સ્ટૅમ્પ-ડ્યૂટી : સરકારે નક્કી કરેલા આર્થિક વ્યવહારો સહિત ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારો-પ્રસંગે તે વ્યવહારોને કાયદાનું પીઠબળ મળે તે માટે નિયત રકમના સ્ટૅમ્પ કે સ્ટૅમ્પ-પેપરના ઉપયોગ દ્વારા નાગરિકો તરફથી ચૂકવવામાં આવતો વેરો. મિલકતોના ખરીદ-વેચાણ-પ્રસંગે પક્ષકારો વચ્ચે થતો કરાર નિયત રકમના સ્ટૅમ્પ-પેપર પર જ થવો જોઈએ. અંગ્રેજોએ જાહેર વિત્તવ્યવસ્થાને ભારતમાં દાખલ કરી ત્યારે સ્ટૅમ્પ-ડ્યૂટીને પણ સરકારની આવકના એક સાધન તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું; જે સ્વતંત્ર ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ ચાલુ રાખ્યું છે. આ માટે સરકાર અલગ પ્રકારની ટિકિટો અને સ્ટૅમ્પ-પેપર તૈયાર કરે છે. કયા દસ્તાવેજો સ્ટૅમ્પ-ડ્યૂટીને અધીન હોય છે તેનો નિર્દેશ તે અંગેના કાયદા(statutes)માં કરવામાં આવેલો હોય છે. દા. ત., ભારતમાં ભારતીય ટિકિટ ધારો 1894માં અને મુંબઈ ટિકિટ ધારો 1959માં તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

મિલકતની તબદીલી ઉપર નૉન-જ્યૂડિશિયલ સ્ટૅમ્પ, મૅરેજ-નોંધણી ઉપર ઍગ્રીમેન્ટ ટિકિટ, કોર્ટ-ફી, સ્ટૅમ્પ, રેવન્યૂ ટિકિટ, શૅર-ટ્રાન્સફર-ટિકિટ વગેરે પ્રકારના સ્ટૅમ્પ અને સ્ટૅમ્પ-પેપર દ્વારા સ્ટૅમ્પ-ડ્યૂટી વસૂલ કરવામાં આવે છે. સ્ટૅમ્પ-ડ્યૂટી બે પ્રકારની હોય છે : (1) નૉન-જ્યુડિશિયલ સ્ટૅમ્પ-પેપરના સ્વરૂપમાં મિલકતની તબદીલી જેવા વ્યવહારો માટે; (2) જ્યૂડિશિયલ સ્ટૅમ્પ-પેપરના સ્વરૂપમાં ખાસ કરીને દીવાની દાવા માટેની અદાલતો સાથેના વ્યવહાર પ્રસંગે અને સોંગદનામા કરવાના પ્રસંગે.

સ્ટૅમ્પ-ડ્યૂટીનો એક હેતુ જાહેર વિત્તવ્યવસ્થામાં સરકારની આવકમાં વધારો કરવાનો પણ છે. કરવેરા ચૂકવવાનું સામાન્ય નાગરિકો માટે વેદનાજનક છે. આથી કરવેરા ઉઘરાવવાનું કામ સરકાર માટે મુશ્કેલ બને છે. આથી સરકાર એવા પ્રકારના વેરા શોધે છે કે જેથી નાગરિકો તે ભરવા માટે ઓછામાં ઓછો વિરોધ કરે અને સરકારને તે મેળવવામાં સરળતા થાય. આ પ્રકારોમાં સ્ટૅમ્પ-ડ્યૂટીનો સમાવેશ થઈ શકે. અલબત્ત, આ માટે કેટલીક શરતોનું પાલન જરૂરી છે :

(1) સ્ટૅમ્પ-ડ્યૂટીનો દર વ્યવહારના મૂલ્યના પ્રમાણમાં નાગરિકોથી સહન કરી શકાય તેટલો હોવો જોઈએ.

(2) અસલ સ્ટૅમ્પ અને સ્ટૅમ્પ-પેપરો પૂરતા પ્રમાણમાં અનુકૂળ સમયે અને સ્થળે ત્વરિત મળવા જોઈએ.

(3) ખાસ કરીને સ્ટૅમ્પ-પેપર ખૂબ ટકાઉ હોવા જોઈએ. જ્યારે જ્યારે આ શરતોનું પાલન સરકારે કર્યું નથી, ત્યારે ત્યારે સરકારને સ્ટૅમ્પ-ડ્યૂટી દ્વારા ઓછી આવક મળી છે. નકલી સ્ટૅમ્પ અને નકલી સ્ટૅમ્પ-પેપર તૈયાર કરવા ખૂબ સહેલા હોય છે; તેથી કેટલીક વાર નાગરિકો પૂરેપૂરી સ્ટૅમ્પ-ડ્યૂટી ભરે છે, પરંતુ તે સરકારને મળતી નથી. ભારત જેવા સમવાયી તંત્રવાળા દેશમાં સ્ટૅમ્પ-ડ્યૂટીની આવકમાં કેન્દ્ર સરકારથી માંડી પંચાયતો સુધીનો હિસ્સો રહેલો હોય છે. સમયાંતરે નિમાતાં નાણાપંચો આ ફાળવણીના દર નક્કી કરતાં હોય છે.

જે દસ્તાવેજો પર કાયદા દ્વારા નિર્ધારિત સ્ટૅમ્પ ચોંટાડવામાં આવતા નથી અથવા કાયદા દ્વારા નિર્ધારિત દર કરતાં ઓછી રકમની ટિકિટો ચોંટાડવામાં આવે છે તે દસ્તાવેજો કાયદામાન્ય ગણાતા નથી અને તેથી તેવા દસ્તાવેજો પુરાવા તરીકે ગ્રાહ્ય ગણાતા નથી. જે દસ્તાવેજો પુરાવા તરીકે ગ્રાહ્ય થાય તે માટે બે શરતો નિર્ધારિત કરવામાં આવેલી હોય છે : (1) જુદા જુદા પ્રકારના દસ્તાવેજો પર કેટલી આકારણી કરવી તે કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. (2) દરેક દસ્તાવેજ પર કેટલા સમયમાં ટિકિટો ચોંટાડવાથી તેની કાયદેસરતા ગ્રાહ્ય ગણાય છે તેનો નિર્દેશ પણ જે તે કાયદામાં કરવામાં આવેલો હોય છે. જે દસ્તાવેજો પર સમયસર ટિકિટો ચોંટાડવામાં આવતી નથી તે દસ્તાવેજો સામે દંડની વસૂલાતની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવેલી હોય છે.

સ્ટૅમ્પ-ડ્યૂટી બે પ્રકારની આકારવામાં આવતી હોય છે : (1) જે સોદાના સંદર્ભમાં સ્ટૅમ્પ-ડ્યૂટી આકારવાની હોય તે સોદો કેટલી રકમનો છે તેને આધારે સ્ટૅમ્પ-ડ્યૂટીની રકમ નિર્ધારિત થતી હોય છે (ad velorem). દેખીતું છે કે દરેક દસ્તાવેજ પર અલગ અલગ રકમની સ્ટૅમ્પ-ડ્યૂટી ચૂકવવાની હોય છે. (2) એકસરખા દસ્તાવેજ પર એકસરખી રકમની સ્ટૅમ્પ-ડ્યૂટી આકારવામાં આવે છે. (fixed duty).

અશ્વિની કાપડિયા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે