સ્પર્શવેદના (tenderness) : અડવાથી કે દબાવવાથી થતો દુખાવો. સ્પર્શવેદના 2 પ્રકારની હોય છે : (1) ક્ષેત્રીય અને (2) પ્રતિદાબ અથવા પ્રતિપ્રદમ (rebound). જ્યારે કોઈ ચોક્કસ નાના ક્ષેત્રમાં સ્પર્શ કરવાથી કે દબાવવાથી દુખાવો થાય તો તેને ક્ષેત્રીય સ્પર્શવેદનાં (pencil tenderness) કહે છે. આવું કોઈ સ્થળે ચેપ લાગ્યો હોય કે અન્ય સંક્ષોભન (irritation) થયું હોય અને તેને કારણે પીડાકારક સોજો (શોથ, inflammation) થયો હોય તો થાય છે. હાડકાંમાં અસ્થિભંગ થાય, કૅન્સરની ગાંઠ ફેલાય, પેશીને ઈજા કે તેમાં ચેપ થવાથી શોથવિકાર થાય તોપણ તે સ્થળે અડતાં કે દબાવતાં દુખાવો થાય છે. પીડા દુખાવા-સંબંધિત લક્ષણ (symptom) છે, જેની દર્દી ફરિયાદ કરે છે જ્યારે સ્પર્શવેદના દુખાવા-સંબંધિત ચિહ્ન (sign) છે, જે નૈદાનિક તપાસ વખતે દર્શાવી શકાય છે. પીડાની તકલીફ ઘણી વખત થોડા વધુ વિસ્તારને અસર કરે છે કે ક્યારેક તે જે તે ચેતા(nerve)ના માર્ગ પર ફેલાય છે. તેને સંદર્ભિત પીડા (rebounded pain) કહે છે; તેથી જે સ્થળે તે અનુભવાય છે, હરહંમેશ જે સ્થળે તેનું ઉદભવસ્થાન હોય તે જ દર્શાવે તેવું નથી. સ્પર્શવેદના હરહંમેશ વિકારના સ્થાને જ અનુભવાય છે અને તેથી વિકારનું સ્થાન નક્કી કરવામાં તે ઉપયોગી છે.

બીજા પ્રકારની સ્પર્શવેદના છે પ્રતિદાબ અથવા પ્રતિપ્રદમ સ્પર્શવેદના (rebound tenderness). પેટમાં આંત્રપુચ્છશોથ-(appendicits)નો દુખાવો ઊપડ્યો હોય ત્યારે જમણી બાજુ પત્રાસ્થિક્ષેત્ર(iliac fossa)માં એક ચોક્કસ બિન્દુ, કે જેને મૅક્બર્નીનું બિન્દુ કહે છે, ત્યાં દબાવ્યા પછી અચાનક દબાણ લઈ લેવામાં આવે તો દુખાવો થાય છે. તેને પ્રતિદાબ (પ્રતિપ્રદમ) સ્પર્શવેદના કહે છે તે પણ નિદાનસૂચક ચિહન છે.

શિલીન નં. શુક્લ