સ્ટૅમ્પ : સરકાર વતી પૈસા લઈને માગણી કરનાર નાગરિકને આપેલ દસ્તાવેજ માટેની કે ટપાલની ટિકિટ. ગુજરાતી ભાષામાં તે સામાન્ય રીતે ટિકિટ તરીકે ઓળખાય છે. તેમાં મુખ્યત્વે ટપાલ પર ચોંટાડવાની ટિકિટો, કોઈ દસ્તાવેજને કાયદેસરતા બક્ષવા માટે તેના પર ચોંટાડેલી અથવા છાપેલી ટિકિટો, મહેસૂલી ટિકિટો વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડિયન સ્ટૅમ્પ-ઍક્ટ 1899ની કલમ 10 અને 18 (2) તથા બૉમ્બે સ્ટૅમ્પ-ઍક્ટ 1959માં તે અંગેની જોગવાઈઓનો ઉલ્લેખ સાંપડે છે.

એડ્મન્ડ હિલારી અને તેંગસિંગ નૉર્ગેના એવરેસ્ટ અભિયાનની સુવર્ણજયંતી પ્રસંગે પ્રસિદ્ધ થયેલ ટપાલટિકિટ

કેટલીક વાર સરકાર વતી તે કાગળના નાના મુદ્રાંકિત કકડાઓ રૂપે વેચવામાં આવે છે. (દા. ત., ટપાલની ટિકિટો અથવા રેવન્યૂ-સ્ટૅમ્પ) અથવા દસ્તાવેજ માટેના કાગળ પર તે મુદ્રાંકિત કરવામાં આવેલી હોય છે; દા.ત., સ્ટૅમ્પ પેપર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો, પરબીડિયાં વગેરે પર ઊપસી આવે તેવી રીતે વિશિષ્ટ આકૃતિ-આકારે તે મુદ્રાંકિત કરવા(emboss)માં આવે છે અથવા કાગળના મુદ્રાંકિત નાના કકડા રૂપે છૂટક વેચવામાં આવે છે. 1765માં ઇંગ્લૅન્ડમાં પસાર કરવામાં આવેલા સ્ટૅમ્પ-ઍક્ટ દ્વારા તે પ્રત્યક્ષ કરવેરા તરીકે દાખલ કરવામાં આવેલ, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે દરેક છાપા પર; પત્રિકા (pamphlet), કાયદેસરના દસ્તાવેજો, વેપારી લેવડદેવડ દરમિયાન ઉદભવતા વિનિમયપત્રો જેવાં બિલો તથા જાહેરખબરો પર તે ચૂકવેલ હોવું જ જોઈએ. રાજ્ય દ્વારા આવક ઊભી કરવાના એક અગત્યના સાધન તરીકે હવે તે સર્વત્ર પ્રચલિત બન્યું છે. મે 1840માં ઇંગ્લૅન્ડમાં સર્વપ્રથમ ટપાલ-ટિકિટ બહાર પાડવામાં આવેલી અને તે રીતે વિશ્વભરમાં ગ્રેટ બ્રિટને ટપાલ-ટિકિટ બહાર પાડવાની પહેલ કરી હતી. 1858માં ઇંગ્લૅન્ડની સમ્રાજ્ઞી વિક્ટોરિયાએ એક ઢંઢેરો બહાર પાડીને ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનું શાસન પોતાને હસ્તક લીધું તેની ઉજવણી રૂપે ઇંગ્લૅન્ડે એક ખાસ ટપાલ-ટિકિટ બહાર પાડેલી, જેની બાકી રહેલ એકમાત્ર ટિકિટ લંડનમાં આવેલ સંગ્રહાલયમાં જડબેસલાક સુરક્ષા હેઠળ મૂકવામાં આવેલી છે; જે વિશ્વની જૂનામાં જૂની સચવાયેલી ટપાલ-ટિકિટ છે.

આઝાદી પછી ઘણા લાંબા સમય સુધી ભારતમાં એવી વ્યવસ્થા હતી કે કોઈ પણ પક્ષકારો વચ્ચે રૂપિયા સો અથવા તેનાથી વધુ રકમના વ્યવહારો થાય, તો તેના કાગળિયા પર વીસ પૈસાની રેવન્યૂ-સ્ટૅમ્પ ચોંટાડવી પડતી હતી. સમયાંતરે આ રકમ રૂપિયા 500 અથવા તેથી વધારાની રકમ પર એક રૂપિયાનો રેવન્યૂ-સ્ટૅમ્પ ચોંટાડાવો પડતો હતો. હાલ(2008)માં આ રકમ વધારીને રૂ. 5,000 અથવા તેથી વધારેની કરવામાં આવી છે. તેના પર એક રૂપિયાનો રેવન્યૂ-સ્ટૅમ્પ ચોંટાડવામાં આવેલો હોય, તો જ તે લેવડદેવડ કાયદેસરની ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે