સ્પાઇનેલ : સ્પાઇનેલ ખનિજ શ્રેણી પૈકીનું એક ખનિજ. રાસા. બં. : MgAl2O4. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ, ભાગ્યે જ ક્યુબ કે ડોડેકાહેડ્રલ સ્વરૂપે હોય; દળદાર, સ્થૂળ દાણાદારથી ઘનિષ્ઠ પણ હોય; ગોળ દાણાદાર પણ મળે. યુગ્મતા (111) ફલક પર, આવર્તક યુગ્મતા દ્વારા છ વિભાગો હોય. દેખાવ : પારદર્શકથી અપારદર્શક. સંભેદ : (111) ફલક પર વિભાજકતા આપે, અસ્પષ્ટ. ભંગસપાટી : વલયાકાર, ખરબચડી પણ હોય, બરડ. ચમક : કાચમયથી માંડીને નિસ્તેજ. રંગ : લાલ, વાદળી, લીલો, કથ્થાઈ, કાળા રંગની જુદી જુદી ઝાંયવાળો. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 7.5થી 8. વિ. ઘ. : 3.581 (ગણતરી મુજબ).

સ્પાઇનેલના સ્ફટિકો

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે વિકૃત ખનિજ તરીકે સ્ફટિકમય ચૂનાખડકો, નાઇસ અને સર્પેન્ટાઇનમાં મળે; બેઝિક અગ્નિકૃત ખડકોમાં તે ગૌણ ખનિજ તરીકે મળે; ભૌતિક સંકેન્દ્રણ નિક્ષેપોમાં પણ મળે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ફ્રાન્સ, ઇટાલી, સ્વીડન, જર્મની, ફિનલૅન્ડ, રશિયા, ભારત, મ્યાનમાર, શ્રીલંકા અને માડાગાસ્કર. રત્નપ્રકારનાં સ્પાઇનેલ મ્યાનમાર અને શ્રીલંકામાંથી મળે છે. (જુઓ, રત્નો.)

રત્નપ્રકાર : સ્પાઇનેલ જ્યારે પૂરતું પારદર્શક તેમજ આકર્ષક રંગનું હોય ત્યારે ઝવેરાતમાં વપરાય છે. ગુલાબી રાતું હોય તો બેલાસરુબી, ઘેરું રાતું હોય તો રુબી અને કેસરી-રાતું હોય ત્યારે રુબી-સેલી કહેવાય છે. રુબી-સ્પાઇનેલ મ્યાનમારમાં માણેકના સહયોગમાં મળે છે, જ્યારે તે શ્રીલંકામાં અન્ય અર્ધકીમતી ખનિજો સાથે તથા સુશોભન ખનિજો સાથે મળી આવે છે. આ રત્ન મનમોહક હોઈને તેને સૂર્યમણિ પણ કહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકનો સૂર્ય નબળો હોય તેમને તે પહેરવાથી લાભ થાય છે; સત્તા, પદ, પ્રભાવ અને આત્મવિશ્વાસ વધારે છે. હૃદયરોગી માટે તે ઉપયોગી ગણાય છે. સિંહ રાશિના જાતકો માટે તે શુભ રત્ન ગણાય છે.

સ્પાઇનેલ જૂથનાં ખનિજો : R´´R´´´2O4નું સંજ્ઞાકીય સર્વસામાન્ય બંધારણ ધરાવતું ક્યુબિક સ્ફટિક પ્રણાલીનાં ખનિજોનું જૂથ, જેમાં R´´ સંજ્ઞા Mg, Fe´´, Mn´´ અને Znને તથા R´´´ સંજ્ઞા Al, Fe´´´ અને Crને રજૂ કરે છે. કેટલીક ખનિજ જાતોમાં Ti પણ હોય. મૅગ્નેટાઇટ (Fe´´Fe´´´2O4) એ આ જૂથનું મહત્વનું ખનિજ છે; સ્પાઇનેલ (MgAl2O4) અને હર્સીનાઇટ (Fe´´Al2O4) એ આ જૂથની સળંગ શ્રેણી રચતાં બે છેડાનાં ખનિજો છે, તેમાં સીલોનાઇટ અને પિકોરાઇટ જેવી જાતોનો પણ સમાવેશ થાય છે. અન્ય મહત્વનાં સ્પાઇનેલ ખનિજોમાં ક્રોમાઇટ (Fe´´Cr2O4), ગેહનાઇટ (ZnAl2O4) અને ફ્રેન્કલિનાઇટ (Zn, Fe´´) Fe´´´2O4ને પણ મુકાય છે. લગભગ બધાં જ સ્પાઇનેલ ખનિજો સામાન્યપણે તો ઑક્ટાહેડ્રલ સ્ફટિક સ્વરૂપમાં મળે છે. મૅગ્નેટાઇટ સર્વવ્યાપક છે અને ક્રોમાઇટ પારબેઝિક ખડકોનું સામાન્ય ઘટક છે; અનુક્રમે આ બંને લોહ અને ક્રોમિયમનાં મહત્વનાં ધાતુખનિજો ગણાય છે. રાતા રંગની પારદર્શક સ્પાઇનેલ સ્ફટિક જાત ‘બેલાસરુબી’ નામથી જાણીતી છે. મૅગ્નેટાઇટ, ક્રોમાઇટ અને સ્પાઇનેલના સ્રોતખડકો સમાન છે, તે ઉપરાંત સ્પાઇનેલ ઘણી વાર વિકૃત ખડકોમાંથી અથવા તેમાંથી ખવાણક્રિયા દ્વારા છૂટા પડેલા કણોથી ઉદભવેલા કણજન્ય નિક્ષેપોમાંથી પણ મળે છે.

ઉલ્વોસ્પાઇનેલ (Fe´´2TiO4) વિરલ છે, તેનાં લક્ષણો પણ જુદાં પડે છે. તે મુખ્યત્વે મૅગ્નેટાઇટમાં અપવિલયન(exsolution)ની પેદાશ તરીકે અથવા પડ રૂપે મળે છે. હૉસ્મેન્નાઇટ (Mn´´Mn´´´2O4) એ મૅગ્નેટાઇટનું Mn તુલ્યરૂપ ખનિજ છે, વાસ્તવમાં તે વિરૂપ થયેલું સ્પાઇનેલનું રચનાત્મક માળખું ધરાવે છે, જે ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલીમાં મુકાય છે. હવે તો, કુદરતી સ્થિતિમાં ઉપલબ્ધ ન હોય એવાં ઘણાં સંશ્લેષિત (synthetic) સ્પાઇનેલ તૈયાર કરાય છે.

ધનાયનોની સંખ્યામાં ત્રુટિ હોવા છતાં પણ સ્પાઇનેલ સ્ફટિકનું પરમાણુ રચનાત્મક માળખું અસ્તિત્વ ધરાવે છે. મૅઘેમાઇટ (Maghemite) તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનું બંધારણ લગભગ Fe2O3 જેવું છે. (તેને Fe3O4 સાથે સામ્ય ધરાવતું Fe2.66O4 જેવું લખી શકાય, તેમાં 11 % લોહત્રુટિ હોય છે.) મૅઘેમાઇટના સ્પાઇનેલ રચનાત્મક માળખાને ગરમ કરવાથી તે વ્યસ્ત બનીને હેમેટાઇટમાં ફેરવાય છે. મૅઘેમાઇટ મુખ્યત્વે મૅગ્નેટાઇટની પરિવર્તિત પેદાશ તરીકે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા