સ્વાહિલી ભાષા અને સાહિત્ય

January, 2009

સ્વાહિલી ભાષા અને સાહિત્ય : આફ્રિકા ખંડના બાન્ટુ ભાષાજૂથની સૌથી વધુ જાણીતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સ્વાહિલી, કિસ્વાહિલી કે કિસ્વાહિલ અથવા બાન્ટુ ભાષા તરીકે પણ ઓળખાય છે. આફ્રિકાના કેટલાક પ્રદેશની તે માતૃભાષા છે. બાન્ટુ આયર્લૅન્ડ, કેન્યા, દક્ષિણમાં ટાન્ઝાનિયા કે ઉત્તરમાં લામુ આયર્લૅન્ડમાં આફ્રિકન પ્રજાની માતૃભાષા છે. નાઇજર–કૉંગો ભાષાપરિવારના પેટાજૂથની, બેનુ–કૉંગો ઉપજૂથની તે ભાષા છે. ટાન્ઝાનિયા, કેન્યા, ઝેર અને યુગાન્ડાની તે લિંગ્વા-ફ્રાન્કા તરીકે પણ ઓળખાય છે.

આફ્રિકા ખંડમાં 700થી 3,000 જેટલી ભાષાઓ બોલાય છે, અરબી ઉપરાંત આફ્રિકાની ભાષાઓમાં સ્વાહિલી અને હૉસા ભાષાઓના બોલનારાઓની સંખ્યા 2 કરોડથી વધુ છે. આફ્રિકન ભાષાઓ મૂળ આફ્રો–ઍશિયાટિક, નીલો–સહરાન, ખોઇસાન અને નાઇજર–કૉંગો ભાષાઓમાં વહેંચાઈ છે. કેટલીક ભાષાઓનાં જૂથ 5,000 વર્ષોથી પણ વધુ પ્રાચીન છે. આમાં બાન્ટુ ભાષાઓ દક્ષિણ આફ્રિકામાં ઝૂલુ અને ક્ષોસા, મોઝામ્બિકમાં માકુઆ, માલવીમાં ન્યાન્જા, ઝિમ્બાબ્વેમાં શોના, ઝાંબિયામાં બેમ્બા, આંગોલામાં કિંબુન્દુ અને ઉંબુન્દુ, ટાંઝાનિયામાં સ્વાહિલી અને શુકુમા, કેન્યામાં ગિફુયુ, યુગાન્ડામાં ગેંડા, રવાન્ડામાં રવાન્ડા, બુરુંદીમાં રુંદી, કૉંગો અને ઝેરમાં કૉંગો, કેમરોનમાં ફગ અને બુલુ અને દક્ષિણ આફ્રિકામાં ઝવાનામાં ઉપયોગમાં આવે છે.

સ્વાહિલી પ્રજાના પૂર્વજો બાન્ટુ અને આરબ છે. સોમાલિયાથી મોઝાંબિક સુધીના આફ્રિકાના પૂર્વકિનારે તેઓ વસે છે. પૂર્વ આફ્રિકામાં સ્વાહિલી ભાષા વેપારવણજ માટે વપરાય છે. કેન્યા અને ટાંઝાનિયાની તે રાજભાષા છે. બધા સ્વાહિલીઓ ઇસ્લામ ધર્મ પાળે છે. ઈસુ ખ્રિસ્તના સમયમાં આરબો અને સ્વાહિલી પ્રજા એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં. કિલ્વા, લાળુ, માલિંડી, મોમ્બાસા અને ઝાંઝીબાર જેવાં સ્વાહિલી રાજ્યો વેપારમાં ખૂબ આગળ વધ્યાં છે.

સ્વાહિલી ઉપર અરબી ભાષાની મોટી અસર છે. અરબી ભાષાનું મોટું શબ્દભંડોળ સ્વાહિલીમાં છે. ‘સ્વાહિલી’ શબ્દ મૂળ અરબી ભાષામાંથી આવ્યો છે; તેનો અર્થ ‘કિનારાનું’ એવો થાય છે. મૂળ સ્વાહિલી સાહિત્ય 18મી સદીમાં અરબીમાં રચાયું છે.

સ્વાહિલી ભાષાની ત્રણ બોલીઓમાં (1) કિઉંગુની (ઝાંઝીબાર અને તાંઝાનિયાના મુખ્ય ભાગમાં બોલાય છે); (2) કિંવિતા (મોમ્બાસા અને કેન્યાના કેટલાક ભાગોમાં બોલાય છે); અને (3) કિયામુ(લામુના ટાપુમાં અને કાંઠાની નજીકના ભાગમાં બોલાય છે.)નો સમાવેશ થાય છે. સ્વાહિલી કિઉંગુની બોલીમાં વધુ સ્થિર થઈ છે.

સાહિત્ય : સ્વાહિલી ભાષામાં જૂનામાં જૂનું લખાણ 18મી સદીનું અરબી મૂળાક્ષરોમાં લખાયેલું મળે છે. ત્યાર પછીનાં લખાણો ત્રણ બોલીઓમાં લખાયાં છે : કિઉંગુની, કિંવિતા અને કિયામુમાં. 1930માં બ્રિટિશ સામ્રાજ્યવાદના સત્તાધીશોએ, કેટલાક સ્થાનિક આફ્રિકાના સાક્ષરો–લેખકોએ સાથે મળીને ભાષાને ધોરણસરની કરી. આ માટે તેમણે ઝાંઝીબાર નગરમાં બોલાતી બોલી કિઉંગુનીનો આધાર લીધો. ત્યાર પછી પૂર્વ આફ્રિકામાં પુસ્તકો અને શિક્ષણ માટે આ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો.

સૌપ્રથમ સ્વાહિલી ભાષામાં રચાયેલું સાહિત્ય વાર્તાઓ રૂપે છે. પારંપરિક લોકસાહિત્યમાં આ વાર્તાઓનાં મૂળ મળે છે. જેમ્સ મોટેલાની ‘ફ્રીડમ ફૉર ધ સ્લેવ્ઝ’ (1934) ઐતિહાસિક નવલકથા તથા શાબાન રૉબર્ટ(1909–1962)ના ગ્રંથોએ સ્વાહિલી ભાષામાં લખવાની પ્રેરણા આપી. રૉબર્ટ ટાંગાનિકાના કવિ, નવલકથાકાર અને નિબંધકાર રૉબર્ટનું નામ પૂર્વ આફ્રિકામાં ખૂબ જાણીતું છે. ઝાંઝીબારના મુહમ્મદ સાલે ફારસીની નવલકથા ‘કુર્વા ઍન્ડ ડૉટો’ નાના શિષ્ટગ્રંથ તરીકે ઓળખાય છે. મુહમ્મદ સૈયદ અબ્દુલ્લાની ‘શ્રાઈન ઑવ્ ધ એન્સેસ્ટર્સ’ (1960) પૂર્વ આફ્રિકાના યાંત્રિક સુધારણા વેળાની નવલકથા એક રીતે રહસ્યકથા પણ છે. સ્વાતંત્ર્ય મેળવવા માટેના સંઘર્ષ અને આઝાદી પછીના સમાજની પણ આમાં રજૂઆત થઈ છે. ફરાજી કટાલાંબુલાની ગુનાશોધક રહસ્યકથા ‘ડેથ કૉલ’(1965)માં આ યુગ-બદલાવ સુપેરે રજૂ થયો છે. 1961–1970 અને તે પછી સ્વાહિલીમાં પ્રકાશનપ્રવૃત્તિ નાટકીય રીતે આગળ વધી રહી છે.

મુખ્યત્વે રોમાન્સ, રહસ્યકથા અને લોકકથાઓ સ્વાહિલી સાહિત્યમાં લખાતી રહે છે. ઐતિહાસિક ઘટનાઓ તથા સમકાલીન સામાજિક અને રાજકીય પ્રશ્નો લઈને નાટક અને નવલકથા સરસ રીતે પ્રયોજાય છે. અનુવાદો પણ થાય છે. યુફ્રેસ કેઝિલાહબી અને મુહમ્મદ એસ. મોહમ્મદ નવલકથાકારો તરીકે અને ઇબ્રાહીમ હુસેન અને પેનિના તથા મ્લામા ઑવ્ ટાંઝાનિયાનાં નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જાણીતાં છે. કેન્યાના નવલકથાકાર અલી જમાદાર અમિર, કટામા મ્કાંગી અને પી. એમ. કરેથી નવલકથાકારો તરીકે નોંધપાત્ર છે.

સ્વાહિલીમાં ઇતિહાસ વિષયમાં પણ ઠીક ઠીક લખાય છે. બ્રિટિશ સામ્રાજ્યના સમયને અહીં આવરી લેવાયો છે. સાંપ્રત સમયમાં ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં પણ નવા લખાણનું ખેડાણ થયું છે.

વિ. પ્ર. ત્રિવેદી