સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે છે. તેમનો વડો ‘ખુશકદમ’ હતો; પરંતુ લેખકે તેને ‘બદકદમ’ કહ્યો છે. સૈફખાન સહિત તમામ કાવતરાખોરોને અનુગામી સુલતાન બહાદુરશાહે પકડ્યા. એમાં તમામની સાથે સૈફખાનને પણ ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવ્યો.

સૈફખાન-2 (બહાદુરશાહ) (1526-37) : ગુજરાતના સુલતાન બહાદુરશાહનો અમીર. બહાદુરશાહે રાજ્યગાદીએ આવ્યા પછી જે અમીરોને વિવિધ ખિતાબો એનાયત કર્યા તેમાં એક પિસરે મલિક તુગલક હતો. જેને ‘સૈફખાન’નો ખિતાબ આપવામાં આવ્યો અને ગુજરાતના ઇતિહાસમાં તે આ નામથી જ જાણીતો થયો. ‘તારીખે બહાદુરશાહી’ના કર્તાએ આપેલાં સુલતાન બહાદુરશાહના અમીરોનાં નામોમાં ઓગણીસમું નામ આ સૈફખાનનું છે. ‘મિરાતે અહમદી’ પણ આવી જ માહિતી આ સૈફખાન વિશે આપે છે.

સૈફખાન-3 : નૂરજહાંનો ભાણેજ અને બંગાળના સૂબેદાર ઇબ્રાહીમખાન ફતેહજંગનો પુત્ર. નૂરજહાંને પોતાને કોઈ પુત્ર ન હોવાથી આ સૈફખાનને દત્તક લીધો હતો. તેથી તેનાં ઉછેર અને લાલનપાલન દિલ્હીના મુઘલ રાજમહેલમાં અન્ય શાહજાદાઓ સાથે થયાં. પરિણામે તે અભિમાની બની ગયો. પાછળથી તેને વર્ધમાન નામના નાના પરગણાનો સૂબો બનાવવામાં આવ્યો હતો. અહીંયાં એક વખત તે હાથી પર સવાર થઈને જતો હતો ત્યારે તેના હાથીના પગ તળે એક ગરીબનું સંતાન કચડાઈને મરી ગયું. પેલા ગરીબે આની ફરિયાદ કરી, પરંતુ સૈફખાને ધ્યાન આપ્યું નહિ. મુઘલ સમ્રાટ જહાંગીરને આની જાણ થઈ ત્યારે તેણે મહાવતને સજા કરવા હુકમ કર્યો; પરંતુ સૈફખાને મહાવતને સજા કરવાને બદલે પેલા મૃત બાળકનાં માતાપિતાને જ કેદ કર્યાં. આ સમાચાર સાંભળતાં જ સમ્રાટ ક્રોધાયમાન થઈ ગયો અને સૈફખાનને લાહોર બોલાવીને પેલાં ગરીબ માબાપની નજર સામે જ હાથીના પગ તળે કચડાવીને મારી નાખ્યો.

સૈફખાન-4 : મુઘલ સરદાર અમાનતખાનનો પુત્ર. શાહજહાંની બેગમ મુમતાઝમહલની મોટી બહેન મલિકાબાનુનો પતિ. ઈ. સ. 1628થી 1632 સુધી બિહારનો સૂબેદાર. ત્યારબાદ અલ્લાહાબાદના સૂબેદાર તરીકે બદલાયો. 1632માં પટણાની મુલાકાત લેનાર યુરોપીય પ્રવાસી પીટર મુન્ડી તેની અસાધારણ પ્રતિભાનાં વખાણ કરે છે. તે બિહારનો લોકપ્રિય શાસક બની રહ્યો. પટણામાં તેણે તૈયાર કરાવેલ સાર્વજનિક ઇમારતોનો અહેવાલ મઆસિર-ઉલ્-ઉમરાનો કર્તા આપે છે. તેણે ગંગાકિનારે એક અરબી મદરેસા, મસ્જિદ અને બગીચો બનાવડાવ્યાં હતાં. આ ઉપરાંત મોંઘીર પાસે પોતાના નામનું ‘સફીયાબાદ’ નગર પણ વસાવ્યું હતું.

તેનું મૂળ નામ મુહમ્મદ સાફીખાન હતું; પરંતુ ગુજરાતમાં શાહજહાંનો વિદ્રોહ કચડવાની મહત્ત્વની કામગીરી પાર પાડવા માટે સમ્રાટ જહાંગીરે તેને ‘નવાબ સૈફખાન જહાંગીરશાહી’નો ખિતાબ આપ્યો. ત્યારથી તે સૈફખાન નામે પ્રસિદ્ધ થયો.

