સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty) : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના સ્વાતંત્ર્યની યાદ અપાવતું, ન્યૂયૉર્ક શહેરમાં આવેલું, ખૂબ જ લોકપ્રિય બનેલું ભૂમિચિહ્ન. ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર ટાવર સમું બની રહેલું તાંબાનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ બનાવે છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ આજ સુધી કંડારાયેલાં પૂતળાં પૈકી મોટામાં મોટું ગણાય છે. આ પૂતળાનું પૂરું નામ છે ‘લિબર્ટી એનલાઇટનિંગ ધ વર્લ્ડ’.

સ્વાતંત્ર્યદેવીનું આ પૂતળું ફ્રાન્સના લોકોએ 1884માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલું છે. આ બંને દેશોના લોકોના સ્વાતંત્ર્યનાં આદર્શ તેમજ મિત્રતાની રજૂઆત રૂપે આ ભેટ આપવામાં આવેલી છે. પૂતળું કંડારવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પૂતળાના આકારની રૂપરેખા બનાવેલી તેમજ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું.

સ્વાતંત્ર્યદેવીનું આ પૂતળું દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેલું છે. દર વર્ષે અંદાજે 20 લાખ લોકો આ પૂતળાને નજરોનજર નિહાળવા મુલાકાતે આવે છે. સ્વાતંત્ર્યદેવીનું પૂતળું અને એલિસ ટાપુ ખાતેનું પરદેશી વસાહતી મથક સંયુક્ત રીતે યુ.એસ.નાં રાષ્ટ્રીય સ્મારકો બની રહેલાં છે. તેનો વહીવટ યુ.એસ. નૅશનલ પાર્કને હસ્તક છે. આ પૂતળાનું મુખ્ય સમારકામ તથા સુધારો યુ.એસ.ના લોકોની તેના પ્રત્યેની સમર્પણભાવના રૂપે 1986માં પૂરાં કરવામાં આવ્યાં છે.

પૂતળું એક પ્રતીક રૂપે : સ્વાતંત્ર્યદેવીનું આ પૂતળું યુ.એસ.ની ઓળખના એક પ્રતીક રૂપે તેમજ દુનિયાભરના લોકોમાં સ્વાતંત્ર્યની ભાવના પ્રગટે તેના પ્રતીક રૂપે મૂકવામાં આવેલું છે. ગૌરવભરી સ્ત્રીના લંબાયેલા જમણા હાથમાં પકડી રાખેલી, પ્રગટેલી મશાલ તથા ખૂલતા ઝભ્ભામાં દેખાતી કૃપાસૂચક ગડીઓ દ્વારા આ પૂતળું સ્વાતંત્ર્યની હૂબહૂ રજૂઆત કરતું બતાવ્યું છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પર સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યની રોમન અંકોમાં દર્શાવેલી 4 જુલાઈ 1776ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશે છે અને સ્વાતંત્ર્યદેવીના આ પૂતળાની નજીકથી પસાર થાય છે ત્યારે આ પૂતળું તેમને આવકાર આપતું હોય તેમ સ્વાતંત્ર્ય, મુક્તિ અને તકપ્રાપ્તિના વચનની યાદ અપાવે છે.

સ્થાન : સ્વાતંત્ર્યદેવીનું આ પૂતળું ન્યૂયૉર્કના ઉત્તર તરફના ભાગમાં લિબર્ટી ટાપુની પાંચ હેક્ટર ભૂમિ પર ગોઠવવામાં આવેલું છે. આ ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈર્ઋત્ય છેડાથી આશરે 2.5 કિમી. જેટલા અંતરે આવેલો છે. 1806થી 1811ના ગાળા દરમિયાન નૌકા હુમલાથી ન્યૂયૉર્કનું રક્ષણ કરવાના હેતુથી આ ટાપુ પર નિર્માણ કરાયેલા તારક આકારના દુર્ગની દીવાલો પરની પીઠિકા ઉપર આ પૂતળું ગોઠવવામાં આવેલું છે. આજનું ‘લિબર્ટી ટાપુ’ નામ 1956માં નવેસરથી અપાયેલું છે. આ ટાપુનું જૂનું નામ ‘બેડલો ટાપુ’ હતું, જે સત્તરમી સદીમાં થઈ ગયેલા આ ટાપુના માલિક આઇઝેક બેડલોના નામ પરથી અપાયેલું.

પીઠિકા : વિશાળ વિસ્તાર આવરી લેતી, પૂતળાની આધારપીઠિકા લોખંડના સળિયાઓ પર સિમેન્ટ-કૉંક્રીટ ભરીને તૈયાર કરવામાં આવેલી છે. તેના પર ગ્રૅનાઇટ પટનું આચ્છાદન જડીને, તેને ચમક આપીને સુશોભિત કરેલી છે. ભવ્ય મહાલયો તેમજ ઇમારતોની ડિઝાઇનનું આયોજન કરતા યુ.એસ.ના લબ્ધપ્રતિષ્ઠ સ્થપતિ રિચાર્ડ મોરિસ હન્ટ દ્વારા આ પીઠિકાનું સ્વરૂપ તૈયાર કરાયેલું છે. દુર્ગની દીવાલોના અંદરના પાયા સહિત પીઠિકાની ઊંચાઈ 47 મીટર જેટલી છે. 1886માં જ્યારે આ પીઠિકાનું બાંધકામ પૂર્ણ થયેલું ત્યારે તેનો પાયો દુનિયાભરમાં સિમેન્ટ-કૉંક્રીટથી બનાવાયેલો એકમાત્ર મોટામાં મોટો પાયો ગણાતો હતો. પીઠિકાના દળના અંદરના ભાગમાં અવરજવર માટે સીડી તેમજ લિફ્ટ મૂકેલાં છે. પીઠિકાનું સંતુલન જળવાઈ રહે તે માટે તેમાં સ્તંભોની હાર ગોઠવવામાં આવેલી છે. પીઠિકાના શિરોભાગની આજુબાજુ ઝરૂખાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

સ્વાતંત્ર્યદેવી-પૂતળું

પૂતળું : પૂતળાની ઊંચાઈ તેના પગના તળભાગથી મશાલના ઉપલા છેડા સુધી 46 મીટર જેટલી છે. તેનું વજન 204 મેટ્રિક ટનનું છે. આખુંય શિલ્પ આંટા વગરના રીવેટથી અન્યોન્ય જડાયેલાં તાંબાનાં 300 પતરાંથી બનાવવામાં આવેલું છે. શિલ્પ પર જડવામાં આવેલું તાંબાનું પતરું માત્ર 2.4 મિમી. જાડાઈનું છે. તાંબાને ટીપીટીપીને બીબાનો આકાર અપાયેલો છે, આ કારણોથી જ આ પૂતળું દુનિયાભરમાં શિલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

તાંબાના આવરણને આધાર આપતું અંદરનું રચનાત્મક માળખું ફ્રેન્ચ ઇજનેર ઍલેક્ઝાન્ડર ગુસ્તાવ એફિલે બનાવેલું. પૅરિસનો જગપ્રખ્યાત એફિલ ટાવર તો તેણે તે પછી તૈયાર કરેલો. પૂતળા માટેના આધાર માળખાનું સંતુલન જળવાઈ રહે તે માટે આડા અને ત્રાંસા પાટડા(બીમ)થી જોડાયેલા ચાર ઊભા લોહસ્તંભોથી તેનો મધ્યસ્થ ટાવર બનેલો છે. ટાવરમાંથી ઊભા અને બહાર જતા લોહગડરો ઊંચકાયેલા જમણા હાથને ટેકો પૂરો પાડે છે.

પૂતળાના માળખા પર કોઈ પણ પ્રકારનાં બાહ્ય પરિબળોની અસર ન થાય તેમજ તેના પરનું તાંબાનું આવરણ પવનના મારાનો અને તાપમાનનો પ્રતિકાર કરી શકે એ રીતે એફિલે મજબૂત છતાં નમનીય રચના બનાવેલી છે. અંદરના મધ્યસ્થ ટાવરથી કાટરહિત પોલાદી પટ્ટીઓ સુધી વિસ્તરેલા લોહસળિયા પૂતળાના આંતરિક આકારને જાળવી રાખે તે રીતે ગોઠવાયેલા છે. આ પટ્ટીઓને તાંબાના આવરણ સાથે ખૂબ દૃઢતાથી જોડી નથી, તેને બદલે આવરણની અંદરની બાજુ તરફ તાંબાના વિશિષ્ટ પ્રકારના ખૂણિયાઓ સાથે જોડવામાં આવી છે. પટ્ટીઓ અને તાંબાના બાહ્ય આવરણના જોડાણની આ પ્રકારની આડકતરી પદ્ધતિ પૂતળાને અખાત તરફથી ક્યારેક ક્યારેક વાતા જોરદાર પવનોના મારાને શોષી લે છે અને રક્ષણ પૂરું પાડે છે. વળી જોડાણની આ પદ્ધતિ દ્વારા તાપમાનની વધઘટ સામે તાંબાનું જરૂરી વિસ્તરણ–સંકોચન થતું રહે છે.

પૂતળાની અંદરના ભાગમાં મસ્તક પરના મુકુટ સુધી 142 પગથિયાંવાળી બે સમાંતર, વળ આકારે ગોઠવેલી સીડીઓ મૂકેલી છે. આ ઉપરાંત, કટોકટી માટે તેમજ નિભાવ–જાળવણી માટે પૂતળાના આધારભાગથી ખભા સુધી લિફ્ટ પણ રાખી છે. મુકુટ ભાગમાં 25 બારીઓવાળી વ્યાસપીઠ પણ રાખી છે, જ્યાંથી આજુબાજુનું દૃશ્ય માણી શકાય. દૃશ્ય માણવા માટેનો વિસ્તાર 20 જેટલા પ્રેક્ષકોનો સમાવેશ થઈ શકે એવડો રાખેલો છે.

પીઠિકાના આધારભાગથી મશાલનો છેડો 93 (46 + 47) મીટરની ઊંચાઈ ધરાવે છે. મશાલની ધાર પર બધી બાજુએ ગોઠવેલા 16 શક્તિશાળી દીપકોમાંથી નીકળતો પરાવર્તિત પ્રકાશ રાત્રિ દરમિયાન સુવર્ણ રંગે ઝગમગે છે. નીચે પીઠિકા પર રાખેલા દીપકોથી બાકીનું પૂતળું ઝળહળતું જોવા મળે છે.

ન્યૂયૉર્કના મૅનહટ્ટન ટાપુના દક્ષિણ છેડાના બૅટરી પાર્ક પરથી ફેરીસેવા મારફતે પ્રવાસીઓને પૂતળા નજીક જવા માટેની વ્યવસ્થા રખાયેલી છે. તેઓ નીચેથી 189 પગથિયાં ચઢીને પીઠિકાને મથાળે પહોંચી શકે છે, જોકે પીઠિકા પર જવા માટે લિફ્ટની વ્યવસ્થા પણ છે. મુકુટમાં ગોઠવેલી વ્યાસપીઠ સુધી પહોંચવા પૂતળાની અંદરનાં 142 પગથિયાં ચઢવાં પડે છે. પ્રવાસીઓને મશાલ સુધી જવાની પરવાનગી અપાતી નથી.

ઇતિહાસ : પ્રેરણા અને તૈયારી : સ્વાતંત્ર્યદેવીના પૂતળાનો સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ્ એડ્વર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબોઉલેને સ્ફુરેલો. તે યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રશંસક હતો. 1865માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ–અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેણે કરેલું. 1871માં તેના મિત્ર અને ખ્યાતનામ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીનું આ પ્રકારના સ્મારક માટે સમર્થન મેળવવા તેઓ યુ.એસ. ગયા. તેમણે આ સફર દરમિયાન જ સ્મારકની જગા માટે ન્યૂયૉર્કના અખાતમાં આવેલા બેડલો ટાપુને પસંદ કર્યો. ફ્રાન્સ પાછા ફરવાની સાથે જ બાર્થોલ્ડીએ પૂતળાને આકારિકી આપવાનું શરૂ કરી દીધું. તેમણે એક એવા ભવ્ય શિલ્પનું આયોજન કરવાનું વિચાર્યું, જે પ્રાચીન સમયથી નિર્માણ પામેલાં શિલ્પોમાં મોટામાં મોટું હોય ! આ માટે તેમણે પોતાની માતાના ચહેરાને આ પૂતળાના ચહેરામાં સમાવી લેવાનો ખ્યાલ રાખી આયોજન કરવાનું વિચાર્યું.

1875માં આ પ્રકલ્પ માટે જરૂરી ભંડોળ ઊભું કરવા ફ્રેન્ચ–અમેરિકન સંઘની સ્થાપના કરાઈ. આ સંસ્થાએ ફ્રાન્સ તેમજ યુ.એસ. બંને દેશોમાં ભંડોળ ઊભાં કર્યાં. 1881માં પીઠિકાનું આયોજન કરવા યુ.એસ. સ્થપતિ રિચાર્ડ મોરિસ હન્ટ પર પસંદગી ઉતારી.

નિર્માણ અને સમર્પણ : 1875માં પૅરિસની એક કાર્યશાળામાં પૂતળાનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બાર્થોલ્ડીએ સર્વપ્રથમ તો માટીની એક નાની પ્રતિકૃતિ બનાવી. તે પછી એક એકથી મોટી એવી ત્રણ પ્રતિકૃતિઓ પ્લાસ્ટર ઑવ્ પૅરિસમાંથી તૈયાર કરવામાં આવી. છેલ્લા પ્રતિસ્થાપનમાં કારીગરોએ પૂતળાના એક ભાગ માટે લાકડાનાં મજબૂત માળખાં તૈયાર કર્યાં. આ માળખાં પર પ્લાસ્ટરનું પડ ચઢાવાયું. પ્રત્યેક ભાગ તેના મોટા કદમાં કેવો દેખાશે તેના સ્વરૂપનો પણ ખ્યાલ રાખ્યો. તે પછીથી સુથારોએ પૂતળાની પ્રતિકૃતિઓ મુજબ મોટા કદનાં સ્વરૂપો તૈયાર કર્યાં. ધાતુકારીગરોએ આ કાષ્ઠસ્વરૂપો પર તાંબાનાં પાતળાં પતરાં ચઢાવી જોયાં. તાંબાનાં પતરાંને વાળી વાળીને ચકાસવામાં આવ્યાં તેમજ તેમને ટીપીટીપીને મોટાં સ્વરૂપોમાં કઈ રીતે ગોઠવાશે તે પણ ચકાસી જોયું.

પૂતળાને આધાર આપતું માળખું તૈયાર કરવાનું કામ ઇજનેરો માટે પડકારરૂપ હતું. ફ્રેન્ચ ઇજનેર ઍલેક્ઝાન્ડર ગુસ્તાવ એફિલે મધ્યના લોહટાવર સાથે મેળ ખાય એવી આધારરચનાનું આયોજન કર્યું. મધ્યસ્થ ટાવરને લોખંડના સળિયાના મજબૂત છતાં નમનીય માળખાથી તાંબાના આવરણ સાથે જોડવાનું હતું. જ્યાં પૂતળું બનાવાતું હતું ત્યાંની પૅરિસની કાર્યશાળા બહાર એફિલે કરેલી આધારમાળખાની રચનાને ઊભી કરીને બારીકાઈથી નિરીક્ષણ કરી જોવાયું. તે પછીથી જ તાંબાનાં આવરણોના ભાગોને માળખા પર જોડવામાં આવ્યા.

બાર્થોલ્ડીએ આશા સેવી હતી કે આ પૂતળું અમેરિકી સ્વાતંત્ર્યનાં સો વર્ષની વેળાએ – 1876ના જુલાઈની ચોથી તારીખે ભેટ આપવું; પરંતુ પૂતળાનો જમણો હાથ અને મશાલ જ 1876 સુધીમાં પૂરાં થઈ શક્યાં હતાં. તેથી ફ્રાન્સના લોકોએ 1884ના જુલાઈની ચોથી તારીખે પૅરિસમાં પૂર્ણ થયેલું પૂતળું ફ્રાન્સ ખાતેના યુ.એસ.ના મંત્રીને ભેટ ધર્યું.

1884માં ન્યૂયૉર્ક નજીક પસંદ કરેલી જગા પર પીઠિકાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું; પરંતુ તે માટેનું ભંડોળ પૂરતું ન હોવાથી અટકી જવું પડ્યું. ફાળો એકત્ર કરવા વર્તમાનપત્રો દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી. સારો પ્રતિસાદ મળ્યો. 1886ના એપ્રિલમાં આમ પીઠિકાનું બાંધકામ પૂરું થયું.

આ દરમિયાન, પૂતળાને તેના જુદા જુદા ભાગોમાં, પૅરિસ ખાતે છૂટું પાડીને, યુ.એસ.માં મોકલવા વહાણોમાં ભરવા માટે તેને 214 કાષ્ઠપેટીઓમાં ગોઠવવામાં આવ્યું. ફ્રાન્સનું ‘ઈસેરે’ વહાણ પૂતળાને લઈને નીકળ્યું. ઍટલૅંટિક મહાસાગર પાર કરીને 1885ના જૂનની સત્તરમી તારીખે તે યુ.એસ.માં ઊતર્યું. પૂતળાના ભાગોને જોડવામાં આવ્યા. 1886ના ઑક્ટોબરની અઠ્ઠાવીસમી તારીખે ન્યૂયૉર્ક શહેરને આ ભવ્ય પૂતળું ‘Liberty Enlightening the World’ અધિકૃત રીતે સમર્પણ કરવામાં આવ્યું.

ગિરીશભાઈ પંડ્યા