સુરેન્દ્રનગર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતને સાંકળે છે. ભૌગોલિક સ્થાન : તે 22° 07´થી 23° 32´ ઉ. અ. અને 70° 58´થી 72° 11´ પૂ. રે. વચ્ચેનો 10,489 ચોકિમી. (ગુજરાત રાજ્યના ભૂમિભાગનો 5.53 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છનું નાનું રણ અને પાટણ જિલ્લો, પૂર્વમાં અમદાવાદ જિલ્લો, દક્ષિણે અમદાવાદ અને ભાવનગર જિલ્લા તથા નૈર્ઋત્ય અને પશ્ચિમે રાજકોટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક જિલ્લાની મધ્યમાં આવેલું છે.

સુરેન્દ્રનગર

ભૂપૃષ્ઠ : સૌરાષ્ટ્રના મધ્ય અને દક્ષિણભાગમાં જે બે હારમાળાઓ આવેલી છે, તે પૈકીની મધ્યની હારમાળાનું ઈશાની વિસ્તરણ સુરેન્દ્રનગર જિલ્લાના નૈર્ઋત્ય કોણમાં જોવા મળે છે. તેમાં 365 મીટરની ઊંચાઈ ધરાવતી શંકુઆકારની ચોટીલાની ટેકરીઓ મુખ્ય છે. જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં નાની નાની ઘણી ટેકરીઓ આવેલી છે. જિલ્લાના બાકીના બધા જ ભાગના ભૂપૃષ્ઠની ઊંચાઈ 150 મીટરથી વધુ નથી. ઉત્તર વિભાગ ક્રમશ: કચ્છના નાના રણમાં ભળી જાય છે. જિલ્લાની સમગ્ર ઉત્તર સરહદ રેતાળ, ઉજ્જડ અને ખારા પાટથી બનેલી છે.

જિલ્લાના જુદા જુદા ભાગોમાં કાંપની, પાતળા થરની રેતાળ, પાતળી, હલકી કક્ષાની, મધ્યમ કાળી અને રાતી જમીનો જોવા મળે છે; આ પૈકી કાળી જમીનો કપાસની ખેતી માટે મહત્વની છે. જૂના વખતમાં દસાડા અને લખતર તાલુકાઓમાંથી દરિયાનું પ્રતિક્રમણ (marine regression) થયેલું ત્યાં ખારો પટ જોવા મળે છે. ધ્રાંગધ્રા-હળવદ આજુબાજુની જમીનો ત્યાંના રેતીખડક(જુરાસિક કાળ)ના ઘસારામાંથી બનેલી છે. તે પાતળા થરવાળી રેતાળ-ખડકાળ છે. આ જ વિસ્તારમાં રાતી જમીનો પણ છે. તે હલકા પ્રકારની હોવાથી તેમાં માત્ર બાજરી અને કઠોળ થાય છે. મધ્યમસરના વરસાદ અને આબોહવાને કારણે આ જિલ્લાના માત્ર 137 ચોકિમી. ભાગમાં જંગલો જોવા મળે છે. તે પૈકી અનામત જંગલો, રક્ષિત જંગલો અને બિનવર્ગીકૃત જંગલો જુદાં પાડેલાં છે.

જળપરિવાહ : જિલ્લામથક સુરેન્દ્રનગર અને તદ્દન નજીક આવેલું વઢવાણ – બંને શહેરો વઢવાણ-ભોગાવો નદીકાંઠે વસેલાં છે. આ ઉપરાંત લીંબડી-ભોગાવો પણ આ જિલ્લાની મહત્ત્વની નદી ગણાય છે. અન્ય નદીઓમાં સુકભાદર, ફાળકુ, ઉમાઈ, ચંદ્રભાગા, કંકાવટી, બ્રહ્માણી અને વણસારનો સમાવેશ થાય છે. જિલ્લામાં ‘ગંગવો કુંડ’ (15.6 મીટર લંબાઈ અને 11.4 મીટર પહોળાઈ) નામનું એક નાનું જળાશય વઢવાણ તાલુકાના દેદાદરા ખાતે આવેલું છે.

