સેન વંશ : બંગાળનો એક અગત્યનો રાજવંશ. આ વંશના રાજાઓ પોતાને કર્ણાટ-ક્ષત્રિય, બ્રહ્મ-ક્ષત્રિય અને ક્ષત્રિય તરીકે ઓળખાવતા હતા. તેમનો મૂળ પુરુષ વીરસેન અને એના વંશજો દક્ષિણાપથના રાજાઓ હતા. એમનું મૂળ વતન દક્ષિણના કન્નડ ભાષા બોલતા પ્રદેશમાં હતું. ધારવાડ જિલ્લામાં ‘સેન’ અટકવાળો જૈન ધાર્મિક શિક્ષકોનો એક પરિવાર હતો. એને બંગાળના આ સેન વંશ સાથે કોઈ સંબંધ હતો કે નહિ તે જાણી શકાતું નથી.

બંગાળના સેન વંશમાં સૌથી પ્રાચીન રાજા તરીકે સામન્ત સેનનો ઉલ્લેખ મળે છે. એનો જન્મ રાજપુત્રોના કુટુંબમાં થયો હતો અને એ રાધા નામના શહેરમાં રહીને રાજ્ય કરતો હતો. દક્ષિણમાં ચાલુક્ય અને ચોલ રાજા વચ્ચેની લડાઈમાં એણે ચાલુક્ય રાજાના પક્ષે રહીને ભાગ લીધો હતો. વૃદ્ધાવસ્થામાં સામંત સેને ગંગા નદીના કિનારે ઋષિઓ માટે આશ્રમો બંધાવ્યા અને ધાર્મિક ક્રિયાઓ કરાવી હતી. એના પછી એનો પુત્ર હેમન્ત સેન રાજા બન્યો. આ હેમન્ત સેનને એના પછીના રાજાએ અભિલેખમાં ‘મહારાજાધિરાજ’ તરીકે ઓળખાવ્યો છે. એનું મુખ્ય મથક પણ રાધા શહેર હતું.

હેમન્ત સેન પછી એનો પુત્ર વિજય સેન ઈ. સ. 1095માં ગાદીએ આવ્યો. આ રાજા સેન વંશનો સૌથી મહાન અને શક્તિશાળી રાજવી હતો. એણે સૂર વંશની રાજકુમારી વિલાસદેવી સાથે લગ્ન કર્યાં હતાં, જેણે વલ્લાલસેન (બલ્લાલસેન) નામના પુત્રને જન્મ આપ્યો. આ સૂર વંશનો રાજા લક્ષ્મીસૂર અપર-મંડર નામના પ્રદેશમાં રાજ્ય કરતો હતો. રાજા રામપાલના અવસાન પછી પાલ વંશનું રાજ્ય નિર્બળ બન્યું ત્યારે વિજય સેને સમગ્ર બંગાળ જીતી લેવાના પ્રયાસો કર્યા. એ માટે એણે કલિંગના રાજા અનંતવર્મન્ ચોડગંગ સાથે સંધિ કરી. એણે વીર અને વર્ધન નામના રાજાઓને જીતી લીધા. એણે કનોજના ગાહડવાલ વંશના રાજા ગોવિંદચંદ્ર અને મિથિલાના રાજા નાન્યદેવને હરાવ્યા. વિક્રમપુરના ભોજવર્મન્ને દૂર કરી એણે પૂર્વ બંગાળ જીતી લીધું. પાલ રાજાઓ પાસેથી ઉત્તર બંગાળ જીતી લીધું. એણે વરેન્દ્રી પ્રદેશમાં રાજ્ય કરનાર મદનપાલ ઉપર આક્રમણ કર્યું. ગૌડ, વંગ અને રાધા નામના પ્રદેશો ઉપર એનું સ્વામીત્વ હતું. એના રાજ્યમાં ચોવીસ પરગણાંમાં આવેલા ‘ખાડી-મંડલ’નો સમાવેશ થતો હતો. એણે કામરૂપ દેશ ઉપર આક્રમણ કરીને ત્યાંના રાજાને હાંકી કાઢ્યો.

કલિંગનો રાજા અનંતવર્મન્ ચોડગંગ વિજય સેનનો મિત્ર હતો; પરંતુ અનંતવર્મન્ના મૃત્યુ પછી વિજય સેને એના પુત્ર રાઘવ પર આક્રમણ કરીને એને હરાવ્યો. આમ, વિજય સેને ઘણા વિજયો મેળવી બંગાળમાં મોટા શક્તિશાળી રાજ્યની સ્થાપના કરી. એણે ‘અરિરાજ-વૃષભ-શંકર’નું બિરુદ ધારણ કર્યું અને બંગાળના રાજશાહી જિલ્લામાં પ્રદ્યુમ્નેશ્વરે શિવનું મંદિર બંધાવ્યું હતું. એની સિદ્ધિઓનું વર્ણન કરનાર અને પ્રસિદ્ધ ‘દેવપાડા પ્રશસ્તિ’ લખનાર ઉમાપતિધર નામનો કવિ એના દરબારમાં બેસતો હતો. સેન રાજાઓના એક પાટનગર વિક્રમપુરના રાજમહેલમાં વિજય સેનની રાણી વિલાસદેવીએ ‘કનક-તુલાપુરુષ-મહાદાન’ નામની વિધિ કરાવી હતી. સેન રાજાઓનું બીજું પાટનગર વિજયપુર હતું. ઈ. સ. 1158માં વિજય સેનનું અવસાન થયું. એણે 63 વર્ષ સુધી એટલે કે લાંબા સમય સુધી રાજ્ય કર્યું.

વિજય સેનના અવસાન પછી એનો પુત્ર વલ્લાલ સેન 1158માં ગાદીએ આવ્યો. વલ્લાલ સેને ‘નિ:શંક-શંકર’નું પદ ધારણ કર્યું. એણે 1162માં રાજા ગોવિંદપાલને હરાવી ગૌડ પ્રદેશ જીતી લીધો. એના રાજ્યમાં વંગ, રાધા, બાગડી, વરેન્દ્રી અને મિથિલાનો સમાવેશ થતો હતો. ગૌડપુર, વિક્રમપુર અને સુવર્ણગ્રામ – એ ત્રણ તેનાં પાટનગર હતાં. વલ્લાલ સેન રાજા હોવા ઉપરાંત વિદ્વાન અને લેખક પણ હતો. એણે એના ગુરુ અનિરુદ્ધ પાસેથી પુરાણો અને સ્મૃતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. એણે ઈ. સ. 1169માં ‘દાનસાર’ નામનો ગ્રંથ લખવાનું કામ પૂર્ણ કર્યું. એ પછી એણે ‘અદભુતસાગર’ નામનો ગ્રંથ લખવાનું શરૂ કર્યું; પરંતુ એના મૃત્યુને કારણે એ ગ્રંથ અધૂરો રહ્યો, જે એના પુત્ર લક્ષ્મણ સેને પૂર્ણ કર્યો. બંગાળના સામાજિક જીવનમાં ‘કુલીનવાદ’ની પ્રથા શરૂ કરનાર વલ્લાલ સેન હતો એવી માન્યતા છે. એણે ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય-6ની પુત્રી રામદેવી સાથે લગ્ન કર્યાં હતાં. એ પોતે શૈવ હોવા છતાં વૈષ્ણવ ધર્મ પ્રત્યે એને માન હતું. વૃદ્ધાવસ્થામાં એણે સ્વેચ્છાએ પોતાનું રાજ્ય પુત્ર લક્ષ્મણ સેનને સોંપીને ત્રિવેણી પાસે આવેલ નિર્જરપુરમાં નિવૃત્ત તથા ધાર્મિક જીવન ગાળ્યું હતું.

લક્ષ્મણ સેન ઈ. સ. 1178માં સત્તારૂઢ થયો. એણે ‘અરિરાજ-મદન-શંકર’નું પદ ધારણ કર્યું. એના શાસનનાં કેટલાંક તામ્રપત્રો મળી આવ્યાં છે. એ ઉપરથી જાણવા મળે છે કે એણે શરૂઆતનાં વર્ષોમાં વિક્રમપુરમાં રહીને અને એ પછી ધાર્યગ્રામમાં રહીને રાજ્ય કર્યું હતું. ગૌડ, વંગ અને રાધા પ્રદેશમાં એણે પોતાનું પ્રભુત્વ ટકાવી રાખ્યું. એણે વહીવટી સરળતા માટે વર્ધમાન-ભુક્તિમાંથી ઉત્તર રાધા પ્રદેશને જુદો પાડી એને ‘કનકગ્રામ-ભુક્તિ’ નામ આપ્યું હતું.

લક્ષ્મણ સેન એક મહાન લશ્કરી નેતા હતો અને એણે ઘણા વિજયો મેળવ્યા હતા. એણે એની યુવાનીમાં ગૌડ પ્રદેશના પાલ વંશના રાજા મદનપાલને અને કલિંગના રાજાને હરાવ્યા હતા. એણે કાશીના રાજા ગાહડવાલ જયચંદ્રને હરાવી એના રાજ્યની હદને આગળ વધતી અટકાવી હતી. એણે પ્રાગ્જ્યોતિષ અથવા કામરૂપના રાજા પર આક્રમણ કરી જીત મેળવી હતી. એના આ વિજયોની યાદગીરીમાં એણે પુરી, કાશી અને ત્રિવેણી(અલ્લાહાબાદ)માં વિજયસ્તંભો મુકાવ્યા હતા.

