યમાં સામાજિક સૂઝની સાથે વાસ્તવવાદ દેખાય છે. વીસમી સદીના સ્વીડિશ નાટ્યકાર ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ (1849–1912) મોટા ગજાના સાહિત્યકાર અને આધુનિક સ્વીડિશ નાટક અને નવલકથાના પિતા ગણાય છે. સ્વાભાવિક, ઘરગથ્થુ વાસ્તવિકતા અને છતાંય માનસશાસ્ત્રીય સમજથી ભરપૂર નાટકોમાં તેમણે ભરપૂર પ્રયોગો કર્યા છે. નિરાશા અને અળગાપણાની ભાવનાના માનવમનના સંઘર્ષોનું હૂબહૂ ચિત્રણ તેમણે ‘મિસ જુલી’ (1888), ‘અ ડ્રીમ પ્લે’ (1902) જેવાં નાટકોમાં આપ્યું છે. વિપુલ સર્જક, નવલકથાકાર આયવિન્ડ જ્હૉન્સનને 1974નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક તેમના જ રાષ્ટ્રના હેરી માર્ટિન્સન સાથે એનાયત થયેલું. ‘રીટર્ન ટુ ઇથાકા’ (1946) મહાકવિ હોમરના ‘ઓડીસી’ પર આધારિત નવલકથા છે. આધુનિક સ્વીડિશ સાહિત્યમાં તેઓ ખૂબ જાણીતા છે. ‘ઓલાફ’ (1934–37) ચાર ભાગમાં થયેલું આત્મકથનાત્મક લખાણ છે. સેલ્મા લેજેરલોફના કાવ્યમાં ભૂતકાલીન વાત પર ભાર છે તો એરિક એક્સેલ કાર્લ ફીદ્તના લખાણમાં ગ્રામીણ લોક અને સ્થળનાં વર્ણનો છે. આશરે 1900માં હાલ્મર સુરબિર્ગ ટૂંકી વાર્તાઓના સર્જક છે. એડિથ સુર્દેક્રાન, ગુન્નર બોર્લિંગ અને એલ્મર દિક્તોનિયસ આધુનિક સાહિત્યલેખકો છે. પાર લેસવિસ્તનાં નાટકો તથા ગુન્નર એકલોરની કવિતામાં આધુનિકતા પ્રગટે છે. 1930 પછી તો સ્વીડનની અસ્મિતામાંથી ઊભા થયેલ લેખકો આવે છે. 1974ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા હેરી માર્ટિનસન અને આઇવિન્ડ જ્હૉનસનનાં નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં થયાં છે.

વિશ્વયુદ્ધોમાંથી સ્વીડન બાકાત રહ્યું. છતાંય વિશ્વયુદ્ધ બાદ પ્રગટેલો વિષાદ એરિક લિંડગ્રેન અને કાર્લ વેનબર્ગ દ્વારા સુપેરે પ્રગટ થાય છે. નિરાશાવાદ અને પાપનો એકરાર પણ વિયેટનામ યુદ્ધ પછી દેખા દે છે. આ સાહિત્યમાં ત્રીજા વિશ્વના પ્રશ્નો પણ દૃષ્ટિગોચર થાય છે.

વિ. પ્ર. ત્રિવેદી