સેલ્યુટ : અંતરિક્ષમાં મહિનાઓ જેટલા લાંબા સમય સુધી તેની કક્ષામાં રહી શકે તેવાં સોવિયેટ રશિયાનાં અંતરિક્ષ-મથકોની શ્રેણીમાંનું કોઈ પણ એક અંતરિક્ષ-મથક. સેલ્યુટ અંતરિક્ષ-મથકોમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા તથા અંતરિક્ષયાત્રીઓને રહેવા માટે વ્યવસ્થા હતી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગેગેરીનના મૃત્યુ બાદ તેને ‘સલામ’ આપવા માટે સોવિયેટ રશિયાના અંતરિક્ષ-મથકનું નામ ‘સેલ્યુટ’ (Salyut) રાખવામાં આવ્યું હતું. તેનું કાર્ય નીચે જણાવ્યા પ્રમાણે કરવામાં આવતું.

પૃથ્વી પરથી મોકલાતા ‘સોયુઝ’ (Soyuz) નામના સ-માનવ અંતરિક્ષયાનનું જોડાણ ‘સેલ્યુટ’ સાથે કરવામાં આવતું હતું અને યાત્રીઓની અદલાબદલી કરવામાં આવતી હતી, જેથી ‘સેલ્યુટ’માં કાર્ય કરતા યાત્રીઓ ‘સોયુઝ’ યાનમાં પૃથ્વી પર પાછા જાય અને તેમનું સ્થાન નવા યાત્રીઓ લે. એ જ રીતે, ‘સેલ્યુટ’ માટે જરૂરી સામગ્રીનો પુરવઠો પહોંચાડવા માટે ‘પ્રોગ્રેસ’ નામના માનવરહિત અંતરિક્ષયાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ‘સેલ્યુટ’ અને ‘સોયુઝ’ના જોડાણ સાથે સમગ્ર યાનની લંબાઈ 23 મીટર, વજન 25 ટન અને યાત્રીઓના રહેઠાણ માટે લગભગ 100 ઘન મીટર જેટલી જગા મળતી હતી. ‘સેલ્યુટ’ અંતરિક્ષ-મથકમાં કરવામાં આવતા વૈજ્ઞાનિક પ્રયોગોમાં ભૂ-અવલોકન, જીવ-વૈજ્ઞાનિક અભ્યાસ અને ખગોળ-વિષયક અવલોકનો વગેરેનો સમાવેશ થતો હતો. ‘સેલ્યુટ’ શ્રેણીનાં કુલ સાત મથકોનાં ઉડ્ડયનની વિગતો નીચે પ્રમાણે છે :

19 એપ્રિલ, 1971ના રોજ દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષ-મથક ‘સેલ્યુટ-1’ને પૃથ્વીની નજીકની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. એ કક્ષામાં પૃથ્વીથી તેનું ન્યૂનતમ અંતર લગભગ 200 કિમી. હતું. એ સમયે સેલ્યુટ1માં કોઈ અંતરિક્ષયાત્રી હતા નહિ. પાંચ દિવસ બાદ ત્રણ યાત્રીઓ સાથેના સોયુઝ-10 અને સેલ્યુટ-1નું અંતરિક્ષમાં જોડાણ કરવામાં આવ્યું હતું, પરંતુ યાત્રીઓ સોયુઝ-10માંથી સેલ્યુટ1માં ગયા નહોતા. જોડાણ બાદ બંને યાનોનું સંલગ્ન ઉડ્ડયન લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારપછી સોયુઝ-10ને અલગ કરવામાં આવ્યું હતું અને 25 એપ્રિલ, 1971ને રોજ ત્રણ યાત્રીઓ સાથે પૃથ્વી પર તેનું ઉતરાણ થયું હતું. ત્યારબાદ માનવરહિત સેલ્યુટ-1નું અંતરિક્ષ-ઉડ્ડયન સ્વયંસંચાલિત રીતે ચાલુ રહ્યું હતું.

ત્યારબાદ 6 જૂન, 1971ના રોજ ત્રણ અંતરિક્ષયાત્રીઓ સાથે સોયુઝ-11 યાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં સેલ્યુટ-1 સાથે તેનું જોડાણ કર્યા બાદ તેના ત્રણ અવકાશયાત્રીઓએ સેલ્યુટ-1માં 23 દિવસો સુધી કાર્ય કર્યું હતું. ત્યારપછી અંતરિક્ષયાત્રી સોયુઝ-11માં ગયા હતા અને તેને સેલ્યુટ1થી અલગ કરીને પૃથ્વી પર ઉતરાણ કરવાનું ચાલુ કર્યું હતું; પરંતુ, સોયુઝ-11ની અંદર હવાનું દબાણ અચાનક ઘટી જવાથી ઉતરાણ સમયે ત્રણેય અંતરિક્ષયાત્રીઓ મૃત હાલતમાં હતા.

સેલ્યુટ

ત્યારપછીનાં સેલ્યુટ-મથકોની વિગતો નીચે પ્રમાણે છે :

1974 દરમિયાન સેલ્યુટ-2 પ્રક્ષેપિત થયા પછી તરત જ તૂટી પડ્યું હતું. સેલ્યુટ3 (1974) તથા સેલ્યુટ5(1976)નો ઉપયોગ મુખ્યત્વે સંરક્ષણ હેતુ માટે કરવામાં આવ્યો હતો. સેલ્યુટ4 (1974), સેલ્યુટ6 (1977) અને સેલ્યુટ-7(1982)માં વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા હતા. સેલ્યુટ-6 અને સેલ્યુટ-7માં ઘણા સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. જોડાણ માટે આગળ અને પાછળ, એમ બંને બાજુ પર વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઈંધણ ભરવા માટેની વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. યાત્રીઓને રહેવા માટે વધારે સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. આના સંદર્ભમાં અંતરિક્ષયાત્રાની અવધિ પણ વધી હતી. સોવિયેત રશિયાના યાત્રીઓ સેલ્યુટ-7માં 237 દિવસ રહ્યા હતા; જે તે સમયનો વિક્રમ હતો. ખાસ નોંધવું જોઈએ કે ભારત-રૂસી સંયુક્ત અંતરિક્ષ કાર્યક્રમ અંતર્ગત ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી સ્ક્વૉડ્રન લીડર રાકેશ શર્માએ એપ્રિલ 1984 દરમિયાન સેલ્યુટ-7માં એક અઠવાડિયાની અંતરિક્ષયાત્રા કરી હતી. 1991 દરમિયાન સૂર્યની અધિક સક્રિયતાને કારણે સેલ્યુટ-7 વાતાવરણમાં પ્રવેશીને સળગી ગયું હતું.

પરંતપ પાઠક