સુમતિ મોરારજી (. 13 માર્ચ, 1909, મુંબઈ; . 27 જૂન, 1998, મુંબઈ) : ભારતીય વહાણવટા વિકાસનાં પ્રણેત્રી અને તે ક્ષેત્રમાં વિશ્વભરમાં એકમાત્ર સફળ મહિલા વહીવટદાર. ગર્ભશ્રીમંત શેઠશ્રી મથુરદાસ ગોકળદાસના કુટુંબમાં જન્મ. છ ભાઈઓ વચ્ચેનું આ સાતમું સંતાન. સુમતિએ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર રહીને જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અતિતીવ્ર ગ્રહણશક્તિના કારણે તેમને કુમળી વયે જ ગુજરાતી, હિંદી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત તેમજ વ્રજભાષા શીખવામાં સહાય મળી હતી. જ્ઞાનપિપાસા સંતોષવા તેમણે એશિયાટિક સોસાયટી, મુંબઈ યુનિવર્સિટી વગેરેનાં પુસ્તકાલયોનો લાભ લીધો હતો. પિતાએ પુત્રસમોવડી આ દીકરીને ક્રિકેટ, હૉકી, તરણ, ઘોડેસવારી, નૌકાવિહાર વગેરેની તાલીમ પણ અપાવી હતી. તેમને પિતાનો ઘોડદોડ તેમજ ગૌશાળાની શુશ્રૂષાનો વારસો મળ્યો હતો, જ્યારે માતા તરફથી તેમને ઘરકામની તાલીમ સાથે સૌંદર્યકળામાં રસ લેવાના સંસ્કાર મળ્યા હતા.

તે સમયની કુટુંબપરંપરા અનુસાર 13 વર્ષની કુમળી વયે તેમનાં લગ્ન વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી નરોત્તમ મોરારજીના પુત્ર શ્રી શાંતિકુમાર સાથે થયાં હતાં. સાસરિયાંએ પણ તેમની શક્તિ પિછાણી પુત્ર સમાન ગણી તેમને ધંધામાં પલોટવાનો આરંભ કર્યો હતો. ધંધાકીય વાર્તાલાપો અને ચર્ચાઓને પરિણામે તેમની વ્યાવસાયિક સમજ વિકાસ પામી હતી. રાજવી મહેમાનો અને ઉદ્યોગપતિઓના આતિથ્યનો ભાર પણ તેમના પર મૂકવામાં આવ્યો હતો. આમ તેમનો સર્વતોમુખી વિકાસ થયો હતો. વીસ વર્ષની ઉંમરે પહોંચતાં સિંધિયા સ્ટીમશિપ નૅવિગેશન લિમિટેડની મૅનેજિંગ એજન્સીના (વહીવટી પેઢી) એક વરિષ્ઠ ભાગીદાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ઈ. સ. 1929માં શ્રી નરોત્તમ શેઠનું અવસાન થયું ત્યારે પોતાની ભાગીદારીનો સઘળો હિસ્સો તેમણે સુમતિબહેનને આપ્યો હતો. કંપનીનાં બધાં જ ક્ષેત્રોથી માહિતગાર હોઈ ઈ. સ. 1932માં તેમને કંપનીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં.

ઈ. સ. 1946માં તેમના પતિ અમેરિકા ગયા ત્યારે કંપનીનો રોજિંદો વહીવટ તેમણે જ સંભાળ્યો હતો. હજની સફર માટેના સિંધિયા કંપનીના પ્રથમ જહાજમાં પરદાનશીન ઓરતોની સવલતની તેમણે સુંદર વ્યવસ્થા કરી હતી. તેમની દક્ષતાથી પ્રભાવિત થઈ ઈ. સ. 1947માં તેમને કંપનીનાં વહીવટી સંચાલક નીમવામાં આવ્યાં હતાં. ભારત સરકારે જ્યારે વહાણવટા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે સુમતિબહેનના સ્વચ્છ વહીવટી અને પ્રગતિશીલ વિચારસરણીની કદર કરી તેમની કંપનીને રાષ્ટ્રીયકરણમાંથી બાકાત રાખી હતી. તેમણે વહાણવટા ઉદ્યોગનું જ્ઞાન અને અનુભવના આધારે જહાજી ઉદ્યોગને મૂડીવેરામાંથી બાકાત રાખવાની સરકાર સમક્ષ સફળ રજૂઆત કરી હતી. તેમની સેવાઓની કદર રૂપે તેમની વરણી 1957થી 1959 અને 1964-65 દરમિયાન ધી ઇન્ડિયન નૅશનલ સ્ટીમશિપ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. ઈ. સ. 1970માં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વહાણવટા પરિષદમાં તેઓ એકમાત્ર મહિલા-સભ્ય હતાં, જ્યાં તેમણે પોતાના વહાણવટા ઉદ્યોગનું જ્ઞાન અને વ્યવહારદક્ષતાની પ્રતીતિ કરાવી સૌને પ્રભાવિત કર્યાં હતાં.

વહાણવટા ઉદ્યોગ માટે તેમને વિશિષ્ટ લગાવ હતો. તેમણે ‘ભારતીય વહાણવટાનો ઇતિહાસ’ (Indian shipping through ages) નામનો એક આધારભૂત પ્રબંધ લખ્યો છે. તેઓ અવારનવાર વહાણવટા વિશે નાનામોટા લેખો અને રેડિયો-વાર્તાલાપો આપતાં હતાં. દિલ્હીમાં તેમણે ભારતીય વહાણવટાના ઇતિહાસ અને તેના વિકાસને પ્રદર્શિત કરતાં બે મહત્ત્વનાં પ્રદર્શનો યોજ્યાં હતાં. મુંબઈના સિંધિયા હાઉસમાં તેમણે ચિત્રો, આલેખો, નમૂનાઓ તેમજ સંખ્યાબંધ સંદર્ભગ્રંથો ધરાવતો ભારતીય વહાણવટા વિશેનો મૂલ્યવાન માહિતીસંગ્રહ એકત્રિત કર્યો છે.

વિશ્વભરમાં પથરાયેલ વિશાળ સંસ્થાના સંચાલક તરીકેની ઉજ્જ્વળ કારકિર્દી અને અનેક માન-અકરામ પામ્યાં છતાં તેઓ સરળ, નિખાલસ અને નમ્ર હતાં. ન્યૂયૉર્કના ‘લેડીઝ હોમ જર્નલ’ નામના જાણીતા સામયિકે કરેલ મોજણીમાં સુમતિબહેનને દુનિયાની પ્રથમ દસ શ્રીમંત મહિલાઓમાં ગણાવ્યાં હતાં. આમ છતાં, સાદગી તેમના વાણીવર્તનમાં વણાયેલી જોવા મળતી હતી. તેઓ કહેતાં : ‘હું કંપનીની માત્ર એક ટ્રસ્ટી જ છું. તેને મારી અંગત પેઢી તરીકે નહિ; પરંતુ એક સંસ્થા તરીકે ચાલતી જોવા ઇચ્છું છું. તેમાંથી મને વળતરની કોઈ અપેક્ષા નથી.’

તેમની સ્વદેશપ્રેમની ભાવનાને અનુસરીને 1942ની ચળવળમાં શ્રી જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા અને શ્રી અરુણા અસફઅલી જેવા કાર્યકરો તેમના જૂહુના આવાસમાં આવતા હતા. ત્યાં એક છૂપું છાપખાનું પણ ચાલતું હતું. ગાંધીજી મહદ્અંશે તેમને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હતા. એ ખંડ આજે પણ જેમને તેમ જાળવી રખાયો છે. તેમની પાસે ગાંધીજીના જાણીતા ત્રણ વાંદરા, અનેકવિધ ફોટોગ્રાફો, ધાતુપ્રતિમાઓ, વિવિધ ઘાટનાં વાસણો, શિલ્પો, ચિત્રો, રત્નો, કાષ્ઠ-કોતરણીના ઉત્કૃષ્ટ નમૂનાઓ, ભરતકામ, જરીકામ તથા વણાટકામના અનેક નમૂનાઓનો મોટો કલાસંગ્રહ છે. એ ઉપરાંત, કલાવિષયક સંખ્યાબંધ ગ્રંથો પણ છે. તેમણે દોઢસો જેટલી સૂડીઓ પણ એકત્ર કરી છે.

બાળપણથી જ વૈષ્ણવ ધર્મમાં પલોટાયેલાં સુમતિબહેનનો પૂજાપાઠનો નિયમ જીવનભર અસ્ખલિત ચાલુ રહ્યો હતો. દેશસેવા ઉપરાંત વિવિધ જાતનાં ભોજનો બનાવવાનો અને જમાડવાનો તેમને શોખ હતો.

તેમની કારકિર્દી દેશને તેમજ નારીશક્તિને ગૌરવ તેમજ પ્રેરણા અપાવે તેવી હતી. ભારતીય વહાણવટાના ઇતિહાસ અને વિકાસ સાથે તેમનું નામ સદાય સંકળાયેલું રહે એવું એમનું એ ક્ષેત્રનું સંગીન સેવાકાર્ય છે.

સૂર્યકાન્ત શાહ