સાફીખાન(સૈફખાન)ની ગુજરાતમાંની કામગીરી દીર્ઘસૂત્રી રહી છે. મુઘલ સમ્રાટ જહાંગીરે ઈ. સ. 1616માં મુકર્રબખાનને ગુજરાતના સૂબેદાર તરીકે નીમ્યો, પરંતુ તેને વહીવટમાં રસ નહોતો. તદુપરાંત તેને યુદ્ધનો પણ કોઈ અનુભવ નહોતો તેથી એને મદદ કરવા માટે સાફીખાનને ગુજરાતના દીવાન અને બક્ષી તરીકે નીમવામાં આવ્યો. બે વર્ષ સુધી તેણે આ કામગીરી બજાવી.

ઈ. સ. 1618માં શાહજાદો શાહજહાં ગુજરાતના સૂબેદાર તરીકે નિમાયો. એણે પોતાના નાયબો તરીકે ગુજરાતમાં રુસ્તમખાન અને વિક્રમજિતને નીમ્યા, પરંતુ દીવાન તરીકે તો સાફીખાનને જ ચાલુ રખાયો.

ઈ. સ. 1623માં શાહજહાંએ પિતા જહાંગીર સામે વિદ્રોહ કર્યો; પરંતુ દખ્ખણના મોરચે પીછેહઠ કરતાં શાહજહાંએ ગુજરાતના નાયબ વિક્રમજિતના ભાઈ કાન્હડદેવ અને દીવાન સાફીખાનને ગુજરાતનો શાહી ખજાનો લઈને પોતાના માંડુના દરબારમાં આવવા આદેશ આપ્યો. આ શાહી ખજાનામાં સાફીખાને જહાંગીરને ભેટ આપવા માટે અમદાવાદમાં બનાવેલ પાંચ લાખ રૂપિયાની કિંમતનું રત્નજડિત સિંહાસન અને બે લાખ રૂપિયાની કિંમતનો પટો હતાં.

સાફીખાન શાહજહાંનો સાઢુભાઈ થતો હતો, છતાં તેણે સમ્રાટ જહાંગીર પ્રત્યે વફાદારી રાખી ગુજરાતમાં સમ્રાટને વફાદાર સરદારોની મદદથી અમદાવાદ કબજે કર્યું. ઈડરના રાજા કલ્યાણ સહિત બધા ખંડિયા રાજાઓને અમદાવાદમાં આવવા અને સમ્રાટના પક્ષે રહી ગુજરાતનું રક્ષણ કરવા આદેશ આપ્યો.

આ બાજુ માંડુમાં શાહજહાંને અમદાવાદમાં જહાંગીરની તરફદારી કર્યાના સમાચાર મળતાં પોતાના વિશ્વાસુ સેનાપતિ અબ્દુલ્લાખાનને શાહજહાંએ ગુજરાત જીતવા રવાના કર્યો; પરંતુ અમદાવાદ પાસેના જેતલપુર ગામ નજીક સાફીખાન સામે તે હારી ગયો. દીવાન સાફીખાને મેળવેલા આ વિજયથી અમદાવાદની સમગ્ર પ્રજાએ જાણે ગુલામીમાંથી મુક્તિ મેળવી હોય તેવો આનંદ વ્યક્ત કર્યો.

બલૂચપુરના નિર્ણાયક યુદ્ધમાં શાહજાદાને હરાવી જહાંગીરે શાહજાદા ખુશરૂના પુત્ર દાવરબક્ષની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક કરી. દાવરબક્ષની ઉંમર પંદર વર્ષની હોવાથી તેના વાલી તરીકે વૃદ્ધ મીરઝા અઝીઝ કોકાને નીમવામાં આવ્યો; પરંતુ એ ગુજરાત આવે તે પહેલાં સાફીખાને વિદ્રોહીઓ પર વિજય મેળવી લીધો હતો. આવી સમ્રાટતરફી યશસ્વી કામગીરી પાર પાડવા માટે સાફીખાનને ‘સૈફખાન’નો ખિતાબ આપવામાં આવ્યો.

ઈ. સ. 1627માં જહાંગીરનું અવસાન થયું અને શાહજહાં જ સમ્રાટ બન્યો. આમ છતાં થોડા સમય માટે ગુજરાતનું દીવાનપદ તો સૈફખાન પાસે જ રહ્યું. પાછળથી નવા સમ્રાટે ગુજરાતનો વહીવટ સૈફખાન પાસેથી લઈ નાદિરખાન નામના પોતાના વિશ્વાસુ અમીરને સોંપવા હુકમ કર્યો. એ વખતે સૈફખાને પથરીનું ઑપરેશન કરાવ્યું હોવાથી પથારીવશ હતો; પરિણામે શાહજહાંના સમ્રાટપદને આવકારતો કોઈ સંદેશો મોકલી શક્યો નહોતો, પરિણામે તેને કેદ કરવામાં આવ્યો; પરંતુ સમ્રાટની બેગમ મુમતાઝમહલનો તે બનેવી થતો હોવાથી તેમજ પોતાની એક પુત્રી શાહજાદા સુજા સાથે પરણાવી હોવાથી તેને તુરત જ કેદમુક્ત કરવામાં આવ્યો; એટલું જ નહિ, ફરી એક વાર સૈફખાનને ગુજરાત મોકલ્યો, જ્યાં તેણે 1635-36ના ટૂંકા ગાળા પૂરતી સૂબેદારી સ્વીકારી; પરંતુ તેણે ગુજરાતના કોળીઓ, કાઠીઓ અને ખંડિયા રાજાઓની વિદ્રોહી પ્રવૃત્તિ તરફ ઉદાસીનતા સેવી, તેથી તેની જગ્યાએ ખાન આઝમ ગુજરાતનો સૂબેદાર બન્યો.

ઈ. સ. 1640માં તેનું મરણ થયું. કોઈ કવિએ ‘સૈફખાં મુરહદ’ શબ્દો પરથી આ વર્ષ કાઢ્યું છે. તે બુખારી સૈયદોનો શિષ્ય હતો, તેથી તેને શાહઆલમના રોજા પાસે દફન કરવામાં આવ્યો. તે ઘણો વિચારવંત, ઠરેલ અને ડાહ્યો પુરુષ હતો.

ગુજરાતમાં સૈફખાન તેણે બંધાવેલ ઇમારતો માટે અમર રહેશે. શાહજહાં-સમર્થક વિદ્રોહી સરદાર અબ્દુલાખાન ફિરોજ જંગ સામે પોતે મેળવેલ વિજયની યાદમાં તેણે જેતલપુર ગામ પાસે જિતબાગ બનાવ્યો. આ બાગ તેના નામ પરથી સૈફબાગ તરીકે પણ ઓળખાતો હતો. તે એટલો સુંદર હતો કે તેને જન્નત બાગ પણ કહેતા. યુરોપી પ્રવાસી મેન્ડેલ્સ્લોએ આ બાગ તૈયાર થયા પછી પંદર વર્ષે તેની મુલાકાત લીધેલી. તેની નોંધ પ્રમાણે બાગ સુંદર જગ્યાએ હતો. એમાં ઉત્તમ ફળો પાકતાં હતાં ને એ નદીને કાંઠે હતો. એમાં અનેક શમિયાણા હતા. ત્યાં મુસાફિર-સરાઈ (ધર્મશાળા) પણ હતી. નારંગી, લીંબુ, દાડમ, ખજૂર, બદામ, મલબારી આંબા જેવાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. આ વૃક્ષો એટલાં પાસપાસે વાવેલાં હતાં કે એની છાયા નીચે તડકાના ત્રાસ વિના આખા બાગમાં ફરી શકાતું.

જહાંગીરે ગુજરાતની મુલાકાત લીધી ત્યારે અમદાવાદમાં સમ્રાટને રહેવા લાયક કોઈ મહેલ નહોતો. કાંકરિયા તળાવ ખરાબ સ્થિતિમાં હતું. એને સૈફખાને સમરાવ્યું અને બીજાં મકાનો પણ બંધાવ્યાં. શાહજહાંના હુકમથી ખાનપુરની દક્ષિણે બનાવેલ મહેલ, ભદ્રનું હમામખાનું અને શાહઆલમના નિર્માણમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. ‘મિરાતે અહમદી’ના કર્તાના નોંધ્યા પ્રમાણે સૈફખાને ભદ્રના કિલ્લા આગળની મસ્જિદ, મદરેસા અને ઔષધાલય (સફાખાના) બનાવ્યાં. એમાં મદરેસા તો ‘મદરેસાએ સૈફખાં’ નામે પ્રસિદ્ધ હતી. જોકે આ મદરેસા વગેરેનો પત્તો અત્યારે મળી શકતો નથી. એવું કહેવાય છે કે નાગોરી સરાય પાસે એક સૈફખાંના નામનો રસ્તો પણ હતો. શાહઆલમના રોજાની બાજુમાં આવેલ મુહમ્મદ સાલેહની મસ્જિદના મિનારાઓ ઈ. સ. 1620માં સૈફખાને પૂરા કરાવ્યા હતા. શાહઆલમસાહેબનો એ ભક્ત હોવાથી એમના રોજાની મરામત માટે પણ તેણે કેટલુંક ધન ખર્ચ્યું હતું. ખાસ કરીને સૈફખાન દ્વારા રોજાનું દીવાનખાનું તથા અંદરના ભાગનો જીર્ણોદ્ધાર કરાયો હતો.

ઈશ્વરલાલ ઓઝા