સ્ટૅમ્પ, ઍલ. ડડલી (જ. 1898; અ. 1967) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવિદ. સ્ટૅમ્પે તેમના અભ્યાસકાળ દરમિયાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનું શિક્ષણ મેળવેલું. 1923–1926ના સમયગાળામાં મ્યાનમારની રંગૂન યુનિવર્સિટીમાં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા તરીકે અને પછીથી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. લંડન યુનિવર્સિટીમાં પણ 1926થી 1965 સુધી સેવાઓ આપેલી. દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને ક્લાર્ક, સ્ટૉકહોમ અને વૉર્સોમાં ભૂગોળ વિષયના શિક્ષણની માનદ સેવાઓ આપેલી. તેમણે બ્રિટનની સ્તરવિદ્યા, આર્થિક ભૂગોળ, વિશ્વની ભૂગોળ (ખંડો), એશિયાની ભૂગોળ, ભારતની ભૂગોળ, બર્માની ભૂગોળ, બ્રિટનની ભૂગોળ જેવાં આશરે ત્રીસ જેટલાં પુસ્તકો બહાર પાડેલાં. આ પુસ્તકોને કારણે તેઓ ખૂબ જાણીતા બન્યા.

બ્રિટનની જમીનોની ઉપયોગિતા માટે તેમણે સર્વેક્ષણ કરેલું; આ કાર્ય જૂની પ્રણાલિકા કરતાં જુદું પડતું હતું. બ્રિટનની દરેક એકર જમીનની નોંધણી કરીને નકશા બનાવેલા. વિશ્વના બધા દેશોએ આ પદ્ધતિ સ્વીકારી હતી. બ્રિટિશ ભૌગોલિક સંગઠન અને આંતરરાષ્ટ્રીય ભૂગોળવિદોના સંગઠનના પ્રમુખપદે તેઓ રહ્યા તે સમયગાળા દરમિયાન ભૂગોળના વિષયનો વિકાસ થાય તે પર પૂરતું ધ્યાન આપ્યું હતું. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળના વિકાસમાં તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે.

નીતિન કોઠારી