સેંટ બર્નાર્ડ ઘાટ

February, 2008

સેંટ બર્નાર્ડ ઘાટ : સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં આવેલા આ નામના બે ઘાટ : ગ્રેટ સેંટ બર્નાર્ડ ઘાટ અને લિટલ સેંટ બર્નાર્ડ ઘાટ. રોમનોએ આ બંને ઘાટનો તેમની લશ્કરી હેરફેર માટે ઉપયોગ કરેલો. આજે પણ આ બંને ઘાટ માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં પ્રવાસીઓની સુવિધા જાળવવાના હેતુથી ધર્મશાળા જેવી રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. 5થી 6 કિમી. લંબાઈનો ગ્રેટ સેંટ બર્નાર્ડ ઘાટ મોટરગાડીઓની અવરજવર માટે બોગદું ધરાવે છે. 1964માં ટ્રાફિક માટે ખુલ્લું મુકાયેલું આ બોગદું ઇટાલીસ્વિટ્ઝર્લૅન્ડને સાંકળે છે.

સેંટ બર્નાર્ડ ઘાટ

ગ્રેટ સેન્ટ બર્નાર્ડ ઘાટ : આ ઘાટમાંથી પસાર થતો માર્ગ રહોન ખીણમાં માર્ટિગ્ની ખાતેથી શરૂ થાય છે. 2469 મીટરની ઊંચાઈએ આવેલો આ માર્ગ વાયવ્ય ઇટાલીમાં નીચે તરફ ઊતરે છે. તેમાં મહત્તમ ઊંચાઈના સ્થળે ગ્રે સ્ટોન ગ્રેટ સેંટ બર્નાર્ડ વિશ્રામાલય આવેલું છે, તે મઠ તરીકે પણ ઓળખાય છે. મેન્થોનના સેંટ બર્નાર્ડે તે અગિયારમી સદીમાં તૈયાર કરાવેલું. અહીં રહેતા સાધુઓ આવતા-જતા પ્રવાસીઓને જરૂરી સેવાઓ પૂરી પાડે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ સાધુઓ તેમજ તેના પાળેલા રક્ષક કૂતરા વટેમાર્ગુઓની જિંદગી પણ બચાવે છે. જોકે શિયાળા દરમિયાન આ ઘાટનો રસ્તો અનુકૂળતા તેમજ જરૂરિયાત મુજબ ખુલ્લો રખાય છે. એ વખતે જરૂરી ટપાલ આ સાધુઓ મારફતે ઉપર સુધી પહોંચાડાય છે. અહીંનાં કપરાં ચઢાણ માટે મોટાભાગના સાધુઓ ભોમિયા તરીકેની સેવા પણ બજાવે છે. તેઓ બરફ પર ચાલવા ટેવાયેલા હોય છે. અહીંનાં વિશ્રામાલાયો(મઠો)માં 300 જેટલા પ્રવાસીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડી શકાય તેવી વ્યવસ્થા રાખેલી છે; જોકે પ્રવાસીઓ નછૂટકે જ એક રાત્રિથી વધુ રોકાણ કરતા હોય છે.

લિટલ સેંટ બર્નાર્ડ ઘાટ : આ ઘાટ ગ્રેટ સેંટ બર્નાર્ડ ઘાટથી નૈર્ઋત્ય તરફ આશરે 40 કિમી.ને અંતરે આવેલો છે. અહીં ઈ. સ. 962થી મઠની સગવડ ઊભી કરાયેલી છે. તેની મહત્તમ ઊંચાઈ 2185 મીટર જેટલી છે. યુરોપના પર્વતોમાંનાં ઊંચાં શિખરો પૈકી એક ગણાતા મોં બ્લા(Mont Blanc)થી આ ઘાટ 16 કિમી. દક્ષિણે આવેલો છે.

જાહનવી ભટ્ટ