સ્વાતંત્ર્યદિન : કોઈ પણ રાષ્ટ્રનો જન્મદિન, જ્યારે તે અન્ય વિદેશી શાસકથી સ્વતંત્ર બને છે અથવા સ્વયંસમજ કે ક્રાંતિ દ્વારા જૂની રાજ્યવ્યવસ્થા ફગાવી દઈ નવી રાજ્યવ્યવસ્થાનો સ્વીકાર કરે છે. કેટલાક દેશો કે જ્યાં રાજા બંધારણીય વડો કે વાસ્તવિક વડો હોય છે ત્યાં રાજાનો તાજ ધારણ કરવાનો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવાની પ્રથા હોય છે. ઇરાકનો રાજા ફૈઝલ પહેલો તખ્તનશીન થયો તે દિવસ 23 ઑગસ્ટ, 1921નો હતો, જે સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાતો હતો. ત્યાર બાદ રાજાશાહી ફગાવી ઇરાક પ્રજાસત્તાક તંત્ર બન્યું. તે દિવસ 14 જુલાઈ, 1958ને ત્યાં રાષ્ટ્રીય દિન કે સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવામાં આવે છે.

ઘણાં રાષ્ટ્રો એવાં છે જેઓ સ્વાતંત્ર્યપ્રાપ્તિના દિવસની ઉજવણી કરવાને બદલે તેમના ઇતિહાસના અન્ય મહત્વના દિવસને સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવે છે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ. તેઓ બ્રિટિશ સંસ્થાન બન્યા તે દિવસને સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવે છે. ઑસ્ટ્રેલિયા 26 જાન્યુઆરી, 1788ના રોજ અને ન્યૂઝીલૅન્ડ 6 ફેબ્રુઆરી, 1840ના રોજ સંસ્થાન બન્યા હતા તે દિવસોની ક્રમશ: સ્વાતંત્ર્યદિન તરીકે તેઓ ઉજવણી કરે છે. આમ પ્રથમ સ્વાતંત્ર્યદિન કોઈ પણ પ્રજા અને દેશ માટે ગૌરવનો, સ્વાભિમાનનો દિવસ હોય છે અને તેની વિશેષ ઢબે ઉજવણી કરવાની પરિપાટી તમામ દેશોમાં જોવા મળે છે. કેટલાક દેશો એવા છે જે પરાપૂર્વથી સ્વાતંત્ર્ય માણતા આવ્યા છે. આવાં રાજ્યોનો કોઈ વિશેષ અને નોખો સ્વાતંત્ર્યદિન નથી. કારણ દેશો જૂની રાજ્યવ્યવસ્થામાંથી સહજ ક્રમે નવી વ્યવસ્થા તરફ આગળ વધ્યા હતા. બ્રિટન કે ફ્રાંસ આ પ્રકારનાં દૃષ્ટાંતો છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિના આ દિને હર્ષ કે આનંદની અભિવ્યક્તિ દ્વારા તેની ઉજવણી કરવાનો શિરસ્તો સર્વસ્વીકાર્ય બન્યો છે. આ ઉજવણીમાં રાષ્ટ્રગીતનું ગાન, લશ્કરી પરેડ, રાજ્ય કે સરકારના વડા દ્વારા રાષ્ટ્રીય સલામી ઝીલવાનો વિધિ તથા જૂના રાષ્ટ્રધ્વજને ઉતારી નવા રાષ્ટ્રધ્વજને દંડ પર ચઢાવી તેને વિધિપૂર્વક ફરકાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે આ પ્રકારની વિધિ પછી સૌથી વડા નેતાનું વ્યાખ્યાન, આતશબાજી, રાષ્ટ્રીય લોકનૃત્યોની ભજવણી જેવા રંગારંગી કાર્યક્રમો દ્વારા સમગ્ર દેશ આનંદનો ઓચ્છવ કરી સ્વાતંત્ર્યપ્રાપ્તિની ખુશાલી મનાવે છે.

સ્વાતંત્ર્યદિન (અમેરિકા) : 4 જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્યદિન છે. તે અંગેની વિગતોનો ઘટનાક્રમ આ મુજબ હતો : 2જી જુલાઈ, 1776ના રોજ બ્રિટન પાસેથી સ્વાતંત્ર્ય મેળવવાનો ઠરાવ કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસમાં મંજૂર થયો હતો. 4થી જુલાઈ, 1776ના રોજ ‘ડેક્લેરેશન ઑવ્ ઇન્ડિપેન્ડન્સ’નો ઠરાવ ઘડાયો અને આ દસ્તાવેજનો તેની બીજી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસે સ્વીકાર કરી, તેના પર સહીઓ કરી, તેને માન્ય રાખ્યો. આથી 4 જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્યદિન બન્યો. ‘ડેક્લેરેશન ઑવ્ ઇન્ડિપેન્ડન્સ’(સ્વતંત્રતાનું જાહેરનામું)નો ઠરાવ અમેરિકાનો મૂળભૂત દસ્તાવેજ છે કારણ એથી બ્રિટનના શાસનથી મુક્ત બની તેણે તેની સ્વતંત્રતાની ઘોષણાને કાયદેસર બનાવી છે. આ દસ્તાવેજ થૉમસ જેફરસને તૈયાર કર્યો હતો. આથી 4 જુલાઈ નવા સ્થપાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકા(યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા)ના રાષ્ટ્રીય જીવનનો સૌથી મહાન બિનસાંપ્રદાયિક દિવસ ગણાય છે. આ દસ્તાવેજનું સૌપ્રથમ જાહેર વાચન 8મી જુલાઈ, 1776ના દિવસે કરવામાં આવ્યું હતું. અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યે સૌપ્રથમ સ્વાતંત્ર્યદિનની ઉજવણી આ દસ્તાવેજના જાહેર વાચનના દિવસે એટલે કે 8 જુલાઈ, 1776ના રોજ કરી હતી. એ વેળા ‘સ્વાતંત્ર્યનું જાહેરનામું’ વાંચવામાં આવ્યું, ઘંટનાદ થયો, સંગીત રેલાયું અને લોકોએ કશીયે પૂર્વતૈયારી વિના સ્વયં ઊલટથી આનંદભેર તે દિવસે સ્વતંત્રતાના પર્વની રાષ્ટ્રીય ઉજવણી કરી. ત્યારથી સમગ્ર અમેરિકામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણીની પરંપરાનો આરંભ થયો. અહીં એક બાબત પર સવિશેષ ધ્યાન આપવું જોઈએ કે અમેરિકાની કૉંગ્રેસે (ધારાસભાએ) 4 જુલાઈને તેમના દેશનો કાયદેસરનો સ્વાતંત્ર્યદિન અને રાષ્ટ્રીય તહેવાર જાહેર કર્યો તેથી 4 જુલાઈ અધિકૃત સ્વાતંત્ર્યદિન તરીકે સર્વસ્વીકૃત બન્યો છે. આથી 4થી જુલાઈને ‘મહાન બિનસાંપ્રદાયિક રજા’ કે ‘કાયદેસરની જાહેર રજા’ તરીકે ઊજવવામાં આવે છે.

જનજીવનમાં આ પ્રજાકીય પર્વની ઉજવણી આનંદ-ઉલ્લાસથી મનાવવાની પરંપરા શરૂ થઈ; જેમાં રાષ્ટ્રીય પરેડ, રાષ્ટ્રીય વ્યાખ્યાન અને ઝાકઝમાળભરી ઉજવણી આ પ્રસંગનો ભાગ બની. આ ઉજવણીમાં આતશબાજીને કારણે ઘણાંને ઈજાઓ પહોંચતી; આથી 1900ના પ્રારંભે પ્રાઇવેટ પ્રોટૅક્નીક્સની મનાઈ કરતો વટહુકમ ઘણાં શહેરોમાં મંજૂર થતાં હવે આ દિવસે થતી આતશબાજી ત્યાં માત્ર ધંધાદારીઓ (પ્રોફેશનલ્સ) દ્વારા જ હાથ ધરાય છે.

1812ના યુદ્ધ પછી 4થી જુલાઈની આ ઉજવણી અમેરિકાના જનજીવનમાં સર્વમાન્ય બની. નાગરિક સમૂહોએ તેને રાષ્ટ્રપ્રેમના દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરી. ત્યાર બાદ અમેરિકામાં જાહેર હિતનાં ઘણાં કાર્યોનો પ્રારંભ 4 જુલાઈથી થવા લાગ્યો. 1817માં એરી કૅનાલ(Erie Canal)નું ખોદકામ આરંભાયું; 1828માં બાલ્ટીમોરઓહાયો વચ્ચે રેલમાર્ગનો આરંભ કરાયો, જે અમેરિકાની સૌપ્રથમ રેલવે હતી; 1850માં વૉશિંગ્ટન સ્મારકની આધારશિલા મૂકવામાં આવી; 1946માં ફિલિપાઇન્સના સ્વાતંત્ર્યને અમેરિકાએ ઔપચારિક માન્યતા આપી. આમ 4 જુલાઈનો સ્વાતંત્ર્યદિન વિવિધ ઢબે અમેરિકાના જનજીવનમાં વણાઈ ગયો છે.

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યે 8 જુલાઈ, 1776ના રોજ સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી કરી હતી. ‘ડેક્લેરેશન ઑવ્ ઇન્ડિપેન્ડન્સ’નો ઠરાવ ઘડાયો અને તે દસ્તાવેજનો સ્વીકાર બીજી કૉન્ટિનેન્ટલ કાગ્રેસ દ્વારા માન્ય રાખવામાં આવ્યો હતો. તે પછી મોડેથી છેક 1941માં અમેરિકાની કૉંગ્રેસે (ધારાસભા) 4 જુલાઈને સમવાય સરકારનો કાયદેસરનો તહેવાર ઘોષિત કર્યો હતો. અહીં નાની શી આડ-વાત કરી લઈએ. સ્વાતંત્ર્યદિનની જેમ અમેરિકાના રાષ્ટ્રગીતની કૉંગ્રેસ દ્વારા ઔપચારિક સ્વીકૃતિ 3 માર્ચ, 1931ના રોજ થઈ હતી.

આ અંગે વૈશ્વિક સંદર્ભમાં વાત કરીએ તો 1945માં બીજા વિશ્વયુદ્ધના અંત બાદ એશિયા અને આફ્રિકા ખંડનાં જે રાજ્યો વિદેશી હકૂમત નીચે હતાં તે સ્વતંત્ર રાજ્યો બનવા લાગ્યાં. એશિયા અને આફ્રિકાના ખંડોમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિના નવા યુગનાં મંડાણ થયાં. બ્રિટિશ શાસન હેઠળનું હિન્દુસ્તાન 1947માં સ્વતંત્ર બનતાં તેમાંથી ત્રણ રાજ્યો જન્મ્યાં : ભારત, પાકિસ્તાન અને મ્યાનમાર (બર્મા – બ્રહ્મદેશ). 1971માં પાકિસ્તાનમાંથી નવા રાજ્ય બાંગ્લાદેશનો જન્મ થયો. લગભગ આ જ અરસામાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ઇઝરાયલ જેવાં રાજ્યોએ સ્વાતંત્ર્ય મેળવી સ્વાતંત્ર્યદિનની ઉજવણીની શરૂઆત કરી. વીસમી સદીના ઉત્તરાર્ધનો પ્રથમ દશકો એશિયાઈ રાજ્યોના સ્વાતંત્ર્યનો હતો.

વીસમી સદીના ઉત્તરાર્ધનો બીજો દસકો એટલે કે 1960 પછીનાં વર્ષોમાં આફ્રિકાનાં વિવિધ રાજ્યોમાં સ્વાતંત્ર્યનો સૂરજ ઊગ્યો અને 17 રાજ્યોએ ફ્રેંચ શાસનની ધૂંસરી ફગાવી. સ્વાતંત્ર્ય સાથે સ્વરાજ્યનો આરંભ કર્યો. ક્રમશ: બ્રિટિશ સામ્રાજ્યવાદ અને પોર્ટુગીઝ તેમજ અન્ય સામ્રાજ્યવાદી શાસનોનો અંત આવતાં સમગ્ર આફ્રિકામાં વિવિધ રાજ્યોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો પ્રારંભ કર્યો.

સ્વાતંત્ર્યદિન (ભારત) : 15મી ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્યદિન છે. ભારતીય પ્રજા અને વિદેશી બ્રિટિશ શાસકો વચ્ચેની સ્વાતંત્ર્યની લાંબી લડત અંતે પરિણામ પર પહોંચી હતી. 20 ફેબ્રુઆરી અને 3 જૂન, 1947ના રોજ બ્રિટિશ સરકારે નિવેદનો બહાર પાડી, ઑગસ્ટ 1947 સુધીમાં હિંદી પ્રજાને સંપૂર્ણ સત્તા સોંપી દેવાના નિર્ણયો ઘોષિત કર્યા. આ બ્રિટિશ યોજનાનો 14–15 જૂન, 1947ના રોજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ઠરાવો દ્વારા સ્વીકાર કર્યો.

આ અંગે બ્રિટિશ સરકાર અને રાષ્ટ્રીય કૉંગ્રેસ વચ્ચે વિવિધ વાટાઘાટોને અંતે નવા જન્મનાર ભારત દેશ માટે 15 ઑગસ્ટ, 1947નો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે મુકરર થયો. બંધારણસભાએ ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. 14 ઑગસ્ટ, 1947ની અર્ધરાત્રિકાલીન બેઠક 10-45 કલાકે પાર્લમેન્ટના કેંદ્રીય ખંડમાં યોજવામાં આવી. નિશ્ચિત સમયે ગૃહની કાર્યવહીનો આરંભ થયો. શ્રીમતી સુચેતા કૃપાલાની દ્વારા ‘વન્દે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું. ત્યાર પછી બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદે ટૂંકું પ્રવચન કર્યું અને પછી તુરંત પંડિત જવાહરલાલ નહેરુએ ‘વિધાતા સાથે મુલાકાત’નું તેમનું જગપ્રસિદ્ધ વ્યાખ્યાન આપ્યું.

આ વિધિ પૂરો થતાં ‘વફાદારીના સોગંદ’(Oath of Dedication)નો ઠરાવ કરવામાં આવ્યો. ડૉ. રાજેન્દ્રપ્રસાદે સોંગદનામાનું વાચન કર્યું અને સૌએ ઊભાં થઈ સોગંદ લીધા ત્યારે સંસદના ખૂણેખૂણેથી ‘મહાત્મા ગાંધીની જય’ અને ‘વન્દે માતરમ્’નો જયઘોષ થયો. ભારતની બંધારણસભાએ ભારતના સંચાલનની સત્તા ધારણ કરી છે એ મુજબનો પ્રસ્તાવ ભારતના વાઇસરૉય નામદાર લૉર્ડ લુઈ માઉન્ટબૅટનની જાણ માટે કરવામાં આવ્યો. ગૃહે પ્રચંડ ગર્જના સાથે આ પ્રસ્તાવ માન્ય કર્યો. હર્ષોલ્લાસનાં મોજાંઓ વચ્ચે, ભારતની બંધારણસભાએ સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી તે ક્ષણથી સ્વતંત્ર ભારતનો કાયદેસર પ્રાદુર્ભાવ થયો. 15 ઑગસ્ટ, 1947ના દિવસનું પ્હો ફાટતાં પૂર્વે સ્વતંત્ર ભારત સર્જન પામ્યું. ડૉ. રાજેન્દ્રપ્રસાદે શ્રીમતી હંસા મહેતા પાસેથી પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ લાડ અને પ્રેમ સહિત સ્વીકાર્યો અને સમગ્ર સભાને તેનું દર્શન કરાવ્યું. રાષ્ટ્રધ્વજ-દર્શનના આ પ્રસંગ સાથે ‘સારે જહૉ સે અચ્છા હિન્દોસ્તૉ હમારા’ અને ‘જનગણમન’ (ત્યારે તે ભારતનું અધિકૃત રાષ્ટ્રગીત ઘોષિત થયું નહોતું.) – બંને ગીતોનું ગાન કરવામાં આવ્યું અને ગૃહની ઐતિહાસિક અર્ધરાત્રિકાલીન બેઠકની કાર્યવહી સમાપ્ત થઈ.

