સીતારામૈયા ડૉ. પટ્ટાભી ભોગરાજુ

January, 2008

સીતારામૈયા, ડૉ. પટ્ટાભી ભોગરાજુ (. 24 ડિસેમ્બર 1880, ગુંડુગોલાણુ, જિ. વેસ્ટ ગોદાવરી; . 17 ડિસેમ્બર 1959) : સ્વાતંત્ર્યસૈનિક, મધ્યપ્રદેશના ગવર્નર, કૉંગ્રેસના ઇતિહાસકાર અને પત્રકાર. તેમના પિતા સુબ્રહ્મણ્યમ્ પોતાના ગામના ‘કર્ણમ્’ તરીકે માસિક આઠ રૂપિયા પગાર મેળવતા હતા. તેઓ આંધ્ર-નિયોગી બ્રાહ્મણ હતા. તેઓ બાળક હતા ત્યારે પિતાનું અવસાન થવાથી માતા ગંગામ્માએ ગરીબીમાં ચાર સંતાનો ઉછેર્યાં. પટ્ટાભીએ ઇલોરની ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાંથી 1894માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. કાકીનાડાના જાણીતા અને શ્રીમંત વકીલ ગંજમ વેંકટરત્નમ્ પંતુલુની દીકરી રાજેશ્વરમ્મા સાથે તેમનાં લગ્ન થયાં. વકીલ પંતુલુની આર્થિક મદદથી પટ્ટાભી મદ્રાસ મેડિકલ કૉલેજમાં જોડાયા અને 1901માં એમ.બી. ઍન્ડ સી.એમ.ની ડિગ્રી મેળવી.

ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયા

તેમણે મસુલિપટનમ્ જઈને 1906માં પ્રૅક્ટિસ શરૂ કરી. તે સમયે બંગભંગનું આંદોલન ચાલતું હોવાથી દેશમાં રાષ્ટ્રવાદનું મોજું ફેલાયું હતું. પટ્ટાભીએ પણ લોકોમાં રાષ્ટ્રવાદ જગાડવા પ્રવચનો, હરિકથાઓ તથા વર્તમાનપત્રો દ્વારા પ્રયાસો કરવા માંડ્યાં. ઈ. સ. 1907માં પટ્ટાભી તથા ત્યાંના આગેવાનોએ નૅશનલ કૉલેજ માટે ફાળો ભેગો કરવા માંડ્યો અને 1910માં આંધ્રજાતીય કલાસલની સ્થાપના કરી. પટ્ટાભીએ તેના સેક્રેટરી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી.

યુવાન પટ્ટાભી શરૂમાં ઉગ્ર રાષ્ટ્રવાદી હોવાથી લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચન્દ્ર પાલ પ્રત્યે આકર્ષાયા. તેઓ ડૉ. એની બેસન્ટની હોમરૂલ લીગના સભ્ય થયા; પરંતુ છેવટે ગાંધીવાદી બન્યા તથા તેમના માર્ગદર્શન હેઠળ સત્યાગ્રહોમાં જોડાયા.

તેમણે ઈ. સ. 1919માં ‘જન્મભૂમિ’ નામથી અંગ્રેજી રાષ્ટ્રવાદી સાપ્તાહિક મસુલિપટનમમાં શરૂ કર્યું. તેના દ્વારા તેમણે અહિંસા, સત્યાગ્રહ, પરદેશી માલનો બહિષ્કાર, સહકારી પ્રવૃત્તિના ફાયદા વગેરે વિચારોનો પ્રચાર કર્યો. ‘પ્રતિવર્ષ દેશના સો કરોડ રૂપિયા વિદેશમાં જતા’ અટકાવવા ભારતીયોને બૅંકો અને વીમા કંપનીઓ સ્થાપવાની તેમણે જોરદાર હિમાયત કરી. તેમનું ‘જન્મભૂમિ’ સાપ્તાહિક 1930 સુધી ચાલ્યું. આંધ્રમાં સહકારી ચળવળનો પ્રચાર કરવા તેમણે તેલુગુ ભાષામાં ‘આંધ્ર સહકાર પત્રિકા’ શરૂ કરી. મસુલિપટનમ્ નગરપાલિકાના સભ્ય તરીકે કેટલાંક વર્ષ તેઓ ચૂંટાયા હતા. મસુલિપટનમમાં તેમણે આંધ્ર બૅંક (1923), ભારત લક્ષ્મી બૅંક (1929), આંધ્ર ઇન્સ્યૉરન્સ કંપની (1925) તથા હિન્દુસ્તાન ઇન્સ્યૉરન્સ કંપની(1935)ની સ્થાપના કરી.

ઈ. સ. 1898માં ચેન્નાઈ(મદ્રાસ)માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળ્યું હતું, ત્યારથી તેઓ તેમાં જોડાયા. તેઓ 1913થી આંધ્ર-ચળવળમાં ભાગ લેતા અને તેમણે આંધ્ર માટે યુનિવર્સિટી તથા અલગ આંધ્ર પ્રાંત રચવા માગણી કરી. ભારતીય રાષ્ટ્રવાદ મજબૂત કરવા પ્રાંતોની ભાષાવાર પુનર્રચના કરવાની જરૂરિયાત દર્શાવતા કેટલાક લેખો ‘હિન્દુ’માં લખ્યા અને એક પુસ્તક પ્રગટ કર્યું. તેઓ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના 1916માં સભ્ય થયા અને ત્યારથી પ્રૅક્ટિસ છોડી દીધી. તેઓ 1952 સુધી અખિલ ભારત કાગ્રેસ સમિતિના (AICC) સભ્ય રહ્યા. તેઓ 1929થી 1948 સુધી કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયા હતા.

ગાંધીજીએ 1920માં અસહકારની ચળવળ શરૂ કરી, ત્યારે પટ્ટાભીએ તેના વિશે એક પુસ્તિકા પ્રગટ કરી. તેઓ 1924 તથા 1925નાં વર્ષો દરમિયાન ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં સક્રિય હતા. ફેબ્રુઆરી, 1928માં સાયમન કમિશનના સભ્યોએ ચેન્નાઈની મુલાકાત લીધી ત્યારે તેમણે તેની સામે દેખાવો કર્યા, તેમની ધરપકડ કરવામાં આવી અને પાછળથી છોડી દેવામાં આવ્યા.

સવિનય કાનૂનભંગની ચળવળ (1930) વખતે તેમણે ઈસ્ટ કૃષ્ણા જિલ્લાનાં ગામોનો પ્રવાસ ખેડીને ગ્રામજનોને ચળવળનું મહત્ત્વ સમજાવ્યું. એપ્રિલ, 1930માં તેમણે સ્વયંસેવકોની ટુકડીની આગેવાની લઈને મસુલિપટનમના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો.

મસુલિપટનમમાં 5 જાન્યુઆરી, 1932ના રોજ પ્રતિબંધક આદેશનો ભંગ કરીને એક જાહેરસભાને સંબોધતાં, ડૉ. પટ્ટાભીની ધરપકડ કરી, એક વર્ષની કેદની સજા તથા રૂ. 1,100/ દંડ કરવામાં આવ્યો. ઑક્ટોબર, 1933માં પરદેશી કાપડ વેચતી દુકાન પર પિકેટિંગ કરતાં તેમની ધરપકડ કરી, તેમને છ માસની કેદની સજા તથા રૂ. 500/ દંડ કરવામાં આવ્યો.

કરાંચીમાં 1936માં મળેલ ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના પ્રમુખપદેથી તેમણે કેન્દ્રની ધારાસભામાં તેમના પ્રતિનિધિઓ મોકલવા સહિતના અધિકારો તેઓને આપવાની જોરદાર હિમાયત કરી. તેઓને ફરીથી 1939 તથા 1946-48માં આ સંસ્થાના પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા.

1938માં કાગ્રેસના પ્રમુખપદ માટે ગાંધીજીએ તેમનું નામ સૂચવ્યું; પરંતુ સુભાષચંદ્ર બોઝ સામે તેમનો પરાજય થયો. તે વખતે ગાંધીજીએ કહ્યું કે, ‘પટ્ટાભીની હાર તે મારી હાર છે.’

ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ (1940-41) શરૂ કર્યો ત્યારે પટ્ટાભી સત્યાગ્રહ કરે તે પહેલાં તેમની ધરપકડ કરીને 19 માર્ચથી 1 નવેમ્બર, 1941 સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા. ‘હિંદ છોડો’ લડત શરૂ થઈ ત્યારે 9 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં તેમની ધરપકડ થઈ અને જૂન, 1945માં તેમને છોડવામાં આવ્યા. ડિસેમ્બર, 1946માં ચેન્નાઈમાંથી બંધારણસભાના સભ્ય તરીકે તેઓ ચૂંટાયા. 1948માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના જયપુર અધિવેશનના પ્રમુખપદે તેઓ ચૂંટાયા હતા. જુલાઈ, 1952થી જૂન, 1957 સુધી તેમણે મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી.

ડૉ. પટ્ટાભી લોકપ્રિય કૉંગ્રેસી નેતા હતા. ગાંધીજીને તેમના માટે ઊંચો અભિપ્રાય હતો; છતાં તેમણે પ્રાંત કે કેન્દ્રની ધારાસભાના સભ્યપદની ઉમેદવારી કરી ન હતી. કૉંગ્રેસના સંગઠન માટે કામ કરવામાં તથા લેખનકાર્યમાં તેમને રસ હતો. તેમણે ‘ઇન્ડિયન નૅશનાલિઝમ’, ‘હિસ્ટરી ઑવ્ ધ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ વૉલ્યૂમ 1 અને 2, ‘નૉન-કોઑપરેશન’, ‘ગાંધી ઍન્ડ ગાંધીઝમ’ વગેરે પુસ્તકો લખ્યાં છે.

જયકુમાર ર. શુક્લ