સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art)

January, 2009

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art) : સ્વીડનનાં ચિત્ર અને શિલ્પ. સ્વીડનમાં સૌથી જૂની કલા સ્વીડનના બોહુસ્લાન પ્રાંતના તાનુમ ખાતેથી ગુફાઓમાં કોતરેલાં શિલ્પના સ્વરૂપમાં મળી આવી છે, જેને પ્રાગૈતિહાસિક માનવામાં આવે છે. એ પછી ગૉટ્લૅન્ડમાંથી આઠમીથી બારમી સદી સુધીમાં પથ્થરો પર આલેખિત ચિત્રો મળી આવ્યાં છે. એમાંથી ઓડીન (Odin) દેવના અષ્ટપાદ અશ્વ ‘સ્લીપ્નીર’(Sleipnir)નું ચિત્ર ઘણું જાણીતું બન્યું છે. વાઇકિંગ યુગ તરીકે ઓળખાતી આ ચાર સદીઓમાં પશુપંખીની આકૃતિઓને શોભન (decorative) શૈલીમાં આલેખવાનું વલણ રહ્યું. ઓસેબર્ગ અને ગૉટ્લૅન્ડમાંથી આ પ્રકારનાં ઘણાં કાંસ્ય શિલ્પો તેમજ કટારના હાથા મળી આવ્યાં છે. બારમી સદી પછીથી તેરમી સદીથી સ્વીડનમાં ખ્રિસ્તી કલાનો ઉદય થયો. પરિણામે ઘણાં ચર્ચની ભીંતો પર ખ્રિસ્તી ભીંતચિત્રો આલેખાયાં. જેમાંથી વા (Vä) ખાતેના વા ચર્ચ અને સમાલૅન્ડ ખાતેના ડાડેસ્જો (Dädesjö) ચર્ચમાં તેરમી સદીનાં ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો ઉત્તમ હાલતમાં સચવાયાં છે.

ગુસ્ટાફ લૂન્ડબર્ગે આલેખેલું ફ્રાન્સના રાજા લૂઈ પંદરમાનું ચિત્ર

સોળમી અને સત્તરમી સદી દરમિયાન સ્વીડનમાં ચિત્રકલા રાજ્યાશ્રય હેઠળ પાંગરી. તેમાં ખ્રિસ્તી ધર્મકથાના પ્રસંગો અને વ્યક્તિચિત્રોનું આલેખન મુખ્ય વિષયો હતા અને મોટા ભાગના ચિત્રકારો વિદેશથી અહીં આવીને વસેલા હતા. તેમાંથી નેધરલૅન્ડ્ઝના ચિત્રકાર સ્ટીવન વાન ડેર મુલેને (Meulen) એરિક ચૌદમાનું ચીતરેલું વ્યક્તિચિત્ર તેમજ ફ્રાન્સના ચિત્રકાર સેબાસ્તીં બૂર્દોંએ (Sebastien Bourdon) રાણી ક્રિસ્ટીનાનું ચીતરેલું ઘોડેસવાર વ્યક્તિચિત્ર ઘણાં જાણીતાં છે. જર્મન ચિત્રકાર ડૅવિડ ક્લોકર એરેન્સ્ટ્રાલે (David Klöcker Ehrenstrahl) ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો આલેખ્યાં. મૂળ સ્વીડનના ચિત્રકારોએ યુરોપના બીજા દેશોમાં કલા-તાલીમ લેવી શરૂ કરી. પૅરિસ રહીને કલાશિક્ષણ પામેલા સ્વીડિશ વ્યક્તિ-ચિત્રકારો ગુસ્ટાફ લૂન્ડ્બર્ગ (Gustaf Lundberg) (1695–1786), ઍલેક્ઝાન્ડર રોસ્લીન (Roslin) અને કાર્લ ગુસ્ટાફ પિલો (Pilo) પર પડેલો ફ્રેન્ચ રોકોકો (Rococo) શૈલીનો પ્રભાવ સ્પષ્ટ છે. પિલો દ્વારા ચિત્રિત ચિત્ર ‘ધ કોરોનેશન ઑવ્ ગુસ્ટાવુસ ધ થર્ડ’ અપૂર્ણ રહ્યું હોવા છતાં સ્વીડિશ કલાનો માસ્ટરપીસ ગણાય છે.

સ્વીડનમાં અઢારમી સદીના ઉત્તરાર્ધથી નિસર્ગચિત્રોનું ચલણ વ્યાપક બન્યું. નિસર્ગ-ચિત્રકાર એલિયાસ (Elias) માર્ટિન બ્રિટનથી ચિત્રકલા શીખીને સ્વીડનમાં બ્રિટિશ નિસર્ગચિત્રકલાનો પ્રભાવ લઈ આવ્યા, ઉપરાંત જોહાન સેવન્બોમ (Sevenbom) (1721–1784) પણ અગત્યના નિસર્ગ-ચિત્રકાર છે. ઓગણીસમી સદીમાં સ્વીડિશ નિસર્ગ-ચિત્રણા ફ્રેંચ કલાના પ્રભાવ હેઠળ આવી. સ્વીડિશ નિસર્ગ-ચિત્રકારો આલ્ફ્રેડ વેલ્બર્ગ (Wahlberg) (1834 –1906), કાર્લ લાર્સોન (1853–1919) અને કાર્લ નૉસ્ટ્રૉર્મ (1855–1923) ફ્રાંસમાં થોડા સમય માટે નિવાસ કરી ફ્રાંસની બાર્બિઝોં નિસર્ગચિત્રની શૈલી આત્મસાત્ કરી સ્વીડન પાછા ફર્યા અને એમણે બાર્બિઝોં શૈલીમાં સ્વીડિશ નિસર્ગનું ચિત્રણ કર્યું.

હિલ્ડિંગ લિન્ક્વિસ્ટે આલેખેલું એક ચિત્ર. અહીં ખેતરોની વચ્ચે આવેલી એક હવેલી અને બગી નજરે પડે છે.

વીસમી સદીમાં પણ સ્વીડિશ કલા ફ્રેંચ કલાથી પ્રભાવિત રહી છે. લૅન્ડર એંગ્સ્ટ્રોમ (1886–1927) અને બીજા કેટલાક ચિત્રકારોએ ફ્રાંસ જઈ ‘માતિસ (Matisse) અકાદમી’માં ફોવવાદી ચિત્રણાની તાલીમ લઈ, સ્વીડન પાછા ફરી ફોવવાદી ચિત્રો આલેખ્યાં. કાર્લ આઇઝેક્સને (1878–1922) ફ્રાંસ જઈ ઘનવાદી ચિત્રશૈલી અપનાવી અને પાછા ફરી એ અનુસાર ચિત્રસર્જન કર્યું. ચિત્રકારો હિલ્ડિંગ લિન્ક્વિસ્ટ (Hilding Linqvist) (1891–1984), એક્સેલ (Axel), નિલ્સન (1889–1981) અને ઓલે બાયર્લિંગે (1911–1981) અમૂર્ત ચિત્રો આલેખ્યાં.

અમિતાભ મડિયા