સોનાલી જહાજ : ભાવેન બરુઆ (જ. 1940) રચિત કાવ્યસંગ્રહ. ‘સોનાલી જહાજ’ 1977માં પ્રગટ થયો હતો. આ કૃતિને 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1978માં તેને ખ્યાતનામ પબ્લિકેશન બોર્ડ ઍવૉર્ડથી પણ સન્માનિત કરાયો છે. માનવીનું આંતર-વિશ્વ અથવા માનવીનું અબુધ મન કવિનો મુખ્ય પ્રેરણાસ્રોત છે. આ કાવ્યોમાં 1963થી 1965 દરમિયાન તેમની સર્જનાત્મક શક્તિને જગાડનાર કાવ્યમય વિચારોની પર્યાપ્ત અભિવ્યક્તિની પ્રતીતિ થાય છે.

આ સંગ્રહમાં બરુઆનાં કેટલાંક મહત્વનાં પાસાં ‘શારામ્રામ’, ‘બર્નાન્નકન’, ‘નીલા બોટાહજક’, ‘અંધરાર હાટ’, ‘આશારુહી’ અને ‘સુદર્શન’ જેવાં વિવિધ શીર્ષકો હેઠળનાં કાવ્યોને વર્ગીકૃત કરીને દર્શાવ્યાં છે. દરેક શીર્ષક સ્પષ્ટ અને અલગ ગુચ્છ માટેનું છે.

તેમનાં કાવ્યોની રચના સંબંધમાં કવિએ અવનવા પ્રયોગો કર્યા છે. છાંદસ અને અછાંદસ – ગદ્યના લયપ્રયોગો; મુક્તકાદિ કાવ્યપ્રકારો; નાટ્યાત્મકતા તથા ભાવાત્મકતાવાળી તેમજ વ્યંગાત્મક નિરૂપણરીતિઓ વગેરેનું વૈવિધ્ય એમના રચનાવિધાનમાં છે. તેઓ કાવ્યમાં રોજબરોજની બોલચાલની ભાષાનો પ્રયોગ પણ કરે છે. તેઓ શબ્દોની જાદુઈ શક્તિ પ્રત્યે પણ સારી રીતે સજાગ છે.

આમ આ કૃતિ યુદ્ધોત્તર અસમિયા કાવ્યમાં નોંધપાત્ર ઉમેરો કરે છે અને તેથી અસમિયા કવિતામાં તે અનન્ય પ્રદાન લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા