સૂરજમલ  : ભરતપુરનો પ્રતાપી જાટ રાજા. જાટ રાજ્યની જાહોજલાલી રાજા સૂરજમલના અમલમાં 1756થી 1763 દરમિયાન ચરમસીમાએ પહોંચી હતી. સૂરજમલ પોતે જાટ સરદાર બદનસિંઘનો દત્તકપુત્ર અને ઉત્તરાધિકારી હતો. બદનસિંઘે તેને રાજ્યની બધી આંટીઘૂંટીઓ બતાવી હતી. સૂરજમલ સત્તા પર આવ્યા પછી સૌપ્રથમ જાટ સરદાર ખેમકરણ સોમારિયા પાસેથી ભરતપુર મેળવ્યું અને ત્યાં પોતાની રાજધાની સ્થાપી. મેવાતના ઘણા મુલકો ઉપર કબજો મેળવ્યો. અલીગઢના મુઘલ ફોજદારને મદદ કરી એ મુલકમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. બગરૂના યુદ્ધમાં મલ્હારરાવ હોલ્કરની આગેવાની નીચે લડતા મરાઠાઓને હરાવ્યા. મુઘલ બક્ષી સલાવતખાને મેવાતની જાટ જાગીરો પર આક્રમણ કરતાં તેને પરાસ્ત કર્યો. રોહિલ્લા વિરુદ્ધની લડાઈમાં મુઘલોને મદદ કરવાથી તેને મથુરાની ફોજદારી પ્રાપ્ત થઈ (1751). આથી જાટ રાજાની પ્રતિષ્ઠા અને પ્રભાવ ખૂબ વધ્યાં. 1753માં સફદરજંગ વજીરની સાથે મળીને દિલ્હીની લૂંટ કરી. દોઆબમાં જાટોની તાકાત અને ધનસમૃદ્ધિ વધતાં મરાઠાઓમાં એને માટે લાલસા જાગી. મલ્હારરાવે જાટ મૂલક પર હુમલો કર્યો, જેની સાથે 30 લાખ રૂપિયા આપી સુલેહ કરી. અબ્દાલ્લીએ 1761માં મરાઠાઓને પાણીપતના યુદ્ધમાં હાર આપી તે પોતાને દેશ પાછો ફર્યો આથી ઉત્તર હિંદમાં ફક્ત જાટ રાજા સૂરજમલ જ સહુથી મજબૂત રાજા રહ્યો. તેની આણ મેવાતથી માંડીને છેક દિલ્હી પાર ગુરગાંવ, રોહતક જિલ્લો, આગરા, ઘોલપુર, મૈનપુરી, હાથરસ અને મથુરા જિલ્લા સુધી પ્રસરી. મુઘલોની રાજધાની દિલ્હીની પડોશમાં આટલું મોટું હિંદુ રાજ્ય જમાવવું એ સૂરજમલની બહાદુરી, કુશાગ્રબુદ્ધિ વિવેકપૂર્ણ દૂરંદેશીને આભારી છે. 1763માં દિલ્હી પર છાપો મારવા ગયેલા સૂરજમલને અફઘાન સરદારની ગોળી વાગતાં તે મૃત્યુ પામ્યો. સૂરજમલ દ્વારા થયેલો જાટ રાજ્યનો ઉદય ઉત્તર હિંદની રાજ્યપદ્ધતિ, જમીનમાલિકી તેમજ સામાજિક ઉત્થાન પરત્વે ચોક્કસ પ્રભાવક રહ્યો.

પ્રવીણચંદ્ર પરીખ