સોડિયમ ક્લોરાઇડ

January, 2009

સોડિયમ ક્લોરાઇડ : સોડિયમ અને ક્લોરિનનું લાક્ષણિક (archetypal) આયનિક સંયોજન. સામાન્ય મીઠાનું અથવા મેજ-મીઠા(table salt)નું તે શુદ્ધ સ્વરૂપ છે. રાસાયણિક સૂત્ર NaCl. કુદરતમાં તે સૈંધવ (rock salt) અથવા હેલાઇટ (halite) ખનિજ તરીકે તેમજ ક્ષારીય જળ (brine waters) તથા દરિયાના પાણીમાં મળી આવે છે. દરિયાના પાણીમાં NaClનું પ્રમાણ લગભગ 2.6 % હોય છે, જે પાણીમાં ઓગળેલા કુલ ક્ષારોના 77 % જેટલું હોય છે.

આદર્શ રીતે સોડિયમ ધાતુ ઉપર શુષ્ક હાઇડ્રોજન અને ક્લોરિનની પ્રક્રિયાથી તે મેળવી શકાય છે. સોડિયમ હાઇડ્રૉક્સાઇડ(NaOH)ના દ્રાવણનું હાઇડ્રૉક્લોરિક ઍસિડ (HCl) વડે તટસ્થીકરણ કરતાં NaClનું દ્રાવણ મળે છે. NaOH + HCl = NaCl + H2O. જોકે ઔદ્યોગિક ઉત્પાદન માટે સામાન્ય મીઠાના સંતૃપ્ત દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા તે મેળવવામાં આવે છે. સામાન્ય મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરવાથી પણ NaCl અવક્ષિપ્ત થાય છે.

સોડિયમ ક્લોરાઇડ પારદર્શક (transparent) સ્ફટિકો રૂપે અથવા સફેદ ભૂકારૂપ, સ્વાદે ખારો પદાર્થ છે. પાણીમાં ઓગાળતાં દ્રાવણમાં Na+ અને Cl આયનો ઉત્પન્ન થાય છે. NaClની સાપેક્ષ ઘનતા 2.17, ગ.બિં. 801° સે. અને ઉ.બિં. 1413° સે. છે. તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય જ્યારે આલ્કોહૉલમાં ઘણો ઓછો દ્રાવ્ય હોય છે. ઠંડા પ્રદેશોમાં રસ્તા ઉપર જામેલો બરફ દૂર કરવા માટે મીઠું છાંટવામાં આવે છે, કારણ કે મીઠાની હાજરીમાં પાણીનું ઠારબિંદુ નીચું જાય છે.

સલ્ફ્યુરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી તે સોડિયમ સલ્ફેટ અને હાઇડ્રૉક્લોરિક ઍસિડ ઉત્પન્ન કરે છે. સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ અને મૅન્ગેનીઝ ડાયૉક્સાઇડ (ઉપચાયક) સાથે ગરમ કરવાથી તે ક્લોરિન વાયુ આપે છે :

ઔદ્યોગિક દૃષ્ટિએ સોડિયમ ક્લોરાઇડ અથવા શુદ્ધ મીઠાનો ઉપયોગ સોડિયમની નીપજો બનાવવામાં વધુ થાય છે; દા.ત., સોડિયમ કાર્બોનેટ માટેની સોલ્વે વિધિમાં, સોડિયમ હાઇડ્રૉક્સાઇડ માટેની કાસ્ટનર-કેલ્નર (Castner-Kellner) પ્રવિધિમાં. પિગાળેલા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુતવિભાજન કરીને સોડિયમ અને ક્લોરિન મેળવવામાં આવે છે. ખાદ્ય પદાર્થોના પરિરક્ષણ (preservation) તથા તેમને સ્વાદિષ્ટ બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. જૈવિક પ્રણાલીઓમાં વિદ્યુતવિભાજ્યો(electrolytes)ના સંતુલનમાં તે અગત્યનો ભાગ ભજવે છે.

જ. દા. તલાટી