સેન કેશવચંદ્ર

January, 2008

સેન, કેશવચંદ્ર (. 1838; . 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ ટાગોર અને અન્ય કાર્યકર્તાઓ સંસ્થાને તેનાથી વિરુદ્ધ વેદ-ઉપનિષદના પાયા ઉપર ચલાવવાનું વલણ ધરાવતા હતા. આ વૈચારિક મતભેદને કારણે બ્રહ્મસમાજના 1866માં બે ભાગ પડી ગયા. કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ તરીકે ઓળખાયો. 1875માં તેઓ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ નીચે આવ્યા. તેથી તેમના બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. બ્રાહ્મવિધિમાં હોમ, ભજન અને આરતીને સ્થાન અપાયું. પરમહંસની અસરને લીધે 1881માં તેમણે ‘નવવિધાન’ (New Dispensation) નામની સંસ્થા શરૂ કરી. સમય જતાં આ સંસ્થા ‘ધી ચર્ચ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે ઓળખાઈ. આ સંસ્થાનો હેતુ તમામ ધર્મો અને સત્યોના પ્રકટીકરણ (revelation) વચ્ચે સુમેળ સાધવાનો તથા ઈશ્વરકૃત દરેક વ્યવસ્થાના સત્યની સ્થાપના કરવાનો હતો.

સામાજિક સેવાના ક્ષેત્રે કેશવચંદ્ર સેનનું પ્રદાન અમૂલ્ય છે. તેમણે કન્યાશિક્ષણ અને સ્ત્રીઓને ગુલામીની સ્થિતિમાંથી મુક્ત કરવાની હિમાયત કરી હતી. આ માટે કન્યાશાળાઓ સ્થાપી હતી. સ્ત્રીને પુરુષના જેટલું જ સન્માન મળવું જોઈએ, પુરુષના જેટલા જ અધિકારો તેને મળવા જોઈએ, તેને ચિંતન અને વર્તનની સ્વતંત્રતા હોવી જોઈએ તેમ કેશવચંદ્ર માનતા હતા. તેમણે બાળલગ્નો અટકાવવા અથાગ પ્રયત્નો કર્યા. વિધવા-પુનર્લગ્નને અનુમોદન આપ્યું. અનેક વિધવાઓનાં પુનર્લગ્ન કરાવ્યાં. આંતરજ્ઞાતીય લગ્નો પણ ગોઠવી આપ્યાં. ડૉક્ટરો પાસેથી લગ્નવય વિશે વૈજ્ઞાનિક અભિપ્રાય મેળવીને કન્યાની લગ્નવય 16 વર્ષની રાખવાની હિમાયત કરી. આમ છતાં તેમણે પોતાની 13 વર્ષની પુત્રીનાં લગ્ન કુચબિહારના 16 વર્ષથી પણ નાની વયના મહારાજા સાથે કરાવ્યાં હતાં ! આ અંગે લોકોના વિરોધ સામે તેમણે એમ જાહેર કર્યું હતું કે પોતે આ પગલું ઈશ્વરી આદેશથી લીધું છે. સંસ્થામાં તેમનું સ્થાન ગુરુ જેવું થવા લાગ્યું હતું અને તેમની વ્યક્તિપૂજા પણ શરૂ થઈ હતી. આ અને પુત્રીના બાળલગ્નના કારણે તેમની સામે ઘણો વિરોધ થયો અને તેમના નેતૃત્વવાળા બ્રહ્મસમાજના ફરીથી ભાગલા પડ્યા.

કેશવચંદ્રના મંતવ્ય પ્રમાણે બ્રહ્મધર્મ એટલે ઈશ્વરનું પિતૃત્વ અને માનવો વચ્ચે બંધુત્વ. તેઓ ધર્મની દૃષ્ટિએ પૂર્વ અને પશ્ચિમના સમન્વયની હિમાયત કરતા હતા. તમામ ધર્મોના ધર્મગ્રંથોમાંથી તારવણી કરીને તેમણે ‘શ્લોકસંગ્રહ’ની રચના કરી હતી. ખ્રિસ્તી ધર્મની એમની પર એટલી વ્યાપક અસર હતી કે તેમના સાથીઓને એવું લાગતું કે તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે. ખ્રિસ્તી ધર્મના પ્રભાવને લીધે જ તેમણે પોતાને જિસસના ચાકર અર્થાત્ ‘જિસુદાસ’ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પત્રકારત્વના ક્ષેત્રે પણ પ્રદાન કર્યું હતું. ‘ધી ઇન્ડિયન મિરર’ જે પખવાડિક હતું તેને દૈનિક બનાવવામાં આવ્યું. આ ઉપરાંત ‘સુલભ સમાચાર’ નામનું બંગાળી અઠવાડિક શરૂ કર્યું. તેમણે લગભગ 12 જેટલી સંસ્થાઓ સ્થાપી હતી. તેમના અવસાન પછી બ્રહ્મસમાજની ત્રણેય શાખામાંથી તેમના જેવું ભવ્ય વ્યક્તિત્વ ધરાવતું નેતૃત્વ ઉદભવી શક્યું નહિ.

ગણપત દેસાઈ