સોડઢલ : સોલંકી કાલ દરમિયાન 11મી સદીમાં લાટ દેશના કાયસ્થ કવિ. તેમણે લખેલ ‘ઉદયસુંદરીકથા’ના આરંભમાં પોતાના કુલના ઉત્પત્તિસ્થાન વલભીનગરને સકલ ભુવનના ભૂષણરૂપ, ‘વલભી’ એવા પ્રસિદ્ધ નામથી રમ્ય અને અસીમ ગુણ ધરાવનાર રાજધાની તરીકે વર્ણવ્યું છે. કવિ સોડઢલે ‘ઉદયસુંદરીકથા’માં વલભીપતિ શીલાદિત્ય અને ઉત્તરાપથસ્વામી ધર્મપાલ વચ્ચે થયેલા યુદ્ધનો વૃત્તાંત વર્ણવ્યો છે. લાટરાજ વત્સરાજની પ્રેરણાથી કવિ સોડઢલે ‘ઉદયસુંદરીકથા’ની રચના કરી હતી. તે બાણની ‘કાદંબરી’ની શૈલીએ રચાયેલી સરસ કવિત્વપૂર્ણ, ગદ્યબદ્ધ ચંપૂકથા છે.

કથાના આરંભમાં કવિએ પોતાના વંશનો પરિચય આપતાં વલભીમાંથી પોતાના કાયસ્થ કુળની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની વિગતો આપી છે. આ કવિ કોંકણ પ્રદેશના શિલાહારવંશીય રાજાઓના પરિચયમાં આવતાં તેમની સભામાં પણ કવિને સારો સત્કાર મળ્યો હતો. કવિના મિત્રોમાંના એક ચંદનાચાર્યે ‘અશોકવતીકથા’ નામનો ગ્રંથ રચ્યો છે. તેમના બીજા મિત્ર વિજયસિંહસૂરિને નાગાર્જુન રાજાએ ‘ખડ્ગાચાર્ય’ના બિરુદથી પ્રસિદ્ધ કર્યા છે. એ બંને શ્વેતાંબર જૈનાચાર્ય હતા.

જયકુમાર ર. શુક્લ