સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીશરીરમાં વિવિધ સ્નાયુ-ઘટકો વચ્ચે સંકોચન-વિકોચન અને હલનચલન કરાવતું આયોજિત તંત્ર. સંકોચનશીલતા એ સ્નાયુતંતુકોષની એક વિશિષ્ટ ખાસિયત છે. સ્નાયુઓના એકમો તરીકે સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તે આકુંચન ગતિવિધિ વડે એકદિશાકીય (unidirectional) સંકોચન (shortening) માટે અનુકૂલન પામેલા હોય છે. આ વિશિષ્ટ ગુણધર્મને કારણે સ્નાયુતંતુઓ લાંબા-ટૂંકા થઈ શકે છે અને તેથી શરીરનાં ઉપાંગોને શરીરથી દૂર અથવા નજીક લાવી શકે છે. સ્નાયુતંત્રથી શરીર (પ્રાણી) એક સ્થળેથી બીજા સ્થળે ખસવા માટે શક્તિમાન બને છે.

સંકોચનશીલતા એ મૂળભૂત રીતે જીવરસનો ગુણધર્મ છે; પરંતુ મોટા ભાગનાં પ્રાણીઓમાં સંકોચનક્રિયા, જેને કારણે આકાર બદલાય છે અને હલનચલન શક્ય બને છે તે વિશિષ્ટ તંતુકો અગર સ્નાયુ-પેશીને આભારી છે. ઘણાંખરાં બહુકોશીય પ્રાણીઓમાં હલનચલન વિરોધાભાસી સ્નાયુઓના જૂથ દ્વારા થાય છે. એટલે કે સંકોચન અને વિકોચન કરનારા સ્નાયુઓ હંમેશાં જોડમાં હોય છે.

(1) અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્નાયુતંત્ર : અમીબા જેવા સાદા પ્રજીવોમાં સંકોચન અને વિકોચન(contraction and extension)ની પ્રક્રિયા તેના જીવરસમાં રહેલા સંકોચનશીલતાના ગુણને આભારી છે. વૉર્ટિસેલા(પ્રજીવ)માં માયોનિમિઝ તરીકે ઓળખાતા સંકોચનશીલ તંતુકો આ ગુણ ધરાવે છે. કોષ્ઠાંત્રી સમુદાયનાં પ્રાણીઓમાં તેમની શરીર-દીવાલમાં, I આકારના અધિસ્તરીય-સ્નાયુકોષો આવેલા હોય છે. આ કોષોના તળિયે સંકોચનશીલ તંતુકો હોય છે, જેમના સંકોચનથી પ્રાણીઓનાં શરીર લાંબાં-ટૂંકાં થાય છે. પૃથુકૃમિ સમુદાયનાં પ્રાણીઓમાં આયામ (longitudinal), અનુપ્રસ્થ (transverse) અને પૃષ્ઠવક્ષીય (dorsoversal) સ્નાયુઓના સેટ આવેલા હોય છે. આયામ અને અનુપ્રસ્થ સ્નાયુઓના સંકોચનથી પ્રાણીશરીર લાંબું-ટૂંકું થાય છે અને તેના દ્વારા મુક્ત હલનચલન થાય છે. અળસિયાં અને નૂપુરક સમુદાયનાં પ્રાણીઓમાં અંદરના ભાગમાં આયામ-સ્નાયુઓનો પટ્ટો અને બહારના ભાગમાં વર્તુળિત સ્નાયુઓના પટ્ટા હોય છે. આયામ-સ્નાયુઓના સંકોચનથી શરીર પાતળું બની લંબાઈમાં વધારો થાય છે, જ્યારે વર્તુળિત સ્નાયુઓના સંકોચનથી શરીરનો ઘેરાવો વધે છે અને શરીરની લંબાઈમાં ઘટાડો થાય છે. આ બંને પ્રકારના સ્નાયુઓનાં એકાંતરિત સંકોચન-વિકોચન થતાં પ્રાણી આગળ પ્રચલન કરે છે. મૃદુશરીર-સમુદાયની છીપોમાં સ્નાયુઓનાં જૂથ બે છીપોને ખેંચી રાખનારા અભિવર્તની સ્નાયુ (adductor muscles) અને છીપોને એકબીજીથી છૂટી પાડનારા અપવર્તક સ્નાયુ(abductor muscles)નાં જૂથો ધરાવે છે.

સંધિપાદી સમુદાયમાં સ્તરકવચી(crustaceans)માં સમખંડીય સ્નાયુઓના પટ્ટા જોવા મળે છે. તે ખંડીય દૃઢકો (sclerites) સાથે જોડાયેલા હોય છે. કીટક-વર્ગમાં સમખંડીય રચના ધરાવતા રેખિત સ્નાયુઓના પટ્ટા જોવા મળે છે. ઝડપી સંકોચન કરવા માટે અરેખિત સ્નાયુઓ કરતાં રેખિત સ્નાયુઓ વધુ સક્ષમ હોય છે. કીટકોમાં ઉડ્ડયનની ક્રિયા કરવા માટે આવા રેખિત સ્નાયુઓની ખાસ રચના જોવા મળે છે. કીટકો સહિતના સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓમાં સ્નાયુઓના પટ્ટા સમખંડીય રચના ધરાવે છે.

પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં સ્નાયુતંત્ર ખૂબ વિકસિત હોય છે. તેમાં ત્રણ પ્રકાર જોવા મળે છે; જેમ કે રેખિત કે કંકાલ-સ્નાયુઓ (skeletal muscles), અરેખિત કે અંતરંગ (non-striated – visceral muscle) અને હૃદ્-સ્નાયુ (cardiac muscles). કંકાલસ્નાયુઓની હલનચલન ક્રિયાઓ ઉપર મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી ઐચ્છિક ચેતા દ્વારા નિયંત્રણ થાય છે. અરેખિત કે અંત:સ્થ સ્નાયુઓ ઉપર અનૈચ્છિક ચેતા દ્વારા ચેતાકરણ થાય છે. જઠર/આંતરડામાં થતું પરિસંકોચન (peristaltic movement) અનૈચ્છિક ચેતાઓ દ્વારા થાય છે. હૃદ્-સ્નાયુઓ રેખિત છે અને તેનાં જૂથો એકબીજા સાથે સેતુથી જોડાયેલાં હોય છે. તેનું ચેતાકરણ હૃદયને ધબકતું રાખનાર સર્વગામી (vagus) ચેતા દ્વારા થાય છે. નિરંતર એકધારું કામ કરવા માટે હૃદ્-સ્નાયુની રચના ખાસ વિશિષ્ટ પ્રકારની હોય છે. વિવિધ પ્રકારના સ્નાયુઓનું બંધારણ અને તેમની સંકોચનક્રિયા આ મુજબ છે :

(2) સ્નાયુતંતુ  બંધારણ અને સંકોચનક્રિયા : પ્રત્યેક સ્નાયુતંતુ અનેક કોષોનો બનેલો હોય છે. આ સ્નાયુકોષો દેખાવે લાંબા અને ત્રાક (spindle) આકારના હોય છે. તેમનો કોષરસ (cytoplasm) મોટે ભાગે સંકોચક (contractile) એવા સ્નાયુતંતુકો(myofibrils)-નો બનેલો હોય છે, જ્યારે તેમના શેષ ભાગમાં સ્નાયુરસ (sarcoplasm) આવેલો હોય છે; જે મુખ્યત્વે કોષતંત્રની ફરતે પ્રસરેલો હોય છે.

બંધારણ અને કાર્યાત્મકતાની દૃષ્ટિએ સ્નાયુતંતુઓ ત્રણ પ્રકારમાં વહેંચાયેલા હોય છે : સાદા (simple), કંકાલ (skeletal) અને હૃદ્ (cardiac). સાદા સ્નાયુઓ દેખાવે એકસરખા (homogenous) અને દ્વિ-અપવર્તી (birefringent) હોય છે; જ્યારે કંકાલ અને હૃદ્-સ્નાયુ-તંતુઓ પુનરાવર્તિત (repeatedly) એકાંતરે આવેલા અપવર્તી અને સમાનુવર્તી (isotropic) આમ બે ક્ષેત્રો(zones)ના બનેલા હોય છે. આ બે ક્ષેત્રોને લીધે કંકાલ અને હૃદ્-સ્નાયુઓ રેખિત (striated) સ્વરૂપ ધારણ કરે છે; જેમને સાદા સૂક્ષ્મદર્શક (microscope) વડે સહેલાઈથી નિહાળી શકાય છે.

સ્નાયુતંત્ર અનેક સ્નાયુઓનું બનેલું હોય છે અને કાર્યવિધિની દૃષ્ટિએ શરીરના મોટા ભાગનાં તંત્રોનાં હલનચલન (movement) સાથે સંકળાયેલું હોય છે. રેખિત કંકાલ-સ્નાયુનો પ્રત્યેક સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રીય (multinucleated), જ્યારે સ્વરૂપે નળાકાર (cylindrical) હોય છે. સ્નાયુતંતુ સ્નાયુચોલ (sarcolemma) નામે ઓળખાતા એક પડ (membrane) વડે ઘેરાયેલો હોય છે. સ્નાયુતંતુકના છેડાને અંત-તકતી (end-plate) કહે છે. સ્નાયુના ચેતાકરણ સાથે સંકળાયેલ ચેતાનાં ઊર્મિતંત્રો (impulses) અંત-તકતીમાંથી પસાર થતાં તે અધ્રુવિત (de-polarised) બને છે. પરિણામે સ્નાયુતંતુ સક્રિય બનીને (associated) સ્નાયુતંતુઓ સાથે એકત્વ (unison) દ્વારા આકુંચન પામીને કાર્યરત બને છે.

આકૃતિ 1 : ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શકમાં દેખાતા ચાર સૂક્ષ્મ સ્નાયુતંતુકો (myofibrils). બે Z–પટ વચ્ચે આવેલ સ્નાયુતંતુકના ખંડને સૂક્ષ્મ સ્નાયુતંતુક (myofilament) કહે છે અને I–પટ, A–પટ અને I–પટ; er – અંત:રસજાળનો બનેલ રસજાળ ખંડ.

રેખિત સ્નાયુઓના તંતુઓ લંબ અક્ષને સમાંતર એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. વધારામાં હૃદ્-સ્નાયુઓના તંતુઓ એકબીજા સાથે મધ્યવર્તી તકતી (intercalated disc) રૂપે સંકળાયેલા હોય છે, જ્યારે સાદા સ્નાયુઓમાં આ ગોઠવણ સમાંતર, ત્રાંસી (oblique) અથવા યાદૃચ્છિક (random) દિશાકીય હોય છે. રેખિત સ્નાયુમાં દેખાતું રેખાંકન સ્નાયુરસજાળ (sarcoplasm) તરીકે ઓળખાય છે. પ્રત્યેક સ્નાયુતંતુ, સ્નાયુતંતુક (myofibrils) નામે ઓળખાતા એકમોનો બનેલો હોય છે. આ ઉપકોષીય (subcellular) એકમનો પરિઘ આશરે 1 μ જેટલો હોય છે. સ્નાયુતંતુકની સૂક્ષ્મતમ રચના સ્નાયુખંડો(sarcomere)ની બનેલી હોય છે. પ્રત્યેક સ્નાયુખંડમાં રેખાંકન સ્પષ્ટપણે જોઈ શકાય છે.

(3) સ્નાયુખંડોની સૂક્ષ્મતમ રચના : સ્નાયુતંતુઓ ત્રણ પ્રકારના હોવા છતાં બંધારણની દૃષ્ટિએ અને દેખાવે લગભગ એકસરખા હોય છે. પ્રારૂપિક સ્નાયુતંતુક નળાકાર (cylindrical) હોય છે. પ્રત્યેક કંકાલ સ્નાયુતંતુક નળાકાર હોવા ઉપરાંત તેના બધા તંતુકો અલગ (separate) તેમજ એકબીજાને સાવ સમીપ અને સમાંતર ગોઠવાયેલા હોય છે. આ રચના ત્રણેય પ્રકારના તંતુઓમાં જોવા મળે છે.

સ્નાયુતંતુકમાં આવેલા સ્નાયુખંડો એકબીજા સાથે Z–રેખાઓ (Z–lines) વડે જોડાયેલા હોય છે. આ સ્નાયુખંડમાં બે પ્રકારના સૂક્ષ્મ સ્નાયુતંતુકો (myofilaments) આવેલા હોય છે.

આકૃતિ 2 : (અ) સ્નાયુતંતુક(myofibril)ની રચના, I–પટ, A–પટ Z–રેખા, H–પટ; (આ) સમષડ્જભુજ પ્રતિરૂપે ગોઠવાયેલા જાડા ( 100) અને ઝીણા (• 50Å) સૂક્ષ્મ સ્નાયુતંતુકો.

Z–રેખા સાથે બંને બાજુઓથી I–પટ (I–band) નામે ઓળખાતા સૂક્ષ્મ સ્નાયુતંતુકો ગોઠવાયેલા હોય છે. તેઓની વચ્ચે (વચલા ભાગમાં) A–પટ (A–band) સૂક્ષ્મ સ્નાયુતંતુકો હોય છે. I–પટ વચ્ચેનો ભાગ અત્યંત ઝીણો (thin) હોય છે. તેને H–પટ (H–band) કહે છે.

સસ્તનોના સ્નાયુતંતુની સૂક્ષ્મ રચના : શિથિલન (relaxed) પામેલા સ્નાયુઓનો A–પટ (સૂક્ષ્મ સ્નાયુતંતુકો) 1.5 μ લાંબો; જ્યારે I-પટની લંબાઈ આશરે 0.8 μ જેટલી હોય છે. જો A–પટનો આડો છેદ (section) લેવામાં આવે તો આ છેદમાં જાડા અને ઝીણા તંતુકોની ગોઠવણ સમષડ્ભુજ પ્રતિરૂપે (hexagonal pattern) જોવા મળે છે. સ્નાયુની આકુંચન-પ્રક્રિયા દરમિયાન Z–રેખા સાથે જોડાયેલા બંને બાજુના A–પટો, H–પટમાં સમાઈને એકબીજા સાથે જોડાઈ જતાં, આખો સ્નાયુ આકુંચન-પ્રક્રિયાને અધીન ટૂંકો બને છે.

સ્નાયુમાં આવેલા આકુંચનપ્રેરક એવા વિશિષ્ટ નત્રલ પદાર્થો : સ્નાયુમાં આવેલાં 70 % જેટલાં નત્રલ જૈવરસાયણો, માયોસિન (myosin), ઍક્ટિન (actin) અને ટ્રોપોમાયોસિન(tropomyosin)-નાં બનેલાં હોય છે.

આકૃતિ 3 : બે પાસે પાસે આવેલા સૂક્ષ્મ સ્નાયુતંતુકો (myofibrils) વચ્ચે દેખાતા બે સ્નાયુરસ ખંડો (sacromere). Z–પટ, A1 અને A2 બે અપવર્તી (anisotropic) અર્ધપટો; H–પટ, I1 અને I2 બે સમાનુવર્તી (isotropic) અર્ધપટો; m – જાડો સૂક્ષ્મ સ્નાયુતંતુકો, a – ઝીણો સૂક્ષ્મ સ્નાયુતંતુકો.

આકૃતિ 4 : (અ) રેખિત સ્નાયુઓમાં આવેલા માયોસિન અને ઍક્ટિનના બનેલા તંતુઓ; (આ) એકબીજા સાથે સંકળાયેલા માયોસિન (પ્રવર્ધવાળો તંતુ) અને ઍક્ટિન(વીંટળાયેલ તંતુ)ના તંતુઓ.

આકૃતિ 5 : માયોસિન તંતુની રચના : LMM – માયોસિન તંતુનો ઝીણો ખંડ; HMM-S2 – HMM માયોસિનના જાડા તંતુનો જાડા ખંડનો આગલો ભાગ; HMM-S1 – માયોસિનના જાડા તંતુનો ગોળાકાર છેડો.

માયોસિન : માયોસિનનું વર્ણન એક ધ્રુવીય (polarised) અણુ તરીકે કરવામાં આવે છે. આકારે તે એકબીજા સાથે જોડાયેલા સળી (rod) જેવા દેખાય છે. તેમાં એક ઘટક તરીકે ઓછા વજનવાળો મેરોમાયોસિન (light meromyosin – LMM) અણુ આવેલો હોય છે, જેનો અણુભાર (mw – molecular weight) 1,50,000 જેટલો હોય છે. બીજા ઘટકને ભારે મેરોમાયોસિન (heavy mero-myosin) કહે છે અને તેનો અણુભાર 60,000 જેટલો હોય છે. તેનો મુક્ત છેડો ગોળાકાર હોય છે. આ ગોળાકાર ભાગમાં ATP´ase–ઉત્સેચક આવેલું હોય છે. તદુપરાંત આ ભાગ સાથે ATP અને ઍક્ટિનનું જોડાણ થઈ શકે તેવાં સ્થાનો તેમજ પ્રવર્ધો (projections) આવેલાં હોય છે.

ઍક્ટિન : લવણોના અભાવમાં આ અણુ આકારે ગોળ બને છે, જેને G-ઍક્ટિન કહે છે. તેનો પરિઘ 53 Å હોય છે. તેમાં ATP´ase સક્રિયતાનો અભાવ હોય છે. અસલ ઍક્ટિન (T-Action) એકબીજા સાથે વીંટળાયેલી એવી બે સર્પિલ શૃંખલા(helical chains)નો બનેલો હોય છે.

ઍક્ટોમાયોસિન (Acto myosin) : કસનળીમાં માયોસિન અને ઍક્ટિન અણુઓનું મિશ્રણ કરવાથી તે સંકીર્ણ સ્વરૂપના ઍક્ટોમાયોસિનમાં ફેરવાય છે; જે ATPની હાજરીમાં સંકોચાય છે.

ટ્રૉપોમાયોસિન : પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં 10 % જેટલો ભાગ ટ્રૉપોમાયોસિનનો બનેલો હોય છે. તે LMMની જેમ એકબીજા સાથે વીંટળાયેલ બે બહુલકપેપ્ટાઇડ (poly-peptide) શૃંખલાનો બનેલો હોય છે. તેની તુલના Z–રેખામાં આવેલ એકબીજાને જોડનાર તંતુ સાથે કરી શકાય.

(4) સ્નાયુ આકુંચન (આણ્વિક સ્તરે) : અગાઉ જણાવેલ ઝીણા સૂક્ષ્મ સ્નાયુતંતુકો ઍક્ટિનના બનેલા હોય છે, જ્યારે જાડા તંતુકો માયોસિનના બનેલા હોય છે. સામાન્ય માન્યતા મુજબ આકુંચન અને શિથિલનના પ્રત્યેક ઘટનાચક્રદીઠ જાડા માયોસિનના સૂક્ષ્મ સ્નાયુતંતુકો ઝીણા ઍક્ટિન પર ખસેડાતા (displaced slides) હોય છે. માયોસિનના પ્રત્યેક પ્રવર્ધના છેડે બે વિશિષ્ટ સ્થાનો આવેલાં હોય છે. તેમાંનો એક ATPના વિભાજન સાથે જ્યારે બીજો ઍક્ટિનના જોડાણ સાથે સંકળાયેલો હોય છે. H–પટ સાથે સંકળાયેલો Z–પટના છેડાના ધ્રુવિત હોવા સાથે આ પ્રક્રિયા સંકળાયેલી છે. ખસેડવાની પ્રક્રિયા સાથે પ્રત્યેક ઘટના-ચક્રદીઠ માયોસિનનો તંતુ સહેજ નમે (bend) છે, ઘટનાચક્રની પ્રત્યેક પ્રક્રિયા દરમિયાન H–પટ ટૂંકાય છે, જેને પરિણામે બે Z–પટો વચ્ચેનું અંતર ઘટે છે. સ્નાયુ જો સંપૂર્ણપણે આકુંચન પામે તો બે Z–પટો વચ્ચેનું અંતર સાવ ઘટે છે. સ્નાયુની સક્રિયતા હળવી એટલે આંશિક પણ હોઈ શકે છે.

આકૃતિ 6 : ઝીણા ઍક્ટિન પર ખસેડાતો માયોસિન તંતુ : (અ) ઍક્ટિન (actin) તંતુપ્રવર્ધ સાથેનો માયોસિન (myosin) તંતુ, (આ) ઍક્ટિન સાથે સહેજ નમેલો માયોસિનનો પ્રવર્ધ.

(5) આકુંચનપ્રક્રિયા સાથે સંકળાયેલ ઊર્જાપ્રાપ્તિનો સ્રોત (energetics of contraction) : સાદા તેમજ રેખિત સ્નાયુઓના સ્નાયુરસમાં સંખ્યાબંધ કણાભસૂત્રો (mitochondria) આવેલાં હોય છે. કણાભસૂત્રોમાં આવેલ ઉત્સેચકો જેવા ઘટકોને તે અધીન ઉચ્ચકાર્યશક્તિક (high-energy) ATP અણુમાં રહેલી કાર્યશક્તિ ક્રમશ: મુક્ત થતાં તે સ્નાયુઓના સંકોચન માટેનો સ્રોત બને છે. વળી રેખિત કંકાલ-સ્નાયુમાં આવેલા કેટલાક સ્નાયુતંતુઓમાં સંઘરેલ ગ્લાયકોજન – બહુશર્કરાને LDH ઉત્સેચક, લૅક્ટિક ઍસિડમાં ફેરવે છે. આ અવાતજીવી પ્રક્રિયા દરમિયાન કાર્યશક્તિનું વિમોચન થાય છે, જે સ્નાયુતંતુના આકુંચન માટે કાર્યશક્તિ પૂરી પાડે છે.

સ્થળાંતર માટે જાણીતા યાયાવર (migratory) પક્ષીઓના તેમજ કીટકોના ઉડ્ડયન (flight) કરતા સ્નાયુઓમાં કણાભસૂત્રોની સંખ્યા વિશેષ હોય છે. વળી જન્મથી મરણ સુધી અવિરત સક્રિય એવા હૃદ્-સ્નાયુઓમાં પણ કણાભસૂત્રો અત્યંત મોટી સંખ્યામાં જોવા મળે છે.

રેખિત સ્નાયુઓના પાસે પાસેના સૂક્ષ્મ સ્નાયુતંતુકો વચ્ચે અને લંબ અક્ષને સમાંતર આવેલી સ્નાયુરસજાળને બધા સામાન્ય કોષોમાં આવેલ અંત:રસજાળ (endoplasmic reticulum) સાથે સરખાવી શકાય. વધારામાં જાળનો ભાગ આડા અક્ષમાં પણ ગોઠવાયેલો હોય છે. તેને ત્રિસંયુજ (triad) કહે છે. તેને અધીન સ્નાયુતંતુના રસપડમાંથી પસાર થતા ઊર્મિવેગો (impulses) સ્નાયુતંતુના અત્યંત ઊંડાણમાં આવેલા ભાગ સુધી પહોંચતા હોય છે.

આકૃતિ 7 : ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક વડે દેખાતા બે સૂક્ષ્મ સ્નાયુતંતુકો (myofibrils) : એક તંતુકનો એક રસજાળ ખંડ (sacroplasmic reticular) તેમાંના બે સ્નાયુજાળ વચ્ચે પસાર થાય છે, જે સામાન્ય કોષના અંત:રસજાળની ગરજ સારે છે; જ્યારે ત્રિસંયુજ (triad) નામે ઓળખાતો રસજાળ ખંડ અંત:રસજાળ ખંડના પ્રવર્ધ રૂપે સ્નાયુરસજાળના પડ વચ્ચેથી પસાર થાય છે. St–રસજાળ, Z–પટ, ત્રિસંયુજ (triad), mi–કણાભસૂત્ર.

(6) સ્નાયુશિથિલન (muscle relaxation) : સ્નાયુરસજાળમાં શિથિલનકારક (relaxation factor) ઘટક આવેલ હોય છે; જેને અધીન સ્નાયુસંકોચનને અંતે સ્નાયુરસપડમાંથી  વૈદ્યુત-સંકેત (electrical signal) નિર્માણ થાય છે. તેને Z–પટ અથવા A–I સંગમ (A–I junction) સ્વીકારે છે. તેના પ્રભાવ હેઠળ ATP-ase પ્રક્રિયા અટકી જાય છે અને સ્નાયુ પૂર્વવત્ એટલે કે શિથિલ બને છે.

સ્નાયુસંકોચનમાં જોવા મળતી વિવિધતા : સ્નાયુસંકોચનપ્રક્રિયા વૈવિધ્યપૂર્ણ રહેલી છે. આ પ્રક્રિયા સંપૂર્ણ હોય કે આંશિક; ત્વરિત, ધીમી અને/અથવા દીર્ઘકાલીન હોઈ શકે છે; દા. ત., પક્ષી કે વાંદરા જેવાં પ્રાણીઓ આખી રાત સક્રિય રહીને પગની આંગળીના સ્નાયુઓથી ઝાડની ડાળખીને પકડી રાખે છે, જ્યારે માનવીના સ્નાયુઓ રાત્રિ દરમિયાન શિથિલન પામેલા જણાય છે. ખોરાક અન્નમાર્ગમાંથી પસાર થતો હોય ત્યારે જઠર લીધેલા ખોરાકને સમાવવા પૂરતું પહોળું બને છે. શરીરમાં આવેલાં વિવિધ છિદ્રો (pores) જરૂરિયાતને અધીન બંધ થાય છે અથવા ખૂલે છે. પ્રચલન જેવી પ્રક્રિયાઓ સહજવર્તી (instinctive) હોય છે; જ્યારે શ્વસનનલિકાના પરિઘમાં થતી વધઘટ હવાના સ્વીકાર સાથે સંકળાયેલી હોય છે. આમ સ્નાયુતંત્ર એકત્ર રૂપે શરીરમાં અન્ય તંત્રો(દા. ત., પ્રચલન (locomotion), પાચન, ઉત્સર્જન અને પ્રજનન-તંત્રો)નું કાર્ય સુચારુ રૂપે થાય તે પ્રકારે સંકલન ધરાવે છે અને શરીરનાં લગભગ બધાં જ અંગો સુમેળથી કાર્ય કરે તે માટે અનુકૂલન પામેલું હોય છે. આમ સ્નાયુતંત્ર શરીરના એક વૈશિષ્ટ્યપૂર્ણ અનોખા તંત્રની ગરજ સારે છે.

મહાદેવ શિ. દુબળે