સેફેરિઝ, જ્યૉર્જ (Giorgos Seferis) [જ. 13 માર્ચ 1900, સ્મિર્ના, આનાતોલિયા, ઓત્તોમાન એમ્પાયર (ઝમિર, તૂર્કી); અ. 20 સપ્ટેમ્બર 1971 એથેન્સ, ગ્રીસ] : ગ્રીક કવિ, નિબંધકાર અને રાજનીતિદક્ષ. સંસ્કૃતિના પ્રાચીન વિશ્વ (ગ્રીક) માટેની ઊંડી સંવેદનાથી પ્રેરાઈને લખાયેલી વિશિષ્ટ ઊર્મિકવિતા માટે તેમને 1963ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

જ્યૉર્જ સેફેરિઝ

સેફેરિઝે સ્મિર્નાની શાળામાં અભ્યાસ શરૂ કર્યો અને  એથેન્સની વ્યાયામશાળામાં પૂરો કર્યો હતો. 1918માં તેમનો પરિવાર પૅરિસમાં સ્થાયી થયો. એ પછી સેફેરિઝે યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં કાયદાનો અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમને કાવ્યસર્જનમાં રસ પડ્યો. 1925માં તેઓ એથેન્સ પાછા ગયા. એ પછીના વર્ષે તેઓ રૉયલ ગ્રીક વિદેશ મંત્રાલયમાં પ્રવેશ્યા. અહીંથી તેમની લાંબી સફળ રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. આ સમયગાળામાં તેમણે ઇંગ્લૅન્ડ (1931-1934) અને આલ્બેનિયા (1936-1938)માં જુદા જુદા હોદ્દાઓ સંભાળ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મુક્ત ગ્રીક સરકાર સાથે દેશનિકાલ થતા તેઓ ક્રેટ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા અને ઇટાલી ગયા. 1944માં   એથેન્સને સ્વતંત્રતા અપાવી પાછા ફર્યા. તેમજ વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા રહ્યા. જુદા જુદા રાજકીય હોદ્દા પર સેવાઓ આપતા રહ્યા. તેમણે અંકારામાં (1948-1950) અને લંડનમાં (1951-1953) સેવાઓ આપી. એ પછી તેઓ લેબેનોન, સીરિયા, જૉર્ડન અને ઇરાકમાં (1953-1956) પ્રધાનપદે નિયુક્ત થયા. ત્યારબાદ 1957-1961 દરમિયાન તેઓ યુનાઇટેડ કિંગ્ડમના રૉયલ ગ્રીક રાજદૂત તરીકે નિયુક્ત થયેલા. તેમને કેમ્બ્રિજ (1960), ઓક્સફર્ડ (1964), સાલોનિકા (1964) યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરલ પદવી આપવામાં આવી હતી.

કાયદાનો અભ્યાસ કરતા કરતા તેમના કાવ્યસર્જનની શરૂઆત થઈ હતી. તેમણે કાવ્ય સાહિત્યનું અધ્યયન કર્યું. યુદ્ધ દરમિયાન ગ્રીસની ખરાબ રીતે થયેલી હાર અને ચારે તરફ હિંસાત્મક હુલ્લડોને કારણે સેફરિઝનું કવિહૃદય ખળભળી ઊઠ્યું હતું. તેમની ઊર્મિસભર કવિતા એની સાક્ષી છે. તેમનું કાવ્યસર્જન ચાલતું રહેલું પરંતુ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ટર્નિંગ પૉઇન્ટ’ 1931માં પ્રગટ થયો. ગ્રીક વિવેચકોને સેફેરિઝની કવિતામાં સંયમિત સભાનતા, આધુનિકતા અને પરંપરા સાથેની બંડખોરવૃત્તિ જણાઈ. 1932માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘મીથ ઑવ્ અવર હિસ્ટ્રી’ અને  ત્રીજો 1936માં ‘જીમ્નોપીડિયા’ પ્રકાશિત થયા. 1940માં બુક ઑવ્ એક્સરસાઇઝ તથા 1940થી 1955 દરમિયાન ‘લૉગબુક’ના ત્રણ ભાગ પ્રકાશિત થયા. આ સંગ્રહ પરથી સેફેરિઝની કવિતામાં નવીન પરિવર્તન જોવા મળે છે. તેમના કાવ્યસર્જનમાં શુદ્ધ કવિતાનો પ્રભાવ જોવા મળે છે. તેમની કવિતામાં કર્ણપ્રિય શબ્દો સહજ રીતે આવે છે. તેમાં માનવજીવનની વાસ્તવિકતાનો સ્વીકાર પણ છે.

સેફેરિઝ એ ત્રીસી (1930s)ના સમયગાળાના એક નોંધપાત્ર કવિ હતા. તેમણે આધુનિક ગ્રીક સાહિત્યમાં પ્રતીકવાદનો પરિચય કરાવ્યો. તેમની ઊર્મિશીલતા અને નવીન કાવ્યબાનીએ ગ્રીક કવિતાને નવીન ધબકાર આપ્યો.

આ ઉપરાંત સેફેરિઝે નિબંધો લખ્યા છે, તેમજ અમેરિકન, અંગ્રેજી અને ફ્રેંચ કવિતાઓના અનુવાદ કરેલા છે.

ઊર્મિલા ઠાકર