સ્ટૉકહોમ (Stockholm) : સ્વીડનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 20´ ઉ. અ. અને 18° 03´ પૂ. રે.. આ શહેર માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે.

સ્ટૉકહોમ આશરે 50 પુલોથી સંકળાયેલા 14 જેટલા ટાપુઓ પર વસેલું છે. તેનું આયોજન એટલું બધું વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે કે ગીચ વનરાજિથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેનાં રમણીય કુદરતી સ્થળદૃશ્યોથી તેની ભવ્યતા ઊભરી આવી છે; તેથી તે દુનિયાનાં અતિ સુંદર શહેરો પૈકીનું એક બની રહેલું છે. વધુમાં, અહીંનાં જળલક્ષણો અને ભૂમિલક્ષણોનો તફાવત તથા જૂનાં-નવાં સ્થાપત્યોની વિશિષ્ટતાઓ તેની ભવ્યતામાં ઉમેરો કરે છે.

સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ ‘ગમલાસ્તાન’ – એ તેનું પુરાણું નગર છે. આ જૂના વિભાગમાં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમના ઘણાખરા નિવાસીઓ આધુનિક શૈલીની સુવિધાવાળા આવાસોમાં રહે છે, બીજા કેટલાક નવાં વિકસેલાં પરાંઓમાં રહે છે.

આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય ‘સ્કાનસેન’ નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન-ઍર-સંગ્રહાલય પણ છે.

સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમજ નાના કદની કુટિરો જોવા મળે છે. આખુંય વર્ષ આ ટાપુઓ પર અહીંના તેમજ બહારના પ્રવાસીઓ આરામ અને મનોરંજન માટે મુલાકાત લેતા રહે છે.

સ્ટૉકહોમ સ્વીડનના અર્થતંત્રની ધરીરૂપ મુખ્ય મથક બની રહેલું છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. બીજા કેટલાક વેપારક્ષેત્રે કે ઉત્પાદન-એકમોમાં રોકાયેલા છે. આ શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે.

1989માં નિર્માણ કરાયેલું સ્ટૉકહોમના ગ્લોબ વિસ્તારનું દૃશ્ય

સ્ટૉકહોમ સ્વીડનનું મહત્વનું બંદર છે; એટલું જ નહિ, પણ તે દેશના સડકમાર્ગો, રેલમાર્ગો તથા હવાઈ માર્ગો તેમજ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. શહેરની વસ્તી : 2000 મુજબ 7,50,677 જેટલી છે.

ઇતિહાસ : આ શહેર 1250ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. આજે જ્યાં ગમલાસ્તાન છે ત્યાં તેણે એક કિલ્લો બાંધેલો. ત્યાર પછીથી આ સ્થળ વેપારી મથક તરીકે વિસ્તરતું ગયું અને વિકસ્યું. 1523માં તે સ્વીડનનું પાટનગર બન્યું. ક્રમે ક્રમે તેનો વિસ્તાર વધતો ગયો અને સમૃદ્ધ બનતું ગયું. અન્ય શહેરોની જેમ તેની ગીચતા વધતી ગઈ, સાથે સાથે રમણીયતા ઘટતી ગઈ; પરંતુ અહીંના બુદ્ધિશાળી લોકોએ પરંપરાઓ જાળવી રાખવા ઉપરાંત શહેરની સમસ્યાઓને ઉકેલી અને વ્યવસ્થિત આયોજન કર્યું; તેમ છતાં બીજા વિશ્વયુદ્ધ બાદ વસ્તી વધતી ગઈ. 1950 અને 1960ના દાયકાઓ દરમિયાન ભૂમિભાગો પર પરાં વિકસ્યાં. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કર્યું છે અને એ રીતે તેની રમણીયતાને જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગિરીશભાઈ પંડ્યા