સેન વંશનું રાજ્ય ઈસુની 12મી સદીના અંતમાં નબળું પડવાની શરૂઆત થઈ. બાહ્ય આક્રમણોનો પણ તેણે સામનો કરવો પડ્યો. લક્ષ્મણ સેનનું પાટનગર નદિયા શહેર હતું. મુહમ્મદ બખત્યાર ખલજી નામના તુર્ક મુસ્લિમ સરદારે આક્રમણ કરીને ઈ. સ. 1202માં નદિયા અને એ પછી ઉત્તર બંગાળ જીતી લીધું. એ આક્રમણનું વર્ણન મિન્હાજુદ્દીન નામના લેખકે ‘તબક્ત-ઈ-નાસિરી’ નામના ગ્રંથમાં કર્યું છે. સને 1205માં તેણે આપેલાં ત્રણ દાનપત્રો મળ્યાં છે. એ પછી થોડા સમયમાં લક્ષ્મણ સેનનું અવસાન થયું.

લક્ષ્મણ સેનના પૂર્વજો શૈવ ધર્મ પાળતા હતા; પરંતુ એણે વૈષ્ણવ ધર્મ અપનાવ્યો. એ સૈનિક હોવા ઉપરાંત કવિ હતો. એના પિતાએ શરૂ કરેલા ‘અદભુતસાગર’ નામના ગ્રંથને એણે પૂર્ણ કર્યો. એના દરબારમાં ઘણા પ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનો હતા, જેમાં ‘ગીતગોવિંદ’ના લેખક જયદેવ, ‘પવનદૂત’ના લેખક ધોયી, ‘બ્રાહ્મણસર્વસ્વ’ના લેખક હલાયુધ અને મહાસામંત – ચૂડામણિ વટુદાસના પુત્ર શ્રીધરદાસનો સમાવેશ થતો હતો. આ શ્રીધરદાસ પણ લક્ષ્મણ સેનનો ‘મહામાંડલિક’ હતો. એના મુખ્ય મંત્રી તરીકે હલાયુધ અને સંધિવિગ્રહક તરીકે શંકરધર હતો. લક્ષ્મણ સેનને શ્રીયાદેવી, કલ્યાણદેવી અને ચંદ્રાદેવી ઉપરાંત બીજી કેટલીક રાણીઓ હતી. એને વિશ્વરૂપ સેન અને કેશવ સેન નામના બે પુત્રો હતા. સેન વંશના પતન પછી બિહારમાં લક્ષ્મણ સેનના નામ સાથે જોડાયેલો સંવત શરૂ થયો હતો; પરંતુ તેના ઉદભવ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.

લક્ષ્મણ સેનના અવસાન પછી એનો પુત્ર વિશ્વરૂપ સેન રાજા બન્યો, જેણે ‘વૃષભાંક-શંકર’નું બિરુદ ધારણ કર્યું. વિશ્વરૂપ સેને 14 વર્ષ રાજ્ય કર્યું. એને કુમાર સેન અને પુરુષોત્તમ સેન નામના બે પુત્રો હતા; પરંતુ તેઓ રાજા બની શક્યા ન હતા. વિશ્વરૂપ સેન પછી એનો નાનો ભાઈ કેશવ સેન ગાદીએ આવ્યો, જેણે ‘અસહ્ય-શંકર’નું બિરુદ ધારણ કર્યું. વિશ્વરૂપ સેન અને કેશવ સેન બંને સૂર્યદેવના ઉપાસક હતા. એમણે ‘યવનો’ એટલે કે મુસ્લિમો સાથેની લડાઈમાં વિજય મેળવ્યો હતો એવા ઉલ્લેખો મળે છે. કેશવ સેને વંગ પ્રદેશમાં ક્યાં સુધી રાજ્ય કર્યું એ જાણી શકાતું નથી; પરંતુ મિન્હાજુદ્દીન ‘તબકત-ઈ-નાસિરી’માં જણાવે છે તેમ, ઈ. સ. 1245 સુધી વંગ પ્રદેશમાં સેન રાજાઓનું રાજ્ય હતું. ઈ. સ. 1289માં મધુસેન નામનો રાજા બંગાળના કોઈક ભાગમાં રાજ્ય કરતો હતો; પરંતુ વિક્રમપુરના આ સેન વંશ સાથે એને શું સંબંધ હતો એ જાણી શકાતું નથી.

આમ, સેન વંશ બંગાળનો એક મહત્વનો રાજવંશ હતો, જેણે ઈસુની 11મી સદીના ઉત્તરાર્ધથી 13મી સદીના પૂર્વાર્ધ સુધી બંગાળમાં રાજ્ય કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી