સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન)

January, 2009

સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન)

માનવશરીરનાં અંગો અને અવયવોનું હલનચલન કરાવતી પેશીથી બનેલું તંત્ર. તેની પ્રમુખ પેશીને સ્નાયુપેશી (muscle tissue) કહે છે. તે 3 પ્રકારની હોય છે – હાડકાં સાથે જોડાઈને તેમનું હલનચલન કરાવતી કંકાલીય સ્નાયુ(skeletal muscle)ની પેશી, પોલા અવયવો(દા. ત., જઠર, આંતરડાં, મૂત્રનળી, મૂત્રાશય, લોહીની નસો વગેરે)ની દીવાલમાં તેમના સંકોચાવા કે પહોળા થવાની ક્રિયા કરતી અરૈખિક સ્નાયુ(smooth muscle)ની પેશી તથા હૃદયનાં સંકોચન-વિકોચનમાં સક્રિય એવી હૃદયની દીવાલ બનાવતી હૃદ્-સ્નાયુ(cardiac muscle)ની પેશી. કંકાલીય સ્નાયુતંતુઓને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેમાં આડી રેખાઓ જોવા મળતી હોવાથી તેમને રૈખિક સ્નાયુતંતુઓ (striated muscle fibres) કહે છે. અવયવો અને નલિકાઓમાંના સ્નાયુતંતુઓ હાડકાં સાથે સંકળાયેલાં નથી. તેઓને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેમાં આડી રેખાઓ જોવા મળતી નથી તેથી તેમને અરૈખિક સ્નાયુતંતુઓ (nonstriated અથવા smooth nerve fibres) કહે છે.

આકૃતિ 1 : સ્નાયુતંત્ર : (1) હાંસડી, (2) ખભાનું હાડકું, (3) ખભાનો સાંધો, (4) સ્નાયુનું શીર્ષ (ઉદગમસ્થાન), (5) સ્નાયુબંધ (tendon), (6 અને 7) સ્નાયુની બે મધ્યકાય (bellies), (8) બાહુનું હાડકું, (9) કોણીનો સાંધો, (10 અને 11) અલ્ના (ULNA) અને રેડિયસ, (12) દ્વિશીર્ષી (biceps) સ્નાયુ, (13) સ્નાયુબંધ, (14) સ્નાયુપટ્ટક.

સ્નાયુતંતુઓ, સ્નાયુપેશી અને સ્નાયુતંત્ર : એ ત્રણે સ્નાયુ(muscle)ની પ્રમુખપેશી બનાવે છે. કંકાલીય અથવા રૈખિક સ્નાયુતંતુઓ તથા અન્ય સંયોજી પેશી (connective tissue) વડે બનેલો સ્નાયુ પોતે એક ‘સ્નાયુઅવયવ’ (muscle organ) છે; દા. ત., ભુજા(upper arm)નો દ્વિશીર્ષી (biceps) કે ત્રિશીર્ષી (triceps) સ્નાયુ. કંકાલીય સ્નાયુઓ શરીરનું સ્નાયુતંત્ર (muscular system) બનાવે છે.

સ્નાયુપેશીની લાક્ષણિકતાઓ અને કાર્યો : તેની કુલ 4 લાક્ષણિકતાઓ છે : ઉત્તેજનક્ષમતા (excitability), સંકોચનશીલતા (contractility), સુલંબનશીલતા (extensibility) અને લવચીકતા (elasticity). ઉત્તેજનક્ષમતાને કારણે તે કોઈ ઉત્તેજના (stimulus) પ્રાપ્ત કરે ત્યારે તેનો સંકોચાઈને પ્રતિભાવ આપે છે. સામાન્ય રીતે ચેતાતંતુ (nerve fibre) દ્વારા આવતો પ્રેરક-આવેગ (motor impulse) સ્નાયુતંતુની ઉત્તેજનક્ષમતાને કારણે સંકોચન પામે છે. આવા ઉત્તેજના તરફના પ્રતિભાવ (response) રૂપે સ્નાયુતંતુ ટૂંકો અને જાડો બને છે. તેને સ્નાયુતંતુનું સંકોચન કહે છે. ઉત્તેજનાની હાજરીમાં સ્નાયુતંતુના સંકોચાવાની ક્ષમતાની સંકોચનશીલતા કહે છે. કોઈ એક સાંધાની બે બાજુ 2 પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે. જ્યારે એક સંકોચાઈને સાંધાને એક બાજુ વાળે છે ત્યારે બીજી બાજુના સ્નાયુની ખેંચાવાથી લંબાઈ વધે છે. તેને સ્નાયુતંતુઓની સુલંબનશીલતા કહે છે. સંકોચન (contraction) કે સુલંબન (extension) પછી સ્નાયુતંતુ પોતામાં રહેલી લવચીકતાને કારણે મૂળ સ્થિતિમાં આવે છે.

સ્નાયુઓ મુખ્યત્વે 3 કાર્યો કરે છે : (1) અંગ-ઉપાંગોનું હલનચલન, (2) શરીરના અંગવિન્યાસ(posture)ની જાળવણી અને (3) ગરમી અથવા ઉષ્મા(heat)નું ઉત્પાદન. શરીરનાં ગાત્રો અને શરીરનું હલનચલન સ્નાયુઓના સંકોચન-સુલંબનને આભારી છે; દા. ત., પુસ્તકને હાથમાં પકડવું, તેના પાનાં ફેરવવાં, દોડવું, કૂદવું વગેરે. આ બધાં હલનચલનોમાં શરીરના અનેક સાંધા અને સ્નાયુઓનું સુગ્રથિત નિયંત્રણ અને કાર્ય થતું હોય છે. હલનચલન ઉપરાંત શરીરની અંગસ્થિતિ; જેવી કે સૂવાની, બેસવાની, ઊભા રહેવાની, ઝૂલા પર બેસવાની સ્થિતિ વગેરે વિવિધ પ્રકારની કોઈ પણ સ્થિતિ જાળવવાનું કાર્ય પણ સ્નાયુઓ કરે છે. તેને શરીરનાં ગાત્રોની વાતાવરણમાં સ્થિતિ જાળવી રાખવાની ક્રિયા અથવા અંગવિન્યાસની ક્રિયા કહે છે. સ્નાયુઓના સંકોચનમાં ગ્લુકોઝનું રાસાયણિક દહન થાય છે, જે ગરમી (ઉષ્મા) ઉત્પન્ન કરે છે. તેનાથી શરીરનું તાપમાન જાળવી રખાય છે. તાવ આવે ત્યારે ‘ટાઢ ચડવા’ની જે સ્થિતિ થાય છે તેમાં અનેક સ્નાયુઓ વારંવાર સંકોચાઈને ધ્રુજારી સર્જે છે અને શરીરનું તાપમાન વધે છે. ઠંડકમાં દાંત કકડવા કે હાથ ઘસવા તે પણ એક રીતે ગરમી ઉત્પન્ન કરવા માટે કરાતાં સ્નાયુસંકોચનો છે.

સ્નાયુપેશીઓના પ્રકાર : તેમનાં સ્થાન, કાર્ય, સૂક્ષ્મદર્શીય સંરચના તથા ચેતાતંત્રીય નિયંત્રણને આધારે તેમને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે : (1) કંકાલીય (skeletal) અથવા રૈખિક (striated), (2) અવયવી (visceral) અથવા અરૈખિક (nonstriated અથવા smooth) અને હૃદ્દીય (cardiac). કંકાલીય (રૈખિક) સ્નાયુઓ ઐચ્છિક અથવા ઇચ્છાવર્તી (voluntary) ચેતાતંત્રના નિયંત્રણમાં હોય છે અને વ્યક્તિ પોતાની ઇચ્છાથી તેમનું સંકોચન કરાવીને હલનચલન કરે છે. તેમને પણ ઐચ્છિક કે ઇચ્છાવર્તી સ્નાયુઓ કહે છે. અન્ય 2 પ્રકારના સ્નાયુતંતુઓ અનૈચ્છિક ચેતાતંત્રના નિયમનમાં હોય છે. તેમને અનૈચ્છિક સ્નાયુઓ પણ કહે છે. અરૈખિક સ્નાયુતંતુઓ પોલા અવયવો અને નળીઓમાં હોય છે તેથી તેમને અવયવી સ્નાયુતંતુઓ પણ કહે છે. હૃદયના સ્નાયુતંતુઓ રૈખિક હોય છે; પરંતુ તે અનૈચ્છિક ચેતાતંત્રીય નિયમન ધરાવે છે, માટે તેમને અલગ રીતે વર્ગીકૃત કરાય છે.

આકૃતિ 2 : સ્નાયુસંકોચનોના પ્રકારો અને ઉચ્ચાલન : (અ) ઉચ્ચાલનની રીતે સ્નાયુકાર્યની સમજૂતી, (આ, ઇ, ઈ) 3 પ્રકારનાં ઉચ્ચાલનો.

કંકાલીય (રૈખિક) સ્નાયુતંતુઓ : તેઓ લાંબા નળાકાર જેવા કોષો (10–100 માઇક્રોમીટર વ્યાસવાળા) છે, જે સમાંતર રીતે ગોઠવાઈને પુંજ (bundle) બનાવે છે. તેમની લંબાઈ 30 સેમી. જેટલી પણ હોઈ શકે. દરેક સ્નાયુતંતુની બહારની દીવાલને સ્નાયુતંતુકલા (sarcolemma) કહે છે અને તેની અંદરના કોષરસ(cytoplasm)ને સ્નાયુતંતુરસ (sarcoplasm) કહે છે. સ્નાયુતંતુરસમાં સ્નાયુતંતુકલા પાસે કોષકેન્દ્રો અને કણાભસૂત્રો (mitochondria) આવેલાં છે. તેમાં અંત:પ્રરસીય લઘુનલિકાઓ(endoplasmic tubules)નું જાળું પણ હોય છે. તેને સ્નાયુતંતુ-પ્રરસીય જાલિકા (sarcoplasmic reticulum) કહે છે. તેમાં થોડા થોડા અંતરે સ્નાયુતંતુમાં આડી જતી લઘુનલિકાઓ હોય છે. તેમને અનુપ્રસ્થીય લઘુનલિકા (transverse tubule અથવા T-tubule) કહે છે. સ્નાયુતંતુમાં 1–2 માઇક્રોમીટર વ્યાસવાળી સ્નાયુતન્તિકાઓ (myofibrils) હોય છે. એક સ્નાયુતંતુમાં તેમની સંખ્યા થોડી સેંકડોથી માંડીને હજારોમાં હોય છે. તેઓ પણ 2 પ્રકારની અતિસૂક્ષ્મ સંરચનાઓ વડે બને છે. તેમને પાતળા અથવા તનુસ્નાયુતંતુલ (thin filament) અને જાડા અથવા સ્થૂલ સ્નાયુતંતુલ (thick filament) કહે છે. પાતળા સ્નાયુતંતુલ 6 નેનોમિટર અને જાડા સ્નાયુતંતુલો 16 નેનોમીટર વ્યાસના હોય છે. તેઓ નાની નાની સંભાગિકાઓ(compart-ments)માં એક ઉપર એક એવી થોકડીના રૂપે ગોઠવાયેલા હોય છે. આ સંભાગિકાઓને સ્નાયુસંભાગિકા (sarcomere) કહે છે. સંભાગિકાઓને છેડે આવેલી સીમારેખા અથવા ઝી-રેખા(Z-line)થી સંભાગિકાઓ એકબીજીથી અલગ પડે છે. સંભાગિકાની લંબાઈ 2.6 માઇક્રોમિટર હોય છે. સ્નાયુસંભાગિકાની વચમાં મધ્યરેખા અથવા M-રેખા (M-line) આવેલી હોય છે. જાડા સ્નાયુતંતુલો M-રેખાની બંને બાજુ લંબાયેલા હોય છે, જ્યારે Z-રેખામાંથી અંદરની બાજુ પાતળા સ્નાયુતંતુલો લંબાય છે. એકાંતરે પાતળા અને જાડા સ્નાયુતંતુલો હોય તેવી રીતે તેમની થોકડીઓ બને છે, તેને કારણે સ્નાયુસંભાગિકામાં 2 જુદા જુદા દેખાવના પટ્ટા જોવા મળે છે : સમરૂપી પટ્ટો અથવા I પટ્ટો (isotropic band અથવા I band), જેમાં ફક્ત પાતળા સ્નાયુતંતુલો હોય છે અને અસમરૂપી પટ્ટો અથવા A-પટ્ટો (anisotropic અથવા A-band) જેમાં પાતળા તથા જાડા સ્નાયુતંતુલો બંને હોય છે. A-પટ્ટામાં વચ્ચે અર્ધતંતુલક્ષેત્ર (H-zone) હોય છે, જેમાં ફક્ત જાડા સ્નાયુતંતુલો હોય છે. H-ક્ષેત્ર 0.5 માઇક્રોમીટરની પહોળાઈ ધરાવે છે. જેની મધ્યમાં M-રેખા હોય છે. પાતળા સ્નાયુતંતુલમાં સક્રિયન (actin), વક્રસ્નાય્વિન (tropomyosin) અને વક્રિન (troponin) એમ 3 પ્રકારનાં પ્રોટીનો સંકુલ સ્વરૂપે હોય છે. જાડા સ્નાયુતંતુલમાં સ્નાય્વિન (myosin) નામનું પ્રોટીન હોય છે. તે દંડના આકારનું હોય છે, જેના પર પારસેતુઓ (cross-bridges) હોય છે. આ પારસેતુઓ જોડમાં હોય છે અને તે દંડની આસપાસ ઊર્ધ્વસર્પિલ(spiral)ના આકારે ગોઠવાયેલા હોય છે.

આકૃતિ 3 : સ્નાયુસંકોચનની સૂક્ષ્મક્રિયા : (અ) સામાન્ય સ્થિતિ, (આ) શિથિલન(relaxation)ની સ્થિતિ, (ઇ અને ઈ) સંકોચનની સ્થિતિ. (1) તનુ- (પાતળા)-સ્નાયુતંતુલ (microfilament), (2) સ્થૂલ (જાડા) સ્નાયુતંતુલ (macrofilament), (3) પારસેતુઓ (cross-bridges), (4) સ્નાયુસંભાગિકા (sarcomere) (I, A, M, H તથા Z માટે લેખમાં જુઓ.)

સંકોચનની ક્રિયા : સ્નાયુતંતુના સંકોચાવાની ક્રિયા વખતે સ્નાયુસંભાગિકા(sarcomere)ના બંને છેડા પરની સીમારેખાઓ (Z-રેખા) નજીક આવે છે તથા તનુ(પાતળા)-સ્નાયુતંતુલો અર્ધતંતુલક્ષેત્ર (H ક્ષેત્ર) તરફ સરકે છે; તેથી સ્નાયુસંભાગિકાની લંબાઈ ઘટે છે; પરંતુ સ્નાયુતંતુલોની લંબાઈ ઘટતી નથી. સ્થૂલ (જાડા) સ્નાયુતંતુલોના પારસેતુઓ તનુસ્નાયુતંતુલોમાંના સક્રિયન (actin) સાથે જોડાય છે. પારસેતુઓ હોડીનાં હલેસાંની માફક હાલે છે અને તેથી તનુ અને સ્થૂલ (પાતળા અને જાડા) સ્નાયુતંતુલો એકબીજા પર સરકે છે. તેને કારણે ફક્ત સ્થૂલ સ્નાયુતંતુલોવાળું અર્ધતંતુલક્ષેત્ર (H ક્ષેત્ર) નાનું થાય છે અથવા અદૃશ્ય થાય છે. સીમારેખા અસમરૂપી પટ્ટા (A પટ્ટા) તરફ સરકે છે અને તેથી સમરૂપી પટ્ટો (I-પટ્ટો) પણ નાનો થાય છે અથવા અદૃશ્ય થાય છે. સ્નાયુસંકોચનની આ ક્રિયાને સરક-સ્નાયુતંતુલનો સિદ્ધાંતમત (sliding filament theory) કહે છે.

ચેતાતંતુ દ્વારા આવતા સંદેશરૂપી આવેગના પ્રતિભાવ રૂપે સ્નાયુતંતુ સંકોચાય છે. આ પ્રકારના ચેતાતંતુને પ્રેરક અથવા ચાલક (motor) ચેતાતંતુ કહે છે. ચાલકચેતા (motor nerve) દ્વારા ચાલકચેતાતંતુઓ કંકાલીય સ્નાયુમાં પ્રવેશે છે અને સ્નાયુતંતુની સપાટી પર ચાલક અંતપત્રિકા (motor end-plate) નામની સંરચના બનાવે છે. ત્યાં ચેતાસંદેશવાહક (neurotransmitter) રૂપે એસિટાઇલકોલિન નામનું રસાયણ ચેતાતંતુના છેડામાંથી સ્રવે છે, જે સ્નાયુતંતુની સપાટી પર સંદેશ પહોંચાડે છે. તેના દ્વારા સ્નાયુતંતુ ઉત્તેજિત થઈને સંકોચનની ક્રિયા કરે છે. ચેતાતંતુ અને સ્નાયુતંતુના સંગમની સંરચનાને ચેતા-સ્નાયુસંગમ (neuro-muscular junction) કહે છે. એક ચેતાતંતુ એકથી વધુ સ્નાયુતંતુઓ સાથે ચેતા-સ્નાયુસંગમ કરીને તેમને ઉત્તેજિત કરે છે. એક ચેતાતંતુથી ઉત્તેજિત થતા બધા જ સ્નાયુતંતુઓના સમૂહને ચાલક એકમ (motor unit) કહે છે. સામાન્ય રીતે તેમાં 150 સ્નાયુતંતુઓ હોય છે. આ સર્વે સ્નાયુતંતુઓ એક સાથે અને સંપૂર્ણપણે સંકોચાય છે કે શિથિલ (relax) થાય છે, જે સ્નાયુઓ સૂક્ષ્મ હલનચલન સાથે સંકળાયેલા હોય છે (દા. ત., આંખના ગોળાના સ્નાયુઓ). તેના ચાલક એકમમાં ઓછા સ્નાયુતંતુઓ હોય છે (આશરે 10), જ્યારે મોટા હલનચલન માટેના સ્નાયુઓ(બાહુ, જાંઘ વગેરે)માં ઘણા વધારે (આશરે 500) સ્નાયુતંતુઓ હોય છે. વધુ સ્નાયુતંતુઓ એકસાથે સંકોચાય ત્યારે વધુ બળ ઉત્પન્ન થાય છે. જોકે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કેટલું બળ જોઈશે તેનો અંદાજ મેળવીને તેટલી સંખ્યામાં સ્નાયુતંતુઓને ઉત્તેજિત કરવા માટે તેટલા ચેતાતંતુઓ અને ચાલક એકમોને સક્રિય કરાય છે; જેમ કે 1 કિલો વજન ઉઠાવવા માટે સક્રિય બનતા ચેતાતંતુઓ, ચાલક એકમો અને સ્નાયુતંતુઓની સંખ્યા 10 ગ્રામ વજન ઉઠાવવા માટે સક્રિય બનતા ચેતાતંતુઓ, ચાલક એકમો અને સ્નાયુતંતુઓની સંખ્યા કરતાં નિશ્ચિત રૂપે વધુ હોય છે. સ્નાયુમાં સ્નાયુવેલનિકા (muscle spindle) નામની સંરચના હોય છે, જેમાં સ્નાયુ અને સ્નાયુબંધમાંના તણાવની સંવેદનાને ઝીલવા માટેના ચેતાતંતુઓ હોય છે. આ પ્રકારની સંવેદના (sensation) સંવેદનાલક્ષી ચેતાતંતુઓ દ્વારા ચેતાતંત્ર સુધી પહોંચે છે અને તેને આધારે કેટલા ચેતાતંતુઓ અને ચાલક એકમોને સક્રિય કરવાના છે તે નક્કી કરાય છે. જેમ જેમ જરૂરિયાત વધે (દા.ત., કોઈ ચોક્કસ વજનને ઊંચે ચડાવવાનું હોય ત્યારે) વધુ અને વધુ ચાલક એકમોને સક્રિય કરવામાં આવે છે તેને સંખ્યાવર્ધન (recruitment) કહે છે.

