સોનીપત : હરિયાણા રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 48´ 30´´થી 29° 17´ 54´´ ઉ. અ. અને 76° 28´ 30´´થી 77° 13´ 40´´ પૂ. રે. વચ્ચેનો 2122 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાણીપત (કરનાલ જિ.), પૂર્વ સીમા પર યમુના નદી અને તેની પેલી પાર ઉત્તર પ્રદેશનો મેરઠ જિલ્લો, દક્ષિણ તરફ દિલ્હી, નૈર્ઋત્ય અને પશ્ચિમે રોહતક જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્યમાં જિંડ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સોનીપત જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

સોનીપત જિલ્લો

ભૂપૃષ્ઠ–જંગલો–જળપરિવાહ : આ જિલ્લો ગંગા–યમુનાએ રચેલાં કાંપનાં મેદાનોમાં આવેલો છે, તેથી તેનું ભૂપૃષ્ઠ સમતળ છે તથા ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. કાંપની જમીનો અર્ધઘનિષ્ઠ છે અને રેતી, માટી અને પંકથી બનેલી છે. વળી જૂનાનવા કાંપના વિભાગો પણ અલગ પાડી શકાય છે.

આકડા જેવા છોડ તથા સીસમ, મોટાં ગૂંદાં, આંબા, જાંબુડા જેવાં વૃક્ષો અહીં ધ્યાન ખેંચે છે. અહીંની પડતર ભૂમિમાં રસ્તાઓની ધાર પર તેમજ ખાનગી જગાઓમાં નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અહીં સૂકાં પર્ણપાતી જંગલો જોવા મળે છે. જંગલોમાંથી ઇમારતી તથા બળતણનાં લાકડાં મળી રહે છે.

જિલ્લાની પૂર્વ સીમા પર અહીંની મુખ્ય નદી યમુના વહે છે. યમુનાએ અહીં પૂરના કાંપથી મેદાનો રચ્યાં છે. જિલ્લામાં પુષ્કળ જળસ્રોતો છે. તેમાં નદીઓ, તળાવો તેમજ નહેરોનો પણ સમાવેશ થાય છે.

ખેતી–પશુપાલન : આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જિલ્લાનું મોટાભાગનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. ગ્રામીણ વિસ્તારોના 60 % લોકો ખેડૂતો અને ખેતમજૂરો છે. ઘઉં અહીંનો મુખ્ય પાક છે. ખરીફ અને રવીપાક લેવાય છે. અહીં હરિયાણી ઓલાદનાં ઢોર જોવા મળે છે. દૂધ અને દૂધની બનાવટો આ જિલ્લાની મુખ્ય પેદાશો છે. દૂધની જાળવણી માટેનું શીતાગાર સોનીપત ખાતે આવેલું છે.

ઉદ્યોગ–વેપાર : જિલ્લામથક સોનીપત અહીંનું ખૂબ જ વ્યસ્ત ઔદ્યોગિક નગર છે. અહીં ઍટલસ સાઇકલ ઇન્ડસ્ટ્રીઝ લિ., હિલ્ટન રબર્સ લિ. અને હરિયાણા શીટગ્લાસ લિ. જેવા ઉદ્યોગો/એકમો વિકસેલા છે. જિલ્લામાં આશરે 300 જેટલાં અધિકૃત કારખાનાં કાર્યરત છે. તેમાં અંદાજે 15થી 16 હજાર લોકો કામ કરે છે. અહીં સાઇકલો અને તેના છૂટક ભાગો, મૉપેડ, ઑટોમોબાઇલના પુરજાઓ, હાથ-ઓજારો, યાંત્રિક ઓજારો, કૃષિ-ઓજારો, ઇજનેરી સાધનો, હેલ્મેટ, ત્રાજવાં, કાપડ, ખાદ્યપેદાશો વગેરે માટેના ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત વીજ-ઉપકરણો, લોખંડની પાઇપો, રબર અને પ્લાસ્ટિકની પેદાશો, રંગો, વાર્નિશ, ઔષધો, પ્રક્રમિત ખાદ્યપેદાશો, સુકવણી (શાક), વનસ્પતિ-ઘી, સાદાં પીણાં, મદ્ય તેમજ ખાંડના એકમો પણ કાર્યરત છે.

જિલ્લામાં સોનીપત, ગનૌર અને ખરખોડા ખાતે સાઇકલો, ગૅલ્વેનાઇઝ્ડ પાઇપો તથા હાથસાળના કાપડનું ઉત્પાદન લેવાય છે. અહીંની ઉત્પાદન-પેદાશોની નિકાસ તથા ડાંગર, સૂતર અને લાકડાંની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામથક સોનીપત દિલ્હીથી ઉત્તરમાં 51 કિમી. અંતરે અંબાલા–દિલ્હી રેલમાર્ગ પર આવેલું છે. સડકમાર્ગોની અહીં પૂરતી સુવિધા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1 આ જિલ્લામાંથી પસાર થાય છે.

