સેન ગણનાથ પંડિત

January, 2008

સેન, ગણનાથ પંડિત (. . . 1877; . 1944) : સંસ્કૃતના અને આયુર્વેદના બંગાળી વિદ્વાન. ભારતમાં વિદેશી શાસનકાળ દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે 18મી-19મી સદીમાં ભારે અંધકાર-યુગ હતો. આ સમયે આયુર્વેદના ઉત્થાન માટે તાતી આવશ્યકતા હતી. આવા સમયે ભારતના સંસ્કૃતજ્ઞ ઘણા વિદ્વાનોને આયુર્વેદની પ્રગતિ માટે જરૂરી વૈદકવિદ્યાના ગ્રંથોની ખાસ આવશ્યકતા હતી, તેવા સમયે બીજા અનેક વિદ્વાનોની હરોળમાં રહી ગણનાથ સેને આયુર્વેદ-જગતને શિક્ષણ તથા વ્યવસાય બંનેમાં ઉપયોગી થાય તેવા અનેક સુંદર ગ્રંથો લખ્યા અને અનુવાદ પણ કર્યા. તેઓ સંસ્કૃતના મોટા વિદ્વાન હતા, જેમણે અજ્ઞાનના અંધકારમાં મશાલ પ્રગટાવી જ્ઞાનગંગા વહાવી હતી.

તેમના જમાનામાં આયુર્વેદના ઉત્કર્ષ માટે, આયુર્વેદિક શિક્ષણ માટે સારાં પાઠ્યપુસ્તકોની તાતી જરૂર હતી. દિલ્હીની નિખિલ ભારતીય વિદ્યાપીઠે ભારતમાં આયુર્વેદના પાઠ્યક્રમને ઉપયોગી થાય તેવું, ‘શરીરરચના’ (physiology) ઉપરનું ખાસ પુસ્તક કવિરાજ ગણનાથ સેન સરસ્વતી (M.A., LLMS.) દ્વારા ‘પ્રત્યક્ષ-શારીર’ નામે સંસ્કૃતમાં લખાવેલું. આ પુસ્તકની ખાસ વિશેષતા એ હતી કે ભારતની પ્રાચીન પરિભાષા-શૈલીને ધ્યાનમાં રાખીને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષા સાથે સુંદર તાલમેલ સાધીને, વૈદ્યોને શરીરરચના વિશેનું ઉત્તમ જ્ઞાન મળે તેવું તેમાં આયોજન હતું. આ સંસ્કૃત રચનાનું હિન્દી, ગુજરાતી તથા બીજી ભાષાઓમાં પણ ભાષાંતર થયેલ. આ ગ્રંથનો પ્રથમ ભાગ 1913માં અને ત્રીજો ભાગ 1936માં પ્રગટ થયેલ. આજે પણ આયુર્વેદિક મહાવિદ્યાલયોમાં શરીરરચના-જ્ઞાન જાણવા-સમજવા માટે તે એક આદર્શ પાઠ્યપુસ્તક ગણાય છે.

કવિરાજ ગણનાથ સેને ‘સિદ્ધાંતનિદાન’ નામે બીજો એક સંસ્કૃત ગ્રંથ લખેલો છે. આ ઉપરાંત તેમણે ભારતમાં આયુર્વેદ શિક્ષણમાં ઉપયોગી થાય તેવા બીજા લેખકોનાં અનેક ઉપયોગી પુસ્તકોના અનુવાદ કરી, ભારતમાંના આયુર્વેદ શિક્ષણને સારી સહાય કરેલી. તેમના સમયના આયુર્વેદના અન્ય પ્રકાંડ વિદ્વાનોમાં તેમનું નામ ભારે આદરપૂર્વક લેવાતું. ‘પ્રત્યક્ષ-શારીર’ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અમદાવાદના ડૉ. બાલકૃષ્ણ અમરજી પાઠકે ખૂબ ઉત્તમ રીતે કરેલો છે. આ પુસ્તકનું પ્રકાશન ઝંડુ ફાર્મસીના સ્થાપક જુગતરામ શંકરપ્રસાદ વૈદ્યે સને 1934માં કરેલું.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા