સેંત બવ ચાર્લ્સ ઑગસ્તિન

February, 2008

સેંત બવ, ચાર્લ્સ ઑગસ્તિન (. 23 ડિસેમ્બર 1804, બોલોન, ફ્રાન્સ; . 13 ઑક્ટોબર 1869, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યનો ઇતિહાસ લખનાર વિવેચક. રેનૅસાંથી 19મી સદીના ફ્રેન્ચ સાહિત્યની ઝીણામાં ઝીણી વિગતોને તેમણે પ્રમાણભૂત રીતે રજૂ કરી છે. ટેક્સ-અધીક્ષક પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. તેમનું શિક્ષણ પૅરિસમાં. દાક્તરી વિદ્યાનો અભ્યાસ અધૂરો છોડી, 1825માં પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના શિક્ષક પૉલ દુબોના આગ્રહથી દાખલ થયેલા. ‘લ ગ્લોબ’ સામયિકમાં તેમણે નિબંધો લખ્યા. વિક્ટર હ્યુગોની કવિતા વિશે તેમણે લેખો લખી રૉમેન્ટિક લેખકોમાં સ્થાન મેળવ્યું. ‘હિસ્ટૉરિકલ ઍન્ડ ક્રિટિકલ ડિસ્ક્રિપ્શન ઑવ્ ફ્રેન્ચ પોએટ્રી ઍન્ડ થિયેટર ઇન ધ સિક્સ્ટીન્થ સેન્ચરી’ (1828) તેમનો પ્રથમ ગ્રંથ. 1828માં તેમણે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી. બ્રિટનના વર્ડ્ઝવર્થ અને કૉલરિજ જેવા કવિઓની કવિતા પ્રત્યે રસ દાખવ્યો. આ સાથે વિલિયમ કાઉપર અને જ્યૉર્જ ક્રેબની કવિતાઓ વિશે પણ તેમણે અનુગ્રહ સેવ્યો. ‘ધ લાઇફ પોએટ્રી, ઍન્ડ થૉટ ઑવ્ જૉસેફ ડેલોર્મ’ (1829) અને ‘લે કૉન્સોલેશન્સ’ (1830) ગ્રંથોએ વાચકોમાં આકર્ષણ જમાવ્યું.

ચાર્લ્સ ઑગસ્તિન સેંત બવ

1832 સુધીમાં સેંત બવ પૅરિસનાં સાહિત્યિક સામયિકોમાં પોતાના લેખો મોકલતા હતા. રાજા લુઈ ફિલિપ પ્રત્યે તેમને અણગમો હતો. આને કારણે તેમણે શૈક્ષણિક હોદ્દાની નોકરીઓનો અસ્વીકાર કરવો પડેલો. પોતાના વાણીસ્વાતંત્ર્યની તેમને વિશેષ ચિંતા હતી. ‘વોલપ્તે’(1834)માં હતાશા, પાપ, ધાર્મિક મથામણ અને દેહથી છુટકારો અને સેતાન વિશેના વિચારોનું તીવ્ર પૃથક્કરણ છે. ‘પૉર્ટેટ્સ કોન્ટેમ્પોરેન્સ’(1846)માં સમકાલીન સાહિત્યકારોનાં શબ્દચિત્રો છે. માદામ રેકેમિયરના બૌદ્ધિક વર્તુળમાં તેઓ જોડાયા. ચેતોબિયાને તેઓ સાદર યાદ કરે છે. 1836માં શિક્ષણમંત્રી ફ્રાન્સ્વાં ગીઝોતના નિમંત્રણથી એક વર્ષ માટે રાષ્ટ્રના સાહિત્યિક વારસાનો અભ્યાસ કરી ‘પૉર્ત-રૉયલ’ નામના તેમના ખૂબ જાણીતા ગ્રંથનું તેમણે નિર્માણ કર્યું.

નેપલ્સ અને રોમના છેલ્લા પ્રવાસ પછી 1840માં ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટની મેઝરિન લાઇબ્રેરીમાં આઠ વર્ષ નોકરી કરી. એ દરમિયાન તેમણે નિબંધો વગેરે લખ્યા. ફ્રેન્ચ અકાદમીમાં ચૂંટાયા (1844) ત્યારે રોમૅન્ટિક સર્જકો તરફનું તેમનું વલણ તેમણે સ્પષ્ટ કરી દીધેલું.

1848માં લુઈ ફિલિપનું પતન થતાં સેંત બવ ક્રાંતિકારી લોકશાહીથી પ્રસન્ન ન હતા. પોતાના નિવાસસ્થાનમાં ચીમનીના સમારકામ માટે સરકારી ગ્રાન્ટ લીધી હોવાના ખોટા તહોમતનામાને લીધે તેમણે લાઇબ્રેરીની સેવામાંથી રાજીનામું આપ્યું. બેલ્જિયમના લીજમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે એક વર્ષ કામ કર્યા બાદ તેઓ પૅરિસ પરત થયા બાદ ‘લ કૉન્સ્ટિટ્યૂશનેલ’ સામયિકમાં તેમણે લખવા માંડ્યું. આ નિબંધો ‘મન્ડે ચૅટ્સ’ તરીકે પ્રસિદ્ધ કર્યા. ‘લ્યુંડિસ’ના 15 અને ‘નુવૉક્સ’ના 13 ગ્રંથો તેમની 20 વર્ષની મહેનતનું ફળ છે. ફ્રેન્ચ પરંપરામાં મળી આવતી સંસ્કૃતિનું દર્શન કરતાં તેનો યશ તેઓ માદામ દુ ડીફાદ અને માદામ રેકેમિયરને આપે છે. આમાં યુરોપ અને પૌરસ્ત્ય સંસ્કૃતિઓની પણ તેમણે નોંધ લીધી છે. નેપોલિયન ત્રીજાની સત્તાને તેમણે આવકારી છે. કૉલેજ દ ફ્રાન્સમાં લૅટિનના પ્રાધ્યાપક તરીકેનો હોદ્દો પણ તેમણે સંભાળ્યો. જોકે તેમનાં શરૂઆતનાં વ્યાખ્યાનોમાં ક્રાંતિકારી વિદ્યાર્થીઓએ અશાંતિ જન્માવેલી; આથી તેમણે માત્ર હોદ્દો જાળવી, વેતન અને ફરજોમાંથી મુક્તિ મેળવેલી. તેમનાં વ્યાખ્યાનો ‘વર્જિલ’ના વિવેચન તરીકે પ્રસિદ્ધ થયેલાં.

1858માં સેંત બવ ‘ઇકૉલ નૉર્મેલ સુપીરિયર’માં મધ્યકાલીન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયેલા. જોકે હવેથી તેઓ મુક્તવિહારી લેખક બન્યા હતા. રાજકુમારી મેથિલ્દના સલૂનમાં તેઓ વારંવાર જતા. 1865માં તેઓ સેનેટના સભ્ય બન્યા. તેમણે અર્નેસ્ટ રેનાનનાં લખાણોનો બચાવ કરેલો. જોકે આના પરિણામે રાજકુમારી મેથિલ્દ અને અનેક મિત્રોની ખફગી તેમના પર ઊતરેલી.

બ્લેડરની પથરીનું ઑપરેશન સફળ ન રહ્યું તેથી તેમનું મૃત્યુ 1869માં થયું. જોકે જિંદગીનાં છેવટનાં વર્ષોમાં તેમણે આ દુ:ખનો સામનો બહાદુરીથી કર્યો હતો.

સેંત બવનું લખાણ વિપુલ પ્રમાણમાં હતું અને ફ્રેન્ચ સાહિત્ય પર તેની અપાર અસર થઈ હતી. પોતાના વિષયના તેઓ મોટા ગજાના વિદ્વાન હતા. ઐતિહાસિક પુરાવાઓ માટેનું તેમનું સંશોધન દાદ માંગી લે છે. સત્ય તેમનો મુખ્ય મુદ્રાલેખ હતો. ભદ્રતા અને સૌન્દર્ય તો તેની પાછળ આપમેળે આવતાં જ રહેવાનાં એવી તેમની દૃઢ શ્રદ્ધા હતી. તેઓ તેમના ‘ક્રિટિકલ જિનિયસ’ (1835) નામના નિબંધના હાર્દને જીવનભર વળગી રહેલા.

‘એસેઝ બાય સેંત બવ’(1918)નું સંપાદન એ. ટિલીએ કરેલું. ‘સેંત બવ : સિલેક્ટેડ એસેઝ’ (1963) એ એફ. સ્ટીગમુલર અને એન. ગુટરમૅને સંપાદિત કરેલા તેમના નિબંધો છે. ‘ધ કૉરસપૉન્ડન્સ જર્નલ’ (1934-70)  એ સેંત બવના પત્રોનો સંચય છે, જે 16 ગ્રંથોમાં જે. બોનરેતે કરેલું સંપાદન છે. એ. જી. લેહમેને ‘સેંત બવ : અ પોર્ટ્રેટ ઑવ્ ધ ક્રિટિક’, 1804-1842 (1962) નામનો ગ્રંથ આપેલ છે.

વિ. પ્ર. ત્રિવેદી