સુમતિનાથ તીર્થંકર : જૈન ધર્મના પાંચમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં શંખપુર નામે સુંદર નગરીમાં સર્વત્ર વિજયપતાકા ફેલાવનાર વિજયસેન નામે રાજા અને સુદર્શના નામે રાણીના પુરુષસિંહ નામે પુત્ર હતા.

યુવાવસ્થાને પામેલા કુમાર પુરુષસિંહ દેવાંગનાઓ સમાન આઠ કન્યાઓને પરણ્યા, પણ યુવાવસ્થામાં જ વિનયનંદન નામના સૂરિ ભગવંતના સમાગમથી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા અંગીકાર કરી. વીશસ્થાનક તપનું આરાધન કરી રાજકુમાર પુરુષસિંહે તીર્થંકર નામકર્મની નિકાયના કરી, કાળધર્મ પામી વૈજયંત વિમાનમાં મહર્દ્ધિકદેવપણે ઉત્પન્ન થયા.

ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રનાં આભૂષણરૂપ વિનીતા નગરીમાં ઇક્ષ્વાકુવંશભૂષણ મહારાજા મેઘરાજાને ત્યાં મંગલારાણીની કુક્ષિએ શ્રાવણ શુક્લ દ્વિતીયાના દિવસે મઘા નક્ષત્રમાં તેત્રીસ સાગરોપમનું દેવનું આયુષ્ય પૂર્ણ કરી પુરુષસિંહનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પુત્રરત્નના અવતરણથી સમગ્ર નગરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું.

મહારાજા મેઘે પણ પુત્રનો જન્મ-મહોત્સવ ઊજવ્યો. પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેના પ્રભાવથી માતા મંગલાદેવીએ એક પુત્ર માટે લડતી બે માતાઓમાંથી સાચી માતાને ઓળખી બતાવી ચમત્કારપૂર્ણ ન્યાય આપ્યો હતો. માતાએ જટિલ વિવાદનો સુંદર ઉકેલ પોતાની નિર્મળ મતિથી આપેલ તેથી પુત્રનું નામ ‘સુમતિ’ પાડ્યું.

સુમતિનાથ પ્રભુના દસ લાખ પૂર્વ કુમાર-અવસ્થામાં પસાર થયા. ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પસાર થયા. પ્રભુએ તેમની દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.

વૈશાખ સુદ નવમીના દિવસે અભ્યંકરા શિબિકામાં બેસી પ્રભુ હજારો દેવો મનુષ્યોની સાથે દીક્ષા માટે નીકળ્યા. સહસ્રામ-વનમાં આવી 1000 રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા જ દિવસે વિજયપુર નગરમાં પદ્મરાજાને ત્યાં પ્રભુએ પરમાન્નથી પારણું કર્યું. પાંચ દિવ્યો પ્રગટ થયા. વીસ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી, વિવિધ સાધના કરી પ્રભુ પુન: અયોધ્યા નગરીમાં સહસ્રામ્ર-વનમાં આવ્યા. પ્રિયંગુ વૃક્ષની નીચે ક્ષપકશ્રેણીમાં આરૂઢ પ્રભુને ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મઘા નક્ષત્રમાં છઠ્ઠ તપ દરમિયાન કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી.

પ્રભુએ સંસારના સંબંધોની આસક્તિની વિરૂપતા ઉપર વૈરાગ્યપ્રેરક દેશના આપી. પ્રભુની દેશના સાંભળી ચમર વગેરે સો રાજકુમારો અને અનેક નર-નારીઓએ દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ સો રાજકુમારોને ગણધરપદે સ્થાપ્યા. સુમતિનાથ પ્રભુના શાસનમાં ગરુડના વાહનવાળા તુંબરુ નામે અધિષ્ઠાયક યક્ષ અને પદ્મના આસને સ્થિત મહાકાળી નામે શાસનદેવી થઈ.

સુમતિનાથ પ્રભુના પરિવારમાં 3,20,000 સાધુ ભગવંતો; 5,30,000 સાધ્વીજીઓ; 2,400 ચૌદપૂર્વી મુનિઓ; 11,000 અવધિજ્ઞાની મુનિઓ; 10,450 મન:પર્યવજ્ઞાની મુનિઓ; 13,000 કેવલજ્ઞાની મુનિઓ; 18,400 વૈક્રિય લબ્ધિધારી; 10,450 વાદલબ્ધિધારી મુનિઓ; 2,81,000 શ્રાવકો; 5,16,000 શ્રાવિકાઓ હતાં.

સુમતિનાથ સ્વામિના પરિવારમાં શ્રાવક-શ્રાવિકાસંઘ કરતાં શ્રમણ-શ્રમણી સંઘની સંખ્યા વિશેષ હતી.

સુમતિનાથ સ્વામિએ બાર પૂર્વાંગ અને વીસ વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જીવો પર ઉપકાર કર્યો. અંતે 1,000 મહાત્માઓની સાથે સમેતશિખર તીર્થે આવી અનશનપૂર્વક પ્રભુ નિર્વાણ પામ્યા. દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, 29 લાખ પૂર્વ અને બાર પૂર્વાંગ રાજ્યવસ્થામાં, બાર પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ શ્રમણ-અવસ્થા પાળી, કુલ ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા.

રમણીક શાહ