સેનવર્મા એસ. પી.

January, 2008

સેનવર્મા, એસ. પી. (. 1 ફેબ્રુઆરી 1909, બારીસાલ, બાંગ્લાદેશ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી અને કાયદાપંચના સભ્ય. પિતા અમૃતલાલ અને માતા સોનાલક્ષ્મી દેવી. પત્ની આરતી સેનવર્મા.

કોલકાતા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ કાયદાના અનુસ્નાતક (એલએલ.એમ.) થયા. 1942માં પશ્ચિમ બંગાળ સરકારની ન્યાયિક સેવામાં જોડાયા. તે પછી સ્વતંત્ર ભારત સરકારમાં કાયદા-મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સેવાઓ આપી. 1963-66 દરમિયાન ભારતના કાયદા પંચના સભ્ય રહ્યા; કાયદા-મંત્રાલયમાં સચિવ રહ્યા. 1966-67 દરમિયાન ફૉરિન ઍક્સ્ચેંજ રેગ્યુલેશન એપેલેટ બોર્ડના અધ્યક્ષનું પદ શોભાવ્યું. 1967-72 દરમિયાન ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી-અધિકારી તરીકે નોંધપાત્ર સેવાઓ આપી.

‘ધ લૉ ઑવ્ ઇલેક્શન્સ ટુ પાર્લમેન્ટ ઍન્ડ સ્ટેટ લેજિસ્લેચર્સ’ તેમનું ધ્યાનપાત્ર પુસ્તક છે.

રક્ષા મ. વ્યાસ