સોઢલ (વૈદ્ય) : ગુજરાતમાં 12મા શતકમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વૈદ્ય. તેઓ વૈદક ઉપરાંત જ્યોતિષવિદ્યાના પણ પંડિત હતા. તેમણે ‘ગુણ-સંગ્રહ’ નામે એક નિઘંટુ (વનસ્પતિશાસ્ત્રનો કોશ) તથા ‘ગદનિગ્રહ’ નામે એક ચિકિત્સાગ્રંથ લખેલ છે.

વૈદ્ય સોઢલે પોતે રચેલા નિઘંટુના અંતે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે વત્સગોત્રના રાયકવાળ બ્રાહ્મણ વૈદ્ય નન્દનના પુત્ર અને સંઘદયાળુના શિષ્ય છે. તેમણે પોતાની ‘ગદનિગ્રહ’ની હસ્તપ્રતમાં જ્યોતિષશાસ્ત્રી તરીકે પણ ઓળખાણ આપી છે.

ગુજરાત પાટણના રાજા ભીમદેવ બીજાએ સોઢલને વિ. સં. 1256માં એક તામ્રપત્ર દ્વારા દાન આપેલું; જેમાં લખાયું છે કે ‘રાયકવાળ જ્ઞાતિના બ્રાહ્મણ જ્યોતિ(ષી) સોઢલના પુત્રને દાન આપવામાં આવે છે.’ આ ઉપરથી સોઢલનો સમય ઈ. સ. 12મા શતકનો પાછલો ભાગ કે 13મી શતાબ્દીનો પ્રારંભિક સમય હશે તેમ મનાય છે. આયુર્વેદ અને જ્યોતિષ બંનેનો ઘનિષ્ઠ સંબંધ બ્રાહ્મણોમાં ખાસ જોવા મળે છે. એ રીતે એ બંને શાસ્ત્રોનું જ્ઞાન વૈદ્ય સોઢલને હતું. વળી રાયકવાળ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમાં જ વસતી હોઈ, વૈદ્ય સોઢલ ગુજરાતી હોવાનું નિશ્ચિતપણે મનાય છે.

વૈદ્ય પંડિત સોઢલે રચેલ ‘ગદનિગ્રહ’માં કુલ 10 ખંડો છે. આ ગ્રંથ ‘શાર્ઙગધરસંહિતા’ કરતાં જૂનો છે. તેના પ્રથમ પ્રયોગખંડમાં તેમણે શાર્ઙગધરના મધ્યમ ખંડની જેમ જ ચૂર્ણ, ગુટિકા, અવલેહ વગેરેની બનાવટોના પાઠ વિવિધ ગ્રંથોમાંથી લઈ અહીં તેમનો સંગ્રહ આપ્યો છે. વળી તેમાં ‘શાર્ઙગધરસંહિતા’ની જેમ રસો(પારદ-ખનિજ ધાતુઓ)નો ઉલ્લેખ નથી. ‘ગદનિગ્રહ’ના બાકીના 9 ખંડોમાં કાયચિકિત્સા, શાલાક્ય, શલ્ય, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય, અગદતંત્ર, રસાયન, વાજીકરણ અને પંચકર્માધિકારના વિભાગો છે. તેમાં શરૂઆતમાં રોગોનું સંક્ષિપ્ત નિદાન અને પછી તેની ચિકિત્સા લખેલી છે. સોઢલ વૈદ્યને ‘માધવ નિદાન’ તથા ‘વૃન્દ’ના ગ્રંથોનું જ્ઞાન હતું; પરંતુ તેમને પોતાના સમકાલીન બંગાળી વૈદ્ય-લેખક ચક્રદત્ત તથા બંગસેનની જાણ નહોતી. તેનું કારણ તે બંગાળથી ખૂબ દૂર ગુજરાતમાં રહેતા હતા અને તેમને બંગાળી લેખકો કે તેમના બંગાળી ગ્રંથો વિશે ભાષાકીય જ્ઞાન નહોતું – તે આપવામાં આવે છે.

ગુજરાતી વૈદ્ય સોઢલના ‘ગુણસંગ્રહ’માં બીજા હિન્દી-મરાઠીભાષી નિઘંટુ ગ્રંથોમાં ન હોય એવી અને ખાસ તો ગુજરાતમાં જ ઉત્પન્ન થતી ઘણી વનસ્પતિઓની નોંધ છે. આ વનસ્પતિઓનાં નામો પણ હાલમાં પ્રચલિત ગુજરાતી વનસ્પતિઓનાં નામોને મળતાં આવે છે.

12મા શતકના આ ગુજરાતી ગ્રંથકાર-વૈદ્ય સોઢલે ચિકિત્સાથી સામાન્ય ઔષધપ્રયોગોને જુદા પાડવાની પહેલ કરી હતી, જે એમની વિશેષતા નોંધપાત્ર ગણાય છે. સોઢલે પોતાના ચિકિત્સાગ્રંથમાં પ્રાચીન સંહિતાઓના ધોરણે કાયચિકિત્સા, શલ્ય-શાલાક્ય જેવા વિભાગો રાખેલા છે ખરા; પરંતુ તેમણે આ વિભાગો પાડવામાં કેટલીક ગરબડ પણ કરી છે; દા.ત., અશ્મરી (પથરી) જેવા શલ્યતંત્ર(સર્જરી)ના રોગને તેમણે ‘કાયચિકિત્સા’(મેડિસિન)માં રજૂ કર્યો છે. વળી ગ્રંથિ, અપચી, સદ્યોવ્રણ જેવા શલ્યક્રિયા(ઑપરેશન)સાધ્ય દર્દોને શાલાક્યતંત્રના નેત્રરોગાદિ પછી રજૂ કરીને માધવ તથા વૃંદના ક્રમમાં ફેરફાર કર્યો છે. શલ્યચિકિત્સા તો (આયુર્વેદના મૂળ ગ્રંથોના) શલ્યાધિકારમાં ક્યાંય નથી.

વૈદ્ય સોઢલના વૈદકીય ગ્રંથો ‘શાર્ઙગધરસંહિતા’ કરતાંય જૂના અને અગત્યના હોવા છતાં એમનો પ્રચાર તેમની જન્મભૂમિ ગુજરાતમાં કે અન્યત્ર વિશેષ જોવામાં આવતો નથી એ એક હકીકત છે.

 બળદેવપ્રસાદ પનારા