પ્રવાસન : સોનીપત, ગનૌર, ખરખોડા, રાજલુગઢી, મોરથલ ખાસ, પુરખાસ રથી, રાઈ, અકબરપુર, બરોટા અને કુંડલી અહીંનાં જોવાલાયક સ્થળો છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 12,78,830 જેટલી છે; પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 60 % અને 40 % જેટલું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 75 % અને 25 % જેટલું છે. હિન્દુઓનું પ્રમાણ વિશેષ છે; મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ વસ્તી ઓછી છે. આ જિલ્લાની મુખ્ય ભાષા હિન્દી છે. સાક્ષરતાનું પ્રમાણ 55 % જેટલું છે. જિલ્લામાં ઉચ્ચશિક્ષણની કૉલેજો છે. શાળાઓનું અને તબીબીસેવા-સંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. અહીંનાં ગામડાંઓમાં શિક્ષણની 94 %, તબીબીસેવાની 60 %, પીવાના પાણીની 100 %, વીજળી પુરવઠાની 100 %, પાકા માર્ગોની 99.6 %, સંદેશાવ્યવહારની 86 %, પોસ્ટ-તારઑફિસોની 42 % જેટલી વ્યવસ્થા છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 2 તાલુકાઓમાં અને 4 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો તથા 260 (12 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : આ જિલ્લો પહેલાં ‘સોનેપત’ નામથી ઓળખાતો હતો. એક લોકવાયકા એવી છે કે મહાભારત કાળમાં યુધિષ્ઠિરે જે પાંચ ગામ(નગરો)ની દુર્યોધન સમક્ષ માગણી મૂકેલી તે પૈકીનું એક આ સોનેપત પણ હતું. અર્જુનના વંશવેલામાં 13મી પેઢીએ રાજા સોની થયેલા. આ બંને કિંવદન્તીઓ માટેના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. મહાભારત કાળ પહેલાં થઈ ગયેલા સંસ્કૃતના વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયીમાં આ નગરના નામનો ઉલ્લેખ મળે છે. ઈ. પૂ. 600ના અરસામાં પણ આ નગરના અસ્તિત્વની નોંધ મળે છે. 1871માં ગ્રીક-બાહલિક રાજાઓના વખતના સિક્કાઓ અહીંના ઉત્ખનનમાંથી મળી આવેલા છે. 11મી સદીના યૌધેયોના પુરાવારૂપ સિક્કાઓ પણ મળેલા છે. 1037માં ગઝનવીના સુલતાન મસૂદે, જ્યારે તે પંજાબમાંથી કૂચ કરી ગયેલો ત્યારે, હિન્દુસ્તાનમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાના પ્રયાસ રૂપે સોનેપતના તત્કાલીન ગવર્નર દિપાલહરને હરાવેલા.

આજનો સોનીપત જિલ્લો 1972માં સોનીપત અને ગનૌર તાલુકાઓને ભેગા કરીને રચવામાં આવેલો છે.

સોનીપત (શહેર) : સોનીપત જિલ્લાનું તાલુકામથક તથા જિલ્લામથક. તે દિલ્હીથી 51 કિમી.ને અંતરે દિલ્હી–અંબાલા રેલમાર્ગ પર આવેલું છે. સોનીપત નામ માટે ઘણા મત પ્રવર્તે છે. કેટલાક તેને મહાભારત કાળના સ્વર્ણપ્રસ્થ તરીકે ઘટાવે છે, કેટલાક તેને રાજા સોનીએ વસાવેલું હોવાથી સોનીપત નામ પડ્યું હોવાનું માને છે. દિલ્હી જિલ્લાના ગેઝેટિયર મુજબ સોનીપત ઘણું પ્રાચીન શહેર છે, જે પ્રાચીન આર્યોએ એક ટેકરીની બાજુમાં વસાવેલું હોવાનું કહેવાય છે. 300 વર્ષ સુધી આ વસાહત ટકેલી, તેનો તે પછીથી નાશ થયેલો.

આજે અહીં જોવા મળતાં પ્રાચીન સ્મારકો પૈકી અબ્દુલ્લાહ નસીરુદ્દીનની મસ્જિદ તથા 1351માં ઇબ્રાહિમ લોદીએ બંધાવેલી ખ્વાજા ખિઝરની કબર વધુ જાણીતી છે. આ ઉપરાંત અહીં મામુ-ભાનજાની દરગાહનું મુસ્લિમ સ્થાનક વિશેષ ઉલ્લેખનીય છે. આ દરગાહમાં હઝરત ઇમામ નસીરુદ્દીન તેમજ તેના ભત્રીજા ઇબ્રાહિમની કબરો પણ છે.

આ શહેરમાં તાર-ટપાલ કચેરી, ટેલિફોન ઍક્સ્ચેન્જ, વિશ્રામગૃહ, પશુદવાખાનું, સિવિલ હૉસ્પિટલ, ચિકિત્સાલય, વાઢકાપનાં સાધનો તેમજ તક્નીકી સાધનોની સંસ્થા તથા શિક્ષણસંસ્થાઓ આવેલાં છે. પ્રવાસન ખાતાએ આ શહેરમાં ‘ચકોર’ નામનું પ્રવાસી-સંકુલ વિકસાવ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા