સ્ટૉક્સ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની વનસ્પતિ. તેને Matthiola પણ કહે છે. આ પ્રજાતિ એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ઉપક્ષુપ (sub-shrub) છે અને પશ્ચિમ અને દક્ષિણ યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં થાય છે. ભારતમાં તેની એક જાતિનો પ્રવેશ કરાવાયો છે અને તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

બ્રોપ્ટોન સ્ટૉક્સના નામથી જાણીતી થયેલી દ્વિવાર્ષિક અને બહુવાર્ષિક મેથિયૉલાની જાતિ ઠંડા પ્રદેશોમાં કે દરિયાની સપાટીથી મધ્યમ કે વધારે ઊંચાઈવાળા પ્રદેશોમાં થાય છે.

Matthiola incana R. Br. (કૉમન સ્ટૉક, ગિલ્લી ફ્લાવર; પં. – તોદ્રી લીલા, તોદ્રી સફેદ) 30 સેમી.થી 60 સેમી. ઊંચી, ઉન્નત, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ શોભન-જાતિ છે અને મધ્યમથી વધારે ઊંચાઈએ ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. પર્ણો લંબચોરસ-રેખીય(oblong-linear)થી માંડી પ્રતિ ભાલાકાર (oblanceolate), સાદાં અને એકાંતરિક હોય છે. પુષ્પો સુગંધિત હોય છે અને અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ જાડાં, મજબૂત, કૂટપટિક (silique) પ્રકારનાં હોય છે અને અસંખ્ય, ચપટાં અને સાંકડાં સપક્ષબીજ ધરાવે છે.

તે ભૂમધ્યસમુદ્રીય પ્રદેશ અને પશ્ચિમ યુરોપની સ્થાનિક (indigenous) જાતિ છે. તેને ઉદ્યાનોમાં શિયાળામાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો સુગંધિત અને રંગે સફેદ, ગુલાબી, લાલ, જાંબલી, પીળાશ પડતાં રાતાં અને પીળાં હોય છે અને ગુચ્છમાં ઉદભવે છે. પ્રસર્જન બીજ દ્વારા રેતાળ અને હલકી મૃદામાં કરવામાં આવે છે. રોપાઓને પાણી ઓછું આપવામાં આવે છે અને તેઓ 5.0 સેમી. જેટલા થાય ત્યારે ફળદ્રૂપ મૃદા ધરાવતી ક્યારીઓમાં 22.5 સેમી.થી 30.0 સેમી.ના અંતરે અથવા કૂંડાંઓમાં રોપવામાં આવે છે. વાર્ષિક છોડ વાવણી પછી 4થી 4.5 માસમાં અને દ્વિવાર્ષિક છોડ 7થી 8 માસમાં પુષ્પનિર્માણ કરે છે.

Matthiola incanaની પુષ્પીય શાખા

incanaનાં બીજ મેદીય તેલ, શ્લેષ્મ, રંગદ્રવ્ય અને બાષ્પશીલ તેલ ધરાવે છે. બાષ્પશીલ તેલ મિથાઇલ, આઇસોપ્રોપાઇલ અને

4-મિથાઇલથાયોબ્યુટાઇલ આઇસોથાયોસાઇનેટો ઉત્પન્ન કરે છે. પીળાં પુષ્પો ધરાવતી જાતનાં મેદીય તેલનાં લક્ષણો આ પ્રમાણે છે :

(ઉત્પાદન 7.9 %) : વિ.ગુ.30° 0.9221; વક્રીભવનાંક 1.4301; આયોડિન-મૂલ્ય (હેનસ) 112.3; સાબુકરણ-આંક 184.2; ઍસિડ-મૂલ્ય 20.1 અને અસાબુનીકૃત દ્રવ્ય (b-સિટોસ્ટેરૉલની હાજરી) 0.82 %; ફૅટી ઍસિડ–પામિટિક 2.24 %, સ્ટિયરિક 2.86 %, ઑલિક 19.89 %, લિનોલિક 32.52 %, લિનોલેનિક 4.86 % અને ઇરુસિક 37.60 %. પીળી જાતના બીજમાંથી ઇન્કેનિન-A (C18H14O8, ગ.બિં. 297° સે.) અને ઇન્કેનિન-B (C17H14O7, ગ.બિં. 278° સે.) નામના બે સ્ફટિકમય રંગદ્રવ્યો અલગ કરવામાં આવ્યાં છે. તેના બીજના શ્લેષ્મના જલાપઘટન(hydrolysis)થી ઝાયલોઝ, અરેબિનોઝ, ગૅલેક્ટોઝ અને ગૅલેક્ચ્યુરોનિક ઍસિડ પ્રાપ્ત થાય છે.

બીજ સહેજ કડવાં, બલ્ય, મૂત્રલ, કફોત્સારક અને ક્ષુધાવર્ધક હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