સુરખાબ : લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ અને ગુલાબી પાંખો ધરાવતું જલસ્રાવી પ્રદેશનું મોટા કદનું આકર્ષક પક્ષી. સુરખાબ સ્થળાંતર કરનારું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણના છીછરાં પાણીવાળા કાદવિયા પ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાં વસાહત કરતાં જોવા મળે છે. રણપ્રદેશમાં હજારોની સંખ્યામાં પાસે પાસે માળા બાંધી સમૂહમાં વસવાટ કરનાર આ પક્ષીઓની વસાહતને ‘ફ્લૅમિંગો સિટી’ નામ અપાય છે. માત્ર ગુજરાતમાં જ આટલી મોટી સંખ્યામાં વસવાટ કરનાર આ પક્ષી ગુજરાતના ‘રાષ્ટ્રીય પક્ષી’ તરીકેનું પણ સન્માન પામ્યું છે. પ્રજનનકાળ દરમિયાન ઉપર્યુક્ત પ્રદેશમાં માદા સુરખાબ કાદવવાળી જમીન પર 15થી 30 સેમી. ઊંચા શંકુ આકારના રેતીના ટેકરા તૈયાર કરી તેમાં એક કે બે ઈંડાં મૂકે છે. 30 દિવસમાં ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે. 45 દિવસ માળા પાસે રહી બચ્ચાં સમૂહમાં ઊડવા માંડે છે. લાંબા ઉડ્ડયન માટે શક્તિમાન થતાં જ બધાં જ સુરખાબ અન્ય જળાશયો તરફ ખોરાક અર્થે સ્થળાંતર કરે છે.

સુરખાબ ફોનિકોપ્ટેરીફોર્મિસ શ્રેણીના ફોનિકોપ્ટેરિડી કુળનું પક્ષી છે. તેની પ્રજાતિ ફોનિકોપ્ટેરસ અને જાતિ રુબર (Phoenicopterus ruber) છે. તે મોટા કદના સુરખાબ (Greater flamingo) તરીકે પણ ઓળખાય છે. આ જાતિ(P. ruber)માં બે પેટાજાતિઓ જોવા મળે છે : (i) પેટાજાતિ – ફોનિકોપ્ટેરસ રુબર, રુબર (Phoenicopterus ruber, ruber), જે મધ્ય અમેરિકામાં જોવા મળે છે. (ii) પેટાજાતિ – ફોનિકોપ્ટેરસ રુબર રોઝિયસ (Phoenicopterus ruber, roseus), જે એશિયા, આફ્રિકા અને દક્ષિણ યુરોપમાં જોવા મળે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશોમાં ગ્રેટર ફ્લૅમિંગોની આ પેટાજાતિ મળી આવે છે. ગ્રેટર ફ્લૅમિંગોની અન્ય જાતિ – ફોનિકોપ્ટેરસ ચાયલેન્સિસ (Phoenicopterus chilensis) દક્ષિણ અમેરિકામાં મળી આવે છે.

સુરખાબ

નાના કદનાં સુરખાબ (Lasser flamingo) ફોનિકોનૈયાસ માઇનોર(Phoeniconaias minor)ની જાતો આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના એન્ડિયન ઉચ્ચ પ્રદેશના સરોવરના પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર અમેરિકાના દક્ષિણ ફ્લૉરિડામાં અગાઉ નૈસર્ગિક (wild) ફ્લૅમિંગો જોવા મળતાં હતાં; પરંતુ ત્યાંના લોકોએ તેનાં પીંછાં પ્રાપ્ત કરવા તેમનો સમૂળગો નાશ કર્યો.

મોટાભાગનાં સુરખાબ કદમાં 90થી 150 સેમી. ઊંચાં હોય છે. તેમનાં પીંછાંનો રંગ ગાઢો રાતો, ગુલાબી કે આછો ગુલાબી હોય છે. અપવાદરૂપે કેટલાંક કાળા રંગનાં પીંછાં પણ ધરાવે છે. સુરખાબનો મુખ્ય ખોરાક સ્તરકવચી વર્ગની જિંગા, નાની માછલીઓ અને જળચર સેવાળ છે. ફ્લૅમિંગો(સુરખાબ)ના પગનાં આંગળાં ચામડીથી બતકના પગની આંગળીઓની માફક જોડાયેલા હોય છે. જળચર પક્ષીઓના પગની આ ખાસિયત છે.

ગુજરાતનાં વિવિધ જળાશયોમાં નાનાં અને મોટા કદનાં સુરખાબ ઘણી વાર જોવા મળે છે. નદીઓના મુખપ્રદેશો, ખાડીઓ અને જળાશયોમાં અવારનવાર નાનાંમોટાં સુરખાબનાં ટોળાં કે છૂટાછવાયા સમૂહો જોવા મળે છે. ચોમાસા બાદ નળસરોવરનું એક મોટું આકર્ષણ તે સુરખાબનું આગમન. અવાજના કોલાહલથી આખા જળાશયનું વાતાવરણ તે ગજવી મૂકે છે. સહેજ ખલેલ પહોંચતાં આખો સમૂહ એકાએક ઊડે છે ત્યારે સફેદ રંગનો પટ એકાએક ગુલાબી દેખાવા લાગે છે. તેમની ઊડવાની પદ્ધતિ પણ સારસ અને કુંજડા(Cranes)ને મળતી આવે છે. આકાશમાં ઊડતાં ટોળાં V આકારમાં ઊડી સ્થળાંતર કરતાં જોવા મળે છે. સહેલાણીઓ માટે આ એક મોટું આકર્ષણ છે.

સુરખાબને હંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક પક્ષીવિદો ભગવી બતક(Red-shel duck)ને સુરખાબ તરીકે ઓળખાવે છે; પરંતુ નાનાં કે મોટાં ફ્લૅમિંગો માટે ‘હંજ’ કે ‘સુરખાબ’ શબ્દ વધારે પ્રચલિત છે.

રા. ય. ગુપ્તે