બીજા દિવસે 15 ઑગસ્ટ, 1947ના સ્વાતંત્ર્યદિનના કાર્યક્રમોની શરૂઆત સવારના 8-30 કલાકથી થઈ. રાષ્ટ્રપતિભવનના દરબાર ખંડ(તે સમયે સેન્ટ્રલ હૉલ)માં નવી સરકારની સોગંદવિધિની કાર્યવહી કરવામાં આવી. સ્વતંત્ર ભારતની નવી સરકારની સોગંદવિધિ બાદ પ્રથમ વાર સવારે 10-30 કલાકે ધ્વજદંડ પર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ સંસદના કેન્દ્રીય ખંડમાં લહેરાવવામાં આવ્યો, તે સાથે નવા જન્મેલા ભારતના રાષ્ટ્રને 31 તોપોની સલામી આપવામાં આવી. 15 ઑગસ્ટ, 1947ની બપોરે ઇન્ડિયા ગેટ પાસેના પ્રિન્સ પાર્કના વૉર મેમૉરિયલ ખાતે સૌપ્રથમ જાહેરમાં ધ્વજ-સલામી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દેશના સૌપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાતો કર્યો તે સાથે એક પ્રાચીન રાજ્યમાંથી પ્રાદુર્ભાવ પામેલા અદ્યતન ભારતની મજલ શરૂ થઈ. સમગ્ર પ્રજાએ આ ઘટનાને અપૂર્વ ઉત્સાહથી વધાવી લીધી. આમ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર, સાર્વભૌમ અને કાયદેસરના ભારતનો ઉદભવ થયો. ભારતીય ઇતિહાસના નવસર્જનની આ ક્ષણો સાથે ભારતની નવી મંજિલનો આરંભ થયો.

સ્વાતંત્ર્યદિન અંગે સ્થપાયેલી પરંપરા મુજબ તેની ઉજવણીનો આરંભ દિલ્હીના લાલ કિલ્લા પરથી કરવામાં આવે છે. પ્રત્યેક 15મી ઑગસ્ટે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરે છે. આ અંગેનો એકમાત્ર અપવાદ નોંધપાત્ર છે. સ્વતંત્ર ભારતનો જાહેર ધ્વજવંદનનો કાર્યક્રમ 16 ઑગસ્ટ ને શનિવાર, 1947ના સવારે 8-30 કલાકે લાલ કિલ્લા ખાતે યોજાયો હતો. અગાઉ જણાવ્યા મુજબ 15મી ઑગસ્ટે સવારે સ્વતંત્ર ભારતની સરકારના સભ્યોનો સોગંદવિધિ રાષ્ટ્રપતિભવનના દરબાર ખંડ ખાતે યોજાયો હતો અને તે જ દિવસે બપોરે ઇન્ડિયા ગેટ પાસેના પ્રિન્સ પાર્કના વૉર મેમૉરિયલ ખાતે સૌપ્રથમ જાહેરમાં ધ્વજ-સલામી કાર્યક્રમ યોજાયો હતો. પ્રજાસત્તાક દિને રાષ્ટ્રધ્વજની સલામીનો કાર્યક્રમ ભારતના રાષ્ટ્રપ્રમુખનો વિશેષાધિકાર છે. આમ સ્વાતંત્ર્યદિને વડાપ્રધાન અને પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપ્રમુખ ધ્વજવંદન કરે એવી પરિપાટી ભારતમાં સ્થિર થઈ છે.

ઐતિહાસિક સંદર્ભમાં ભારતની રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડત કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલતી હતી ત્યારે 1914ના 29મા કૉંગ્રેસ અધિવેશન વેળા સ્વાતંત્ર્યની સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી. તે પછી વખતોવખત સ્વાતંત્ર્યનો આ સંકલ્પ દોહરાવવામાં આવ્યો હતો. 1927માં 42મા કૉંગ્રેસ અધિવેશનમાં સંપૂર્ણ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું ધ્યેય 9મા ઠરાવ તરીકે વ્યક્ત થયું હતું. આ સંદર્ભમાં 1929–30(29 ડિસેમ્બર 1929થી 1 જાન્યુઆરી 1930)નું 44મું લાહોર અધિવેશન નોંધપાત્ર હતું. આ અધિવેશનના 3જા ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે ‘સ્વરાજ’ એટલે ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ મેળવવામાં જ મહાસભાવાદીઓ પોતાની બધી શક્તિ અને સમય સમર્પિત કરશે. ત્યાર બાદ 2જી જાન્યુઆરી, 1930ના રોજ કૉંગ્રેસની કારોબારી સમિતિ મળી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે 26 જાન્યુઆરીને ભારતભરમાં ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઊજવવામાં આવે. આમ આઝાદી પૂર્વે 26 જાન્યુઆરી ભારતનો આગોતરો સ્વાતંત્ર્યદિન ઘોષિત થયો હતો. આ માટે નિર્ધારિત થયેલા કાર્યક્રમ મુજબ ગાંધીજીએ તૈયાર કરેલું એક ઘોષણાપત્ર આ દિવસે ગામડાંઓ, શહેરો અને આખા દેશમાં વાંચવામાં આવે તેમજ હાથ ઊંચા કરવાનું જણાવીને શ્રોતાઓની સંમતિ લેવામાં આવે. આ ઘોષણાપત્ર લાંબું હતું, જેમાં ભારતીયોના સ્વાતંત્ર્ય ભોગવવાના અદેય અધિકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં એ પણ જણાવવામાં આવેલું કે બ્રિટિશ સરકારે કેવી રીતે દેશને આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે તારાજ કર્યો છે. આથી સ્વતંત્ર ભારતનું બંધારણ તૈયાર થયા બાદ ‘પૂર્ણ સ્વરાજદિન’ને લક્ષમાં રાખીને તે દિવસે ભારતના બંધારણનો વિધિવત્ અને અધિકૃત રીતે સ્વીકાર કરવામાં આવતાં 26 જાન્યુઆરી, ભારતનો પ્રજાસત્તાક દિન બન્યો. આઝાદી પૂર્વેનો 26 જાન્યુઆરીનો સ્વાતંત્ર્યદિન આમ આઝાદી બાદ પ્રજાસત્તાક દિનમાં પરિવર્તન પામ્યો.

અલબત્ત, લાહોર ખાતેના 44મા અધિવેશન પ્રસંગે 31મી ડિસેમ્બર, 1929ના રોજ રાવી-કાંઠે કૉંગ્રેસે ‘પૂર્ણ સ્વરાજ’નું ધ્યેય ઘોષિત કર્યું અને જવાહરલાલ નહેરુએ ત્યાં ધ્વજ લહેરાવી ઉપર્યુક્ત ઠરાવને સમર્થન પૂરું પાડ્યું. આ ‘પૂર્ણ સ્વરાજ’ની ઐતિહાસિક ઘોષણા વેળા ધ્વજદંડ જમીનથી 115 ફૂટ ઊંચો હતો. ધ્વજદંડની ટોચ પર 200 કૅન્ડલ પાવરના પંદર વીજળીક ગોળા ઉપરાંત ત્રણ રંગના એક એક એવા 2,000 કૅન્ડલ પાવરના ગોળા ગોઠવેલા હતા. રાત્રિ વેળાનું આ ભવ્ય દૃશ્ય સ્વાતંત્ર્યદિનના આનંદની અભિવ્યક્તિ તેમજ આગાહી કરતું હતું.

રક્ષા મ. વ્યાસ