સૈન્ધવ રાજ્ય

February, 2008

સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ આક્રમણને કારણે સિંધદેશ છોડી દરિયાવાટે સૌરાષ્ટ્રમાં આવ્યો હોવાનું જણાય છે. તે જ્યારે સિંધદેશમાં હતો ત્યારે સિંધુરાજ જયદ્રથનો વંશજ ગણાતો હોય; પરંતુ એના વંશજો સૌરાષ્ટ્રમાં સૈન્ધવ તરીકે (સિંધદેશના) જાણીતા થયા હશે એમ માનવામાં આવે છે. ‘સૈન્ધવ’ શબ્દ ‘સિંધુદેશ’ના નામ પરથી વ્યુત્પન્ન થયો છે. ક્યારેક આ વંશને જયદ્રથ વંશ પણ કહેવામાં આવે છે. આ જયદ્રથ સ્પષ્ટત: મહાભારતમાં જણાવેલો તે સિંધુરાજ જયદ્રથ છે. આ સૈન્ધવો પોતાનો મૂળ પ્રદેશ છોડીને દરિયાઈ માર્ગે પશ્ચિમ સૌરાષ્ટ્રના કિનારે ઊતર્યા હોવાનું માનવામાં આવે છે. પહેલાં શરૂઆતમાં મૈત્રક રાજ્યના સામંત તરીકે પુષ્યેણ વલભી મહાસેનાપતિનો અધિકાર ભોગવતો હતો. પછી તેણે ભાણવડ પાસે ‘ભૂતામ્બિલિકા’ નામની રાજધાની સ્થાપી હતી, જેને આજે ઘૂમલી તરીકે ઓળખવામાં આવે છે. ઘૂમલીમાંથી આ વંશના 6 દાનપત્રો મળ્યાં છે. એ દાનપત્રો પણ તેમની ઉપર્યુક્ત હકીકતોનું સમર્થન કરે છે. આ દાનશાસનોની ઉપલબ્ધ મિતિ પરથી આ રાજ્યનો ઉદય 8મી સદીના પૂર્વાર્ધમાં થયેલો જાણી શકાય છે. એમનો મુખ્ય પ્રદેશ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સમુદ્રતટ સુધી પ્રસરેલો હતો. ઘૂમલીમાંથી મળેલાં દાનશાસનોમાંથી તેમની વંશાવળી પણ બનાવવામાં આવી છે, જે પુષ્યદેવથી શરૂ થાય છે. સૈન્ધવોનું રાજ્યપ્રતીક ‘મત્સ્ય’ હતું. આ રાજ્યની સત્તા નવમી-દસમી સદીમાં ઉત્તર પશ્ચિમે છેક દ્વારકા સુધી ને પૂર્વે છેક ગોંડલ સુધી પ્રસરેલી હોવી જોઈએ. સૈન્ધવોનાં તામ્રશાસનોમાં તો દક્ષિણ શૈલીની જગ્યાએ ઉત્તરી શૈલીની કુટિલ લિપિનો ઉપયોગ થયો છે, એ તેની વિશેષતા ગણાવી શકાય. આ સૈન્ધવ વંશના રાજાઓ પણ પોતાનાં નામને અંતે ‘રાજન્’ના પર્યાયવાચીરૂપ ‘દેવ’ શબ્દ લગાડતા દેખાય છે; દા.ત., પુષ્યદેવ સૈન્ધવોમાં પુષ્યેણ, પુષ્યદેવ, અગ્ગુક 1લો, રાણક 1લો વગેરે રાજાઓ થઈ ગયા.

પ્રદ્યુમ્ન ભ. ખાચર