ચેતાતંતુ દ્વારા આવતો ચાલકસંદેશ (આવેગ, impulse) ચેતા-અંતપત્રિકમાં એસિટાઇલકોલિનને વિમુક્ત (release) કરે છે. તે ચેતાસ્નાયુસંગમમાં પ્રસરીને સ્નાયુતંતુકલાની સપાટી પર પહોંચે છે. ત્યાં તે અનુપ્રસ્થીય લઘુનલિકા(T-tubule)માં પ્રવેશે છે અને સ્નાયુતંતુપ્રરસીય જાલિકા(sarcoplasmic reticulum)ને ઉત્તેજિત કરે છે. જે સ્નાયુતંતુપ્રરસ(sarcoplasm)માં કૅલ્શિયમના આયનોને વિમુક્ત કરે છે. કૅલ્શિયમના આયનો સ્નાય્વિન (myosin) સક્રિય કરે છે અને ATP નામના ઊર્જાણુ(energy molecule)ને તોડે છે અને તેમાંથી ઊર્જા(શક્તિ)ને વિમુક્ત કરે છે. તે સાથે સાથે તનુસ્નાયુતંતુલમાંના વક્રસ્નાય્વિનવક્રિન સંકુલ (tropomyosintroporin complex) સાથે સંયોજાઈને તેને સ્નાયુતંતુલથી અલગ કરે છે. તેથી તનુ (પાતળા) સ્નાયુતંતુલોમાં સક્રિય (actin) સ્વીકારકો ખુલ્લા થાય છે જે સ્થૂલ (જાડા) સ્નાયુતંતુલો પરના પારસેતુઓ સાથે ATPમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાની મદદથી જોડાય છે. આમ તનુસ્નાયુતંતુલો સ્થૂલસ્નાયુતંતુલો પર સરકે છે; તેથી સ્નાયુસંભાગિકાઓ(sarcomeres)ની સીમારેખાઓ (Z-રેખાઓ) એકબીજીની નજીક આવે છે અને તેથી સ્નાયુસંભાગિકાઓ નાની બને છે. આ રીતે સ્નાયુતંતુ સંકોચાય છે.

ચેતાસ્નાયુસંગમમાં વિમુક્ત થયેલું એસિટાઇલકોલિન નામનું રસાયણ એસિટાઇલકોલિન-ઇસ્ટરેઝ નામના ઉત્સેચક(enzyme)ની મદદથી નિષ્ક્રિય થાય છે અને તેનું કાર્ય પૂરું થાય છે. તેથી સ્નાયુતંતુપ્રરસ(sarcoplasm)માં ગયેલા કૅલ્શિયમના આયનો સક્રિય પારવહન (active transport) વડે પાછા સ્નાયુતંતુપ્રરસીય જાલિકામાં પ્રવેશે છે. આ માટે પણ ઊર્જાનો ઉપયોગ થાય છે. કૅલ્શિયમ આયનો ઘટે એટલે સ્નાય્વિન(myosin)નું કાર્ય અટકે છે, ATPના અણુઓનું પુન:ઘટન થાય છે, વક્ર સ્નાય્વિન-વક્રિન સંકુલ (tropomyosin-troponin complex) ફરીથી સક્રિયન (actin) સાથે જોડાય છે અને સક્રિયન પારસેતુઓ(cross bridge)થી અલગ થાય છે અને તેથી તનુ (પાતળા) સ્નાયુતંતુલો મૂળ સ્થાને પાછા સરકે છે. આમ સીમારેખા(Z-રેખા)ઓ એકબીજીથી દૂર થાય છે, સ્નાયુસંભાગિકાઓ મૂળ કદની થઈ જાય છે અને સ્નાયુશિથિલન (relaxation) પામે છે.

આકૃતિ 4 : ચેતાસ્નાયુસંગમ : (1) ચેતાતંતુ, (2) અક્ષતંતુ, (3) અંતપટ્ટિકા (end plate), (4) સ્નાયુતંતુઓનો મધ્યવર્તી ભાગ, (5) છિદ્રો, (6) ચેતાસંદેશવાહક પુટિકાઓ, (7) સ્નાયુતંતુકલા, (8) સ્નાયુતંતુઓ.

સ્નાયુતંતુ પર જ્યારે ચેતાઆવેગ દ્વારા સંદેશો આવે તે કાં તો પૂરેપૂરો સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી. આને શૂન્ય-વા-સર્વનો નિયમ (all-or-none law) કહે છે. ચેતાઆવેગની ક્ષમતા નિશ્ચિત દેહલિકા(threshold)થી ઉપર હોય તો જ સ્નાયુતંતુ સંકોચાય છે. જો ચેતાઆવેગ નિશ્ચિત દેહલિકાના સ્તર કરતાં ઓછો હોય તો સ્નાયુસંકોચન થતું નથી. વળી ચેતાઆવેગ આવે ત્યારે સ્નાયુતંતુનો પૂરેપૂરો સુધ્રુવિત (repolarized) હોય તો જ તે ઉત્તેજિત થાય છે. તેવી સ્થિતિ ન હોય તો તે સમયે આવતા ચેતાઆવેગથી સ્નાયુતંતુ ઉત્તેજના પામતો નથી. આવા સમયગાળાને અવજ્ઞાકાળ (refractory period) કહે છે.

સ્નાયુસંકોચનો 2 પ્રકારનાં હોય છે – સમમિતિક (isometric) અને સમસજ્જી (isotonic). જ્યારે સ્નાયુતંતુઓ સંકોચાય ત્યારે સ્નાયુની લંબાઈ ન ઘટે ત્યારે તેને સમમિતિક સંકોચન કહે છે, જેમ કે ચોક્કસ વજન ઊંચકીને ચાલતી વખતે વજનને એક વખત હાથથી ઉઠાવ્યા પછી હાથના સાંધાનું હલનચલન થતું નથી. તેથી તેના સ્નાયુઓની લંબાઈ ઘટતી નથી; પરંતુ વજન ઊંચકવા માટે જરૂરી બળ માટે સ્નાયુઓ સંકોચાય છે. સમસજ્જી સંકોચનોમાં સ્નાયુની લંબાઈ ઘટે છે અને સાંધાનું હલનચલન થાય છે; પરંતુ સ્નાયુસંકોચનોને કારણે સ્નાયુમાંનો સજ્જતાતણાવ (tone) સરખો જ રહે છે. જેમ કે ચાલતી વખતે પગના સ્નાયુઓની લંબાઈ વધઘટ થાય છે અને સાંધાનું હલનચલન થાય છે. સમસજ્જી સંકોચનમાં ઑક્સિજનનો વપરાશ થાય છે, તેથી તેમને જારક (aerobic) સંકોચનો કહે છે. તે રુધિરાભિસરણમાં અવરોધ વધારતાં નથી. સમમિતિક સંકોચનોમાં તત્કાલ ઑક્સિજનની ઊણપ ઉદભવે છે તેથી તેને અજારક (anaerobic) સંકોચનો કહે છે. તે રુધિરાભિસરણમાં અવરોધ વધારીને હૃદયને વધુ કાર્ય કરાવે છે.

સ્નાયુનાં સંકોચનો હલનચલનની ક્રિયા કરે છે. તેથી તેમને અંગેની શારીરિક તપાસમાં મુખ્ય 3 પાસાં જોવામાં આવે છે : (1) બળ (power), (2) સજ્જતાતણાવ અથવા સજ્જતા (tone) અને (3) સહસંગતતા (coordination). સ્નાયુસંકોચનોથી જે બળ ઉત્પન્ન થાય છે તેને સ્નાયુબળ (muscle power) કહે છે. હલનચલન ન થતું હોય ત્યારે પણ સ્નાયુઓ સંપૂર્ણપણે શિથિલ હોતા નથી. તે તે રીતે સાંધાની સ્થિતિ જાળવી રાખે છે તથા ચેતાઆવેગ આવે ત્યારે સંકોચન માટે તૈયાર રહે છે. આ સ્થિતિને સ્નાયુસજ્જતા અથવા સ્નાયુસજ્જતાતણાવ (muscle tone) કહે છે. કોઈ સાંધાને વાળવાનો કે સીધો કરવાનો હોય ત્યારે તે કાર્ય કરતા સ્નાયુની જોડમાં એક સાંધાને વાળવા સંકોચાતા હોય તેવો સ્નાયુ હોય છે જ્યારે તેનાથી વિપરીત કાર્ય કરતો સ્નાયુ પણ હોય છે. તેમણે તેટલા પ્રમાણમાં વિપરીત શિથિલન કરવું જરૂરી બને છે. વળી તે સાંધાની આસપાસના તથા શરીરના અન્ય સાંધાઓની સ્થિતિ પણ જાળવી રાખવી જરૂરી બને છે. ક્યારેક અન્ય સાંધાઓનું હલનચલન પણ જરૂરી બને; દા. ત., હાથમાં પેન્સિલથી લખતી વખતે ખભા અને કોણીના સાંધાને સ્થિર રાખવા પડે, એક પગે ઊભા રહેતી વખતે શરીરના બીજા સાંધાને સ્થિર રાખવા તથા ચાલતી વખતે જે તે પગ જે દિશામાં જતો હોય તેની વિરુદ્ધ દિશામાં તે બાજુના હાથને લઈ જવો વગેરે. અન્ય સ્નાયુઓની આવી વિવિધ કામગીરીને સ્નાયુસહસંગતતા (muscle coordination) કહે છે. નાનું મગજ તથા તલીય ગંડિકાઓ (basal ganglia) નામના મગજના ભાગો આ કાર્યનું નિયંત્રણ કરે છે.

હૃદ્સ્નાયુપેશી : હૃદય સ્નાયુનો બનેલો અવયવ છે. તેના સ્નાયુને હૃદ્-સ્નાયુ (myocardium) કહે છે. તેના અંદરના પોલાણના આવરણને અંત:હૃદ્કલા (endocardium) કહે છે તથા તેની બહાર આવેલા બે પડવાળા આવરણને પરિહૃદ્કલા (pericardium) કહે છે. હૃદ્-સ્નાયુ પણ કંકાલીય સ્નાયુની જેમ જ રૈખિક (striated) સ્નાયુ છે અને તેથી સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેની સપાટી પર પટ્ટીઓ (રેખાઓ) જોવા મળે છે; પરંતુ તે અનૈચ્છિક (involuntary) સ્નાયુ છે. તેના સ્નાયુતંતુઓ ચતુષ્કોણ આકારના (quadrangular) છે અને તેમાં વચ્ચે એક કોષકેન્દ્ર હોય છે. કંકાલીય સ્નાયુતંત્ર જેવી જ તેની આંતરિક સંરચના છે; પરંતુ તેમાં સ્નાયુપ્રરસ (sarcoplasm) વધુ હોય છે, કણાભસૂત્રો (mitochondria) મોટાં હોય છે અને સ્નાયુતન્તિકાઓ(myofibrils)ના પુંજ (bundles) હોતા નથી. વળી કંકાલીય સ્નાયુતંતુઓની જેમ હૃદ્-સ્નાયુતંતુઓ એકબીજાને સમાંતર હોતા નથી. તેમને શાખાઓ હોય છે અને એકબીજા સાથે જોડાઈને એક પ્રકારનું જાળું રચે છે. હૃદયમાં આવાં 2 સ્નાયુતંતુજાળાં હોય છે : એક બંને કર્ણકો માટે અને બીજું બંને ક્ષેપકો માટે. બંને જાળાં વચ્ચે સ્નાયુતંતુકલા જાડી  બનીને એક આંતરસ્થાપિત ચકતી (intercalated disc) બનાવે છે, જે બંને સ્નાયુતંતુજાળાંને સુદૃઢ બનાવે છે. ચેતાતંતુઓ હૃદ્-સ્નાયુનું સંકોચન કરાવતાં નથી, પણ તેમનું નિયમન કરે છે. તેમનું સંકોચન હૃદયમાં આવેલી ઉત્તેજનશીલ અને વહનશીલ પેશીમાંના આવેગો(impulse)થી થાય છે. આ રીતે હૃદ્-સ્નાયુ તેનાં સંકોચનો અને શિથિલનમાં સ્વાયત્ત છે.

અરૈખિક સ્નાયુપેશી : તે અવયવો, પોલી નળીઓ અને નસોની દીવાલમાં હોય છે અને તેથી તેમને અવયવી (visceral) સ્નાયુપેશી પણ કહે છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેની સપાટી પર રેખાઓ હોતી નથી અને તેઓ હૃદયના સ્નાયુની માફક અનૈચ્છિક અથવા સ્વાયત્ત હોય છે અને તેથી ચેતાતંત્રના આવેગો તેમનું સંકોચન કરાવતા નથી, પણ તેમનું નિયમન કરે છે. તેનો ચેતાતંતુ 5થી 10 માઇક્રોમિટરના વ્યાસનો અને 30થી 200 માઇક્રોમિટર લંબાઈનો હોય છે. તેઓ વેલણાકારી (spindle shaped) હોય છે અને તેમાં વચ્ચે એક કોષકેન્દ્ર હોય છે. તેઓ પોલા અવયવો અને નળીઓની દીવાલમાં ગોળફરતું સ્નાયુપડ બનાવે છે અને તેમનાં સંકોચનો અને શિથિલનો વડે તે પોલાણને વધારે-ઘટાડે છે કે તેમાં લહરિગતિ (peristalsis) ઉત્પન્ન કરે છે. પોલાણની વધઘટથી પોલાણમાં દબાણની વધઘટ થાય છે અને તેથી તેમાંના પ્રવાહીનું વહન વધે છે કે તેમાં અવરોધ ઉદભવે છે. લહરગતિ અવયવ(દા. ત., આંતરડું)માંના પ્રવાહીને આગળ વધવામાં નિયંત્રિતપણે સુગમતા કરે છે.

સ્નાયુતંત્ર : કંકાલીય સ્નાયુઓ વડે બનેલા તંત્રને સ્નાયુતંત્ર કહે છે. હૃદય તથા અવયવો અને નસોના સ્નાયુઓને જે તે અવયવી તંત્રની અંતર્ગત આવરી લેવાય છે. સ્નાયુ સાંધાનું હલનચલન કરાવતો અવયવ છે. સામાન્ય રીતે તે સાંધાની બંને બાજુ આવેલાં હાડકાં સાથે જોડાય છે. ક્યારેક તે આસપાસના તંતુપટ (fascia) સાથે પણ જોડાય છે. સ્નાયુનાં આવાં જોડાણો રજ્જુ જેવાં હોય તો તેને સ્નાયુબંધ (tendon) કહે છે (સામાન્ય રીતે હાડકા સાથે જોડાણ) અને તે પાતળા મજબૂત પટ્ટ જેવા હોય તો તેને સ્નાયુપટ્ટક (aponeurosis) કહે છે. (સામાન્ય રીતે તંતુપટ સાથે જોડાણ.) આમ સ્નાયુના બંને છેડે જોડાણ માટે તંતુમય (fibrous) રજ્જુ કે પટ્ટ જેવી સંરચના હોય છે. જ્યારે વચલા ભાગમાં સ્નાયુતંતુઓથી બનેલું માંસ જેવું પેશીદળ હોય છે. તેને સ્નાયુકાય (muscle belly) કહે છે. સાંધાની એક બાજુનું હાડકું સ્થિર રહે છે જ્યારે બીજું હાડકું હાલે છે. સ્થિર હાડકા સાથેના સ્નાયુના જોડાણને ઉદગમસ્થાન (origin) કહે છે, જ્યારે જે હાડકું તે હલાવે છે તેની સાથેના જોડાણને સ્નાયુનિવેશ (muscle insertion) કહે છે. ત્રણેય પ્રકારનાં ઉચ્ચાલનો પ્રમાણે જુદા જુદા સ્નાયુઓ કાર્ય કરે છે.

સ્નાયુમાં સ્નાયુતંતુઓ સ્નાયુતંતુપુંજો (muscle fasciculi) રૂપે જથ્થા(bundles)માં ગોઠવાયેલા હોય છે. આવા સ્નાયુતંતુપુજો એકબીજાને સમાંતર, અભિવર્તી (convergent) એટલે કે કોઈ બિન્દુ તરફ વળેલી અથવા પિચ્છરૂપ (pennate) એટલે કે પીંછા જેવી રચનાવાળી ગોઠવણીવાળા હોય છે. કોઈ છિદ્રની આસપાસ તે વર્તુળાકાર (circular) હોય છે. દા. ત., હોઠની આસપાસ.

સાંધાને વિવિધ રીતે વાળી શકાય છે. જ્યારે હાથ કે પગને વાળીને તેમના દૂરના છેડાને નજીકના છેડા પાસે લવાય ત્યારે તેને સુવક્રન (flexion) કહે છે અને જ્યારે વળેલા હાથ કે પગને સીધો કરાય ત્યારે તેને સુલંબન (extension) કહે છે. જો અંગને મધ્યરેખા તરફ વાળવામાં આવે તો તેને અભિવક્રન (adduction) અને મધ્યરેખાથી દૂર લઈ જવાય ત્યારે અપવક્રન (abduction) કહે છે. બે હાથને નમસ્તે કરવા ભેગા કરવા તે અભિવક્રન છે, જ્યારે તેમને છૂટા કરી પહોળા કરવા તે અપવક્રન છે. અંગ કે ગાત્રની લંબમધ્યરેખા પર તેને મધ્યરેખા તરફ ગોળ ફેરવવામાં આવે ત્યારે તેને અંત:વર્તન (internal rotation) અને તેની વિપરીત દિશામાં ગોળ ફેરવવામાં આવે ત્યારે તેને બહિર્વર્તન (external rotation) કહે છે.

સાંધાનું કોઈ પ્રકારનું સંચલન (movement) કરાવવામાં જે સ્નાયુ મુખ્ય હોય તેને પ્રમુખ ચાલક (prime mover) અથવા સુધર્મી (agonist) સ્નાયુ કહેવાય છે. તેનાથી બરાબર વિપરીત કાર્ય કરનાર સ્નાયુને પ્રતિધર્મી (antagonist) કહે છે. જ્યારે સુધર્મી સ્નાયુ સંકોચાય ત્યારે પ્રતિધર્મી સ્નાયુ શિથિલ થાય છે. આનાથી વિપરીત સંજોગોમાં તેઓ બરાબર વિપરીત રીતે વર્તે છે. આને વિપરીતકર્મી સહસંગતતા (antagonistic coordination) કહે છે. સુધર્મી અને પ્રતિધર્મી સ્નાયુઓ વચ્ચેની વિપરીતકર્મી સહસંગતતા જે તે સાંધાને સ્થિરતા તથા હલનચલન એમ બંને હાલતમાં યોગ્ય સ્થિતિ જાળવી રાખે છે. કેટલાક સ્નાયુઓ પ્રમુખ ચાલક (સુધર્મી) સ્નાયુના કાર્યમાં સહકાર આપે છે. તેમને સહધર્મી (synergistic) સ્નાયુઓ કહે છે.

સ્નાયુઓનું નામકરણ : તે તેમના દ્વારા કરાતા હલનચલનને આધારે કરાય છે. તેમના દ્વારા થતા હલનચલનના પ્રમુખ પ્રકારો અને તેને આધારે સ્નાયુઓનું નામકરણ કેવી રીતે થાય છે તે સારણી 1માં દર્શાવ્યું છે. આશરે 700 જેટલા સ્નાયુઓ છે. તેમનાં નામકરણમાં તેમનાં કાર્ય (હલનચલનનો પ્રકાર) ઉપરાંત તેમના સ્નાયુતંતુઓ કેવી રીતે ગોઠવાયેલા છે, તે કયા સ્થળે છે, તેનું કદ કેટલું છે, તેમનો આકાર કેવો છે, તેમનાં ઉદગમસ્થાનો(origin)ની સંખ્યા કેટલી છે, તેમનું ઉદગમસ્થાન અને/અથવા સ્નાયુનિવેશસ્થાન કયા હાડકા સાથે જોડાયેલાં છે વગેરે વિવિધ બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

શરીરના મુખ્ય સ્નાયુઓ : શરીરમાં આશરે 700 જેટલા મુખ્ય સ્નાયુઓ છે : તેમાં ચહેરાના 12, નીચલા જડબાના 4, આંખની આસપાસના 6, જીભના 4, ગળાના 6, સ્વરપેટીના 8, ડોકના 4, પેટની આગળની દીવાલના 4, દરેક પાંસળીઓની જોડ વચ્ચે 4 તથા ઉરોદરપટલ (abdominothoracico diaphragm) સહિત શ્વસન-કાર્યના 45, શ્રોણીગુહાના તળિયાના 4, ઉપસ્થવિસ્તાર(perineum)-ના 6, સ્કંધમેખલાના 14, બંને ઊર્ધ્વ બાહુના 16, બંને અગ્રભુજાના 18, બંને કાંડા અને આંગળીઓના 18, કરોડસ્તંભના 20, બંને જાંઘના 24, બંને પગના 18, બંને પાદ અને પાદાંગુલિઓના 18 તથા બંને હસ્ત અને પાદના નાના સ્નાયુઓનો સમાવેશ થાય છે.

સારણી 1 : સ્નાયુઓનાં કાર્યો

કાર્ય આધારે નામ           વર્ણન
1. સુવક્રક (flexon) સાંધાને આગળ તરફ વાળવો.
2. સુલંબક (extensor) સાંધાને પાછળ તરફ વાળવો, જેથી જે

તે અંગ સીધી રેખામાં આવે.

3. અધિવક્રક (adductor) અંગને મધ્યરેખા તરફ વાળવું.
4. અપવક્રક (abductor) અંગને મધ્યરેખાથી દૂર વાળવું.
5. ઊર્ધ્વક (levator) ઉપર તરફનું સંચલન (movement).
6. અધષ્ક (depressor) નીચે તરફનું સંચલન.
7. ઊર્ધ્વવર્તક (supinatior) અંગને તેના લંબ અક્ષ પર ગોળ ફેરવીને

તેના આગળના ભાગને ઉપર તરફનો કરવો.

8. અધોવર્તક (pronator) અંગને તેના લંબ અક્ષ પર ગોળ ફેરવીને

તેના આગળના ભાગને નીચે તરફનો કરવો.

9. અંતર્વર્તક

(internal rotation)

અંગને તેના લંબ અક્ષ પર મધ્યરેખા

તરફ ગોળ ફેરવવું.

10. બહિર્વર્તક

(external rotation)

અંગને તેના લંબ અક્ષ પર મધ્યરેખાથી

વિરુદ્ધ દિશામાં ફેરવવું.

11. પાદપૃષ્ઠવક્રક

(dorsiflexor)

પાદ(foot)ને ઘૂંટીના સાંધાથી ઉપર તરફ

વાળવો.

12. પાદતલવક્રક

(plantar flexor)

પાદને ઘૂંટીના સાંધાની નીચે તરફ વાળવો.
13. પાદાંતર્વર્તક (inverstor) પાદતલ મધ્યરેખા તરફ જુએ તેમ પાદને

વાળવો.

14. પાદબહિર્વર્તક (evator) પાદતલ મધ્યરેખાથી વિરુદ્ધ દિશામાં જુએ

એમ પાદને વાળવો.

15. દ્વારરક્ષક (sphinter) છિદ્રદ્વારને નાનું કરવું.
16. તાનક (tensor) કોઈ ભાગને વધુ અક્કડ બનાવવો.
17. વર્તક (rotator) હાડકાને તેના લંબ અક્ષ પર ગોળ ફેરવવું.

સ્નાયુવિકારો : સ્નાયુના વિકારો અને રોગોમાં સ્નાયુમાં પીડાકર્ષણ (cramps), દુષ્પોષી ક્ષીણતા (dystrophy), સ્નાયુરુગ્ણતા (myopathy), લકવો વગેરેનો સમાવેશ થાય છે. તેમને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચી શકાય : (1) ચેતાવિકારોથી થતી સ્નાયુની વિષમતાઓ; દા. ત., મહત્તમ દૌર્બલ્ય (myasthenia gravis), લકવો વગેરે તથા (2) સ્નાયુના પોતાના વિકારો; દા. ત., સ્નાયુરુગ્ણતા, સ્નાયુ દુષ્પોષીક્ષીણતા વગેરે. લાંબા સમયના ચેતાના કે સ્નાયુના વિકારોમાં સ્નાયુ પાતળો પડે છે, તેને સ્નાયુવ્યય (muscle wasting) કહે છે; દા. ત., બાળલકવો (poliomyelitis) કે અન્ય પ્રકારના લાંબા ગાળાના લકવામાં સ્નાયુવ્યય થાય છે. ચાલકચેતાના વિકારો(motor nerve disorders)માં લકવો થાય છે. કેન્દ્રીય ચેતાતંત્ર (central nervous system), જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, તેના વિકારોમાં કાં તો યોગ્ય સ્નાયુનું સંકોચન-શિથિલન કરાવતા સંદેશાઓ ઉદભવતા નથી કે તે સ્નાયુ સુધી પહોંચતા નથી. તેને કારણે સ્નાયુઓ ઇચ્છા મુજબનું સંકોચન-શિથિલન પામતા નથી. તે સ્થિતિને લકવો કહે છે.

સારણી 2 : વિવિધ પ્રકારની સ્નાયુરુગ્ણતાઓ (myopathies)

ક્રમ     પ્રકાર          ઉપપ્રકાર
1. જનીનીય વિકારોથી ઉદભવતી સ્નાયુ-

રુગ્ણતાઓ

(અ) સ્નાયુદુષ્પોષી ક્ષીણતાઓ

(muscular dystrophies)

–  ડ્યૂશેન સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– બેકર સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– ગાત્ર-શૃંખલા (limb-girdle)

સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– એપ્રિ-ક્રિફ્સ સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– બેથ્લેમ સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– જન્મજાત સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– વદન-સ્કંધ-બાહુપરક સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– નેત્રગ્રસની (occulopharyngeal)

સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

– દૂરસ્થ (distal) સ્નાયુદુષ્પોષી ક્ષીણતા

2. જન્મજાત (congenital)

સ્નાયુરુગ્ણતાઓ

– મધ્યકેન્દ્રી (centronuclear) અને

સ્નાયુલઘુનલિકાકીય સ્નાયુરુગ્ણતાઓ

3. સ્નાયુપ્રકુંચતાપૂર્ણ

(myotonic) વિકારો

– દુષ્પોષી ક્ષીણતાપૂર્ણ સ્નાયુપ્રકુંચતા

(dystrophic myotonia)

– સમીપસ્થ સ્નાયુપ્રકુંચતાપૂર્ણ સ્નાયુ-

રુગ્ણતા (proximal myotonic myopathy)

4. ચયાપચયી વિકારોજન્ય – મેક્-આડર્લનો રોગ

– કણાભસૂત્રીય (mitochondrial) વિકારો

– ઘાતક અતિ-ઉષ્ણતા (malignant hyperthermia)

સ્નાયુરુગ્ણતા
(metabolic myopathy).
5. સંપ્રાપ્ત (acquired)

સ્નાયુરુગ્ણતાઓ

– બહુસ્નાયુશોથ (polymyositis)

– ચર્મસ્નાયુશોથ (dermatomyositis)

– અંત:સ્રાવી વિકારજન્ય (endocrine)

સ્નાયુરુગ્ણતા; દા. ત., અતિગલગંડિતા

(hyperthyroidism)

– વિષજન્ય; દા. ત., દારૂ, ઔષધો

કેન્દ્રીય ચેતાતંત્રના વિકારોમાં લકવો (paralysis) ઉપરાંત ક્યારેક સ્નાયુસંકોચનોમાં અસંગતતા (incoordination) થાય છે તો ક્યારેક સતત કે ચોક્કસ સમયે ધ્રુજારી (tremors) ઉદભવે છે. સ્નાયુઓની તણાવસજ્જતા (tone) કાં તો વધી જાય છે (અતિસજ્જતા, hypertonicity) અથવા ઘટી જાય છે (અલ્પસજ્જતા, hypotonicity). અલ્પસજ્જ સ્નાયુ ઢીલા (flaccid) થઈ જાય છે. તે પોચા બની જાય છે. સ્નાયુઓના સંકોચન-શિથિલન પર સીધું નિયંત્રણ રાખતા ચેતાકોષોને અધ:સ્તરીય ચાલક ચેતાકોષો (lower motor neurone) કહે છે. તેના વિકારોમાં સ્નાયુઓમાં ઢીલાશ (flacidity) આવે છે. અતિસજ્જતા બે પ્રકારની છે – અધિકુંચતા (spaticity) અને અક્કડતા (rigidity). સ્નાયુઓના સંકોચન-શિથિલન પર સીધું નિયંત્રણ ધરાવતા અધ:સ્તરીય ચેતાકોષોનું નિયંત્રણ કરતા ઊર્ધ્વસ્તરીય ચાલક ચેતાકોષો અને તંતુઓ(upper motor neurone and nerve fibres)ના રોગોમાં સ્નાયુઓની સજ્જતા વધે છે. તે અતિસજ્જતા, ચપ્પાના હાથામાં પેસાડેલા તેના પાનાને ખોલતી વખતે પહેલાં વધુ બળ આપવું પડે છે અને પછી તે સહેલાઈથી ખૂલી જાય છે તેવી જાતની કઠણાઈવાળી થઈ ગઈ હોય છે. તેને અધિકુંચતા (spasticity) કહે છે. કેન્દ્રીય ચેતાતંત્રના નાનું મગજ, તલીય ગંડિકાઓ (basal ganglia) જેવા ભાગો હલનચલનમાં સ્નાયુઓ અને ગાત્રોની સંગતતા લાવે છે. તેઓ તે માટે અધ:સ્તરીય ચાલક ચેતાકોષો(lower motor neurones, LMNs)નું નિયમન કરે છે. આ પ્રકારના ચેતાકોષોને અધિ-ઊર્ધ્વસ્તરીય ચાલક ચેતાકોષો (extrapyramidal neurones) કહે છે. તેમના વિકારોમાં સ્નાયુઓ અક્કડ (rigid) થાય છે. તેમાં સાંધાને સીધો કરતાં પહેલેથી છેલ્લે સુધી અક્કડતા(rigidity)નો અનુભવ થાય છે.

ચેતાતંત્રીય વિકારોમાં ક્યારેક ઐચ્છિક સ્નાયુઓમાં અનૈચ્છિક સંચલનો (involuntory movements) જોવા મળે છે; જેમ કે ધ્રુજારી, ટેવજન્ય આકુંચનો (tics), અંગનર્તન (chorea) વગેરે પ્રકારના અનૈચ્છિક સંચલનો થાય છે. સ્નાયુ-અસંગતતા (incoordination) અને અનૈચ્છિક સંચલનોને કારણે વ્યક્તિ તેનું સંતુલન (balance) જાળવવામાં મુશ્કેલી અનુભવે છે. તેને અસંતુલન (ataxia) કહે છે.

ચેતાસ્નાયુસંગમમાં વિકાર ઉદ્ભવે ત્યારે મહત્તમ સ્નાયુદૌર્બલ્ય (myasthania gravis) નામનો રોગ થાય છે. સ્નાયુને પોતાને થતા રોગોમાં ચેપ લાગવો, તેમાં પીડાકારક સોજાનો વિકાર થવો (સ્નાયુશોથ, myositis), તેમાં દુષ્પોષી ક્ષીણતા (dystrophy) થવી, તેમાં તે તથા અન્ય પ્રકારના વિકારો થવા (સ્નાયુરુગ્ણતા, myopathy) વગેરેનો સમાવેશ થાય છે.

સ્નાયુરુગ્ણતા (myopathy) : તે સ્નાયુતંતુઓના રોગજન્ય, જૈવરસાયણી કે વીજવિષમતાજન્ય વિકારો છે; જેમાં પ્રાથમિકપણે ચેતાતંત્રીય કોઈ વિકાર હોતો નથી. તે જનીનીય વારસાથી, પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની રોગો (autoimmune disorders), કેટલાક અવયવતંત્રીય રોગો દવાઓ અને ઝેરને કારણે થાય છે. તેમના પ્રકારો સારણી 2માં દર્શાવ્યા છે.

સ્નાયુદુષ્પોષી ક્ષીણતાઓ (muscular dystrophies) નામના રોગોમાં સ્નાયુતંતુઓનો કોષનાશ (necrosis) થાય છે અને સ્નાયુતંતુઓને સ્થાને સાદા તંતુઓ અને તંતુમય સંયોજીપેશી (fibrous connective tissue) જમા થાય છે. તેને કારણે ક્યારેક સ્નાયુનું અતિવર્ધન (hypertrophy) થાય છે અથવા તેમાં સંકુચન (contracture) થાય છે. વિવિધ જૂથના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. ક્યારેક હૃદયમાં પણ સ્નાયુવિકાર થઈ આવે છે. તેનાં કારણો અને સ્થાનને આધારે તેમના વિવિધ પ્રકારો નક્કી કરાય છે. (સારણી 2).

સ્નાયુરુગ્ણતાઓના નિદાનમાં રુધિરરસમાં ક્રિયેટિન કાઇનેઝનો વધારો (જે કોષનાશ સૂચવે છે), સ્નાયુવીજાલેખ (electro-myography, EMG), જે સ્નાયુકોષમાં થતાં વીજપરિવર્તનોની નોંધ લે છે, સ્નાયુનું પેશીપરીક્ષણ (biopsy, જેમાં સ્નાયુનો ટુકડો સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે.), આણ્વિક જનીની વિશ્લેષણ (molecular genetic analysis); જેમાં જનીનો સંબંધિત સક્રિય લઘુ અણુઓ(સક્રિયાણુઓ, small molecules)નો અભ્યાસ કરાય છે (જેના દ્વારા જનીનીય વિષમતા જાણી શકાય છે.), સીટીસ્કૅન કે એમ. આર. આઇ.નાં ચિત્રણો તથા મૂળ કારણરૂપ વિકારની કસોટીઓનો સમાવેશ થાય છે.

સારવારમાં મૂળ કારણરૂપ રોગને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્ન કરાય છે. પ્રેડ્નિસોલોન કે ડેફલાઝાકોર્ટ નામના કોર્ટિકોસ્ટીરૉઇડ વડે ડ્યૂશૅનની સ્નાયુદુષ્પોષી ક્ષીણતામાં કોષનાશ ઘટાડાય છે. મૅક્સિલેટિન વડે સ્નાયુ-પ્રકુંચનતા(myotomia)માં રાહત આપવા પ્રયત્ન કરાય છે. પોટૅશિયમ ઘટવાથી થતા કાલખંડીય ચેતાઘાત(periodic paralysis)માં એસેટાઝોલેમાઇડ અને સ્પાયરોનોલૅક્ટોન ઉપયોગી છે. ઘાતક અતિઉષ્ણતાની સારવારમાં ડેન્ટ્રોલિન વપરાય છે. ડાયક્લેરો-એસિટેટ વડે કેટલીક કણાભસૂત્રીય સ્નાયુરુગ્ણતા(mitochondrial myopathy)માં રાહત મળે છે.

શિલીન નં. શુક્લ