ખેતી-પશુપાલન : ઘઉં, ડાંગર, જુવાર, બાજરી અને ચણા અહીંના મુખ્ય ખાદ્ય પાકો; જ્યારે કપાસ, મગફળી રોકડિયા પાકો છે. ઘઉં, કપાસ અને ઘાસચારાના પાકોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે; જ્યારે અન્ય પાકો મોટેભાગે વરસાદ પર આધારિત રહે છે. નહેરો અને કૂવા સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે. બ્રાહ્મણી, ભોગાવો I અને II, લીંબડી-ભોગાવો, ફાળકુ અને લીંબડી-ભોગાવો (વડોદ) નદીઓની છ યોજનાઓમાંથી મળતી સિંચાઈ કાર્યરત છે.

ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા-ગધેડાં, ટટ્ટુ, ઊંટ વગેરે અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. પશુઓની સ્વાસ્થ્ય-સંભાળ માટે આ જિલ્લામાં 13 ચિકિત્સાલયો, 17 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો અને એક હરતું ફરતું ચિકિત્સાલય આવેલાં છે. ચોટીલા અને મૂળી તાલુકાઓમાંથી દૂધનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. તે માટે જિલ્લામાં 260 જેટલી દૂધ-મંડળીઓ કાર્યરત છે.

ઉદ્યોગોવેપાર : સુરેન્દ્રનગર આ જિલ્લાનું મુખ્ય ઔદ્યોગિક મથક છે. તેમાં જિલ્લાના ઘણા લોકો રોકાયેલા છે. અહીં યાંત્રિક ઓજારો અને પુરજા, વીજયંત્રસામગ્રી, પાયાની ધાતુ – મિશ્રધાતુઓ બનાવવાના એકમો તથા ખાદ્ય પેદાશોના એકમો આવેલા છે. જિલ્લામાં 185 જેટલા નાના પાયાના ઉદ્યોગો પણ છે. વળી અહીં રસાયણોના, કાચ-માટીનાં વાસણોના અને સિમેન્ટ તથા બિનલોહધાતુઓના એકમો પણ છે. જીઆઇડીસી દ્વારા ધ્રાંગધ્રા, લીમડી, સુરેન્દ્રનગર, થાનગઢ, બામણબોર અને ચોટીલા ખાતે છ ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે.

રસાયણો અને રાસાયણિક પેદાશોમાં સોડાઍશ, સોડા બાયકાર્બોનેટ, મીઠું, બ્રોમિન, હાઇડ્રૉક્લોરિક ઍસિડ, પ્રવાહી ક્લોરિન, કૉસ્ટિક સોડા, ટ્રાયક્લોરોઇથિલીન અને મૅગ્નેશિયમ ક્લોરાઇડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અહીં ક્રૉકરી, સેનિટરી વૅર, દવાઓ, ઍલ્યુમિનિયમ-પિત્તળનાં વાસણો, કૃષિઓજારો, યાંત્રિક ઓજારો, યાંત્રિક સામાનના પુરજા, થરમૉમિટર પણ બનાવાય છે. આ જિલ્લામાંથી ઘી, સોડાઍશ, મીઠું, કપાસ, સૂતર, કપાસિયા, ક્રૉકરી, સેનિટરી વૅર, લેથયંત્રો, ધાતુનાં વાસણોની નિકાસ તથા મગફળી, કપાસ, ગોળ, ગુંદર, મીઠાની થેલીઓ, અનાજ, કોલસો, ભઠ્ઠીનું તેલ, સુતરાઉ કાપડ, ચૂનાખડક, ખાદ્યતેલ, સિમેન્ટ તથા અન્ય કાચા માલની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારા પ્રમાણમાં જોવા મળે છે. જિલ્લામાં 367 કિમી.ના રેલમાર્ગો અને 44 રેલમથકો આવેલાં છે. રાજ્યનાં અંદાજે 91 % ગામડાં રાજ્ય-પરિવહનની બસસેવાથી સંકળાયેલાં છે.

જિલ્લામથક સુરેન્દ્રનગર, વઢવાણ, દેદાદરા, ચોખડી, ચોટીલા, ખારાઘોડા અને થાનગઢ અહીંનાં મહત્ત્વનાં પ્રવાસી સ્થળો ગણાય છે.

વઢવાણ : આ શહેર વઢવાણ-ભોગાવો નદી પર વસેલું છે અને તે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. જૂનાગઢના રાજવી રા’ખેંગાર અને તેના બે પુત્રોને માર્યા બાદ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પકડી લવાયેલી રા’ખેંગારની રાણી રાણકદેવીનું સતી થયાનું આ સ્થળ છે. તેની યાદમાં ભોગાવો નદીના દક્ષિણ કાંઠા પર બનાવાયેલી નાની દેરી હજી જોવા મળે છે. આ દેરીને આરક્ષિત રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવેલી છે.

વઢવાણ મૂળ વર્ધમાનપુરી તરીકે ઓળખાતું હતું. તે જૈન ધર્મનું મથક હતું. અહીં મહાવીર સ્વામીનાં પગલાં પડેલાં હોવાથી તે જૈનોનું યાત્રાધામ બની રહેલું છે. મહાવીર સ્વામીનું મંદિર અહીં આવેલું છે. આ નગરમાં બે જૂની વાવ પણ છે : માધવવાવ અને તેનાથી પણ જૂની ગંગાવાવ (1169). અહીં સ્વામીનારાયણનું એક મોટું મંદિર પણ છે, ત્યાં વઢવાણ ખાતેની ગાદીનું સ્થાનક છે. આ ઉપરાંત અહીં રામ, લાલજી મહારાજ, વાઘેશ્વરી માતાનાં મંદિરો પણ આવેલાં છે. આ જૂના મંદિરની આજુબાજુથી ‘ગધૈયા’ નામથી ઓળખાતા ચાંદીના સિક્કા ક્યારેક મળી આવે છે.

દેદાદરા : વઢવાણથી 12 કિમી. અંતરે આવેલું ગામ. આ સ્થળ નજીક ગંગવો કુંડ નામનું, 15.6 × 11.4 મીટર કદનું નાનું જળાશય આવેલું છે. કુંડમાં ઊતરવા માટે બંને બાજુએ પગથિયાં બનાવેલાં છે. કુંડની અંદરની દીવાલો સ્થાપત્યની દૃષ્ટિએ સુશોભિત છે. કુંડના દરેક ખૂણે મંદિર છે. તેમાં ગણેશ, શિવ, અંબાજી અને સૂર્યની મૂર્તિઓ છે. આ મંદિરો પણ સ્થાપત્યકલાના નમૂનારૂપ છે તથા સોલંકી યુગ દરમિયાન બાંધેલાં છે. કુંડની નજીકમાં પાળિયાઓની બે હાર છે, તે પૈકીનો જૂનામાં જૂનો પાળિયો ઈ. સ. 1727(સંવત 1783)નો છે; જ્યારે છેલ્લો ઈ. સ. 1890(સંવત 1946)નો છે. ગંગવા કુંડથી આશરે અડધા કિમી. અંતરે મણિયામામાના મંદિર તરીકે ઓળખાતું એક શિવાલય છે. જોકે આજે તો તે ખંડિયેર હાલતમાં છે.

ચોખડી : આ સ્થળ તેની ચર્મલિયા નાગની મૂર્તિના મંદિર માટે જાણીતું છે. દ્વીપકલ્પીય ભારતમાં નાગપૂજાનું ખૂબ મહત્ત્વ છે અને તે માટેનું સમર્પિત આ એક જ સ્થાનક છે. દેશી રાજ્યના શાસકો આ મંદિરને પોષતા રહેલા.

ચોટીલા : ચોટીલા નગર ચામુંડા ટેકરીની તળેટીમાં વસેલું છે. ટેકરીની ઉપર 352 મીટરની ઊંચાઈએ ચામુંડા માતાનું મંદિર છે. ચોટીલાથી વાયવ્યમાં 8 કિમી.ને અંતરે આવેલ ઝરિયા મહાદેવનું મંદિર છે. મંદિરમાંના સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ ટેકરીમાંથી ઝરતા રહેતા જળનો અભિષેક થાય છે. અહીંથી થોડેક અંતરે માંડવ જંગલ છે, ત્યાં ખંડિયેર હાલતમાં અનલગઢનો કિલ્લો છે. એમ કહેવાય છે કે અહીંના આ સ્થળે બ્રિટિશ પોલીસદળ અને વહેળા ઠૂંઠા બહારવટિયા વચ્ચે જંગ થયેલો. આ કિલ્લો બહારવટિયાઓનું રહેઠાણ હતો; તેથી અંગ્રેજોએ આ કિલ્લાને તોડી નાખ્યો. ચોટીલાથી અગ્નિકોણમાં 8 કિમી.ને અંતરે કાહસર પાસે દંગનાથ મહાદેવનું એક મંદિર આવેલું છે. ત્યાં દર શ્રાવણ વદ અમાસે મેળો ભરાય છે. અહીંથી થોડે દૂર મચ્છુદેવીની મૂર્તિવાળું મંદિર આવેલું છે.

ખારાઘોડા : જિલ્લાના ઉત્તર ભાગમાં પાટડી નજીક આવેલું સ્થળ. અહીં અગરિયાઓનું જૂથ રહેતું હોવાથી આ સ્થળનું નામ ખારાઘોડા પડેલું છે. આ ગામ ખારા પાટની ભૂમિમાં વસેલું છે. અહીં તૈયાર થતું મીઠું વડાગરા (vadagara) મીઠું કહેવાય છે, કારણ કે તે વડા (vada) અથવા અગર(pans)માં તૈયાર થાય છે.

થાનગઢ : ચિનાઈ માટીનાં વાસણો-પાત્રો-કપરકાબી-બરણીઓ માટે ભારતભરમાં જાણીતું સ્થળ. આ ચીજવસ્તુઓ પરશુરામ પૉટરી વર્ક્સ દ્વારા તૈયાર થાય છે. બજાણા ખાતે ઘુડખર અભયારણ્ય આવેલું છે.

આ ઉપરાંત, અહીંના ત્રિનેત્રેશ્વર મહાદેવના સ્થળ ખાતે તરણેતરનો મેળો ભરાય છે. વળી શિવસપ્તમીનો લીમડીનો મેળો, ભૃગુપુર ખાતે ગંગવાનો મેળો, ધ્રુમઠનો મેળો અને ઝિંઝૂવાડાનો જિલાનંદનો મેળો પણ જાણીતા છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 15,15,147 જેટલી છે. તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ છે; જ્યારે 70 % ગ્રામીણ અને 30 % શહેરી વસ્તી છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ ઓછા છે. જિલ્લામાં ગુજરાતી અને હિન્દી ભાષા બોલાય છે. 45 % લોકો શિક્ષિત છે. અહીંનાં માત્ર 11 ગામોને બાદ કરતાં બાકીનાં બધાં જ ગામોમાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા છે. બધાં જ નગરોમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ છે. ત્રણ શહેરોમાં કૉલેજો પણ છે. જિલ્લામાં કુલ 9 કૉલેજો આવેલી છે. 104 ગામોમાં તબીબી સેવાની વ્યવસ્થા છે. સાત નગરોમાં હૉસ્પિટલો, ત્રણ નગરોમાં ક્ષયચિકિત્સાલયો અને બધાં જ નગરોમાં સ્વાસ્થ્યકેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 9 તાલુકા અને 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 651 (3 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લામાંના જૂના દેશી રાજ્યના ઇતિહાસની ભૂમિકા આ પ્રમાણે છે : ધ્રાંગધ્રાના શાસકો ઝાલા રાજપૂતો હતા. તેમના જ એક ફાંટા – મકવાણા (માર્કંડ ઋષિ) વંશના રાજપૂતો સિંધમાં આવેલા કિરાન્તી ગામમાં રાજ કરતા હતા. હળવદના રાજા સાહેબ ચંદ્રસિંહજીના પુત્ર અભેસિંહજીને ધ્રાંગધ્રાની ગાદીમાં લખતર અપાયેલું. તેમણે 16મી સદીની શરૂઆતમાં લખતરની કોઠી સ્થાપેલી. અગાઉના લીમડી રાજ્યનું લીમડી હાઉસ ધ્રાંગધ્રા અને લીમડીના શાસકોના પૂર્વજ હરપાલદેવે તૈયાર કરાવેલું. અદેરજીના પુત્ર વેરીસાલજીએ આ વિસ્તારનું વહીવટી મથક લીમડી ખાતે ફેરવેલું.

સિંધના થરપારકરમાંથી સ્થળાંતર કરીને આવેલા પરમારોને વઢવાણના વાઘેલા રાજા વિસલદેવે અહીં ભોગાવો નદીકાંઠે જ્યાં મૂળી આવેલું છે ત્યાં કોઠી (કૅમ્પ) નાખવાની મંજૂરી આપેલી. પાટણના સોલંકીઓના શાસનકાળ બાદ વઢવાણ વાઘેલાઓની એક શાખાના હાથમાં આવ્યું, તે પછીથી તે હળવદના ઝાલાઓને હસ્તક આવ્યું. થાનના મૂળ માલિકો તો બાબરિયા હતા, જેમને પરમારોએ હાંકી કાઢેલા. પરમારો પછી અહીં કાઠીઓ આવ્યા, તેમણે થાનને મુખ્ય મથક બનાવ્યું.

ગુજરાતના વાઇસરૉય કરતલબખાને કાઠીઓને વિભાજિત કરી મૂક્યા અને તેઓ જેની પૂજા કરતા હતા તે સૂર્યમંદિરનો નાશ કર્યો. તે પછીથી થાન, મુઘલો સત્તા પર આવ્યા ત્યાં સુધી મુસ્લિમ થાણા તરીકે રહ્યું. ત્યારપછી તે હળવદના ઝાલાઓને હસ્તક ગયું. ચોટીલા મૂળ જે સોઢાઓના હાથમાં હતું, તે 1565માં જગાશીઓ પરમાર પાસેથી ખાચર કાઠીઓએ જીતી લીધું. મોટાભાગના ખાચર કાઠીઓ કહે છે કે ચોટીલા હાઉસ મૂળ સ્થાન હતું.

સિંધના શાસકે સિંધમાંથી જાટોને હાંકી કાઢેલા. તે જાટોએ પહેલાં બજાણાનું રાજ્ય અહીં સ્થાપેલું. અમદાવાદના સુલતાને ચાંપાનેર કિલ્લો કબજે કરી આપવા માટે મલિક હેડોજીને 24 ગામો બક્ષિસ આપેલાં. જાટ સરદાર મલિક હૈદરખાન પોતે ત્યાં વસ્યો, ત્યારથી બજાણા અને તેની આજુબાજુનો ભાગ નાની જેતવર (જાટવાર) તરીકે ઓળખાયો. દસાડાના તાલુકદારો મલેક લખનના વંશજો મુલતાની મલેકો હતા. મલેક લખન એક થાણેદાર હતો. તે ગુજરાતના સુલતાન અહમદના સમય(1411-1443)માં અહીં આવેલો અને સુખી થયેલો. આ કાળ દરમિયાન તે બાબરિયાઓને હસ્તક હતું. બાબરિયાએ 1790માં પાટડીના ઝાલાવંશના ગોદડ ખાવડને દેશપાર કરેલા.

1948માં ભારતમાં દેશી રાજ્યો ભળ્યાં અને આ વિસ્તારનો ઝાલાવાડ જિલ્લો રચાયો. 1956માં ગુજરાત-મહારાષ્ટ્રનું દ્વિભાષી રાજ્ય રચાયું. 1960માં આ બંને રાજ્યો અલગ પડ્યાં. તેમાં સુરેન્દ્રનગરનો વિસ્તાર ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગનો એક જિલ્લો બન્યો.

સુરેન્દ્રનગર (શહેર) : સુરેન્દ્રનગર જિલ્લાનું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 22° 43´ ઉ. અ. અને 71° 38´ પૂ. રે.. તે વઢવાણ-ભોગાવો નદીના કાંઠે આવેલું છે. 1864માં જ્યારે તે સ્થપાયું ત્યારે તે વઢવાણ કૅમ્પ અથવા વઢવાણ સિવિલ સ્ટેશન નામે ઓળખાતું હતું. ત્યારે બ્રિટિશ પોલિટિકલ એજન્ટનું આ વિસ્તાર માટેનું મુખ્ય મથક હતું. 1947માં કૅમ્પના આ સ્થળને સુરેન્દ્રનગર નામ – વઢવાણના તત્કાલીન રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી – અપાયું. અહીંથી લોકોએ ભારતની આઝાદીની ચળવળમાં ઘણો ભાગ ભજવેલો. સ્વાતંત્ર્યની પ્રતિકારાત્મક રાજકીય હિલચાલોનું તે અગત્યનું મથક રહેલું. આજે આ શહેર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે.

1872માં નિર્માણ પામેલું ટાવર અને કેટલાંક બ્રિટિશ સમયનાં સ્થાપત્યો હજી જોવા મળે છે. આ શહેર મહત્ત્વના વ્યાપારી મથક તરીકે વિકસેલું હોવાથી ઔદ્યોગિક એકમો પણ ઊભા થયા છે. અહીં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત પુસ્તકાલય, ચિકિત્સાલયો, બૅંકો વગેરેની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં વિવિધ ધર્મોનાં સ્થાનકો પણ છે. શહેરથી 3 કિમી. અંતરે વઢવાણ-ભોગાવો નદી પર ‘ધોળી-ધજા’ બંધ આવેલો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રને સાંકળતા રાજ્ય ધોરી માર્ગો અહીંથી પસાર થાય છે. સુરેન્દ્રનગર શહેરની વસ્તી 2,19,828 (2001) છે.

ગિરીશભાઈ પંડ્યા