સિયાલકોટ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા લાહોર વિભાગનો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 32° 30´ ઉ. અ. અને 74° 31´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે આઇક નાળું અને ચિનાબ નદી, પૂર્વ તરફ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુ (આશરે 60 કિમી.ને અંતરે), અગ્નિ તરફ રાવીનો ખીણપ્રદેશ, દક્ષિણે ગુજરાનવાલા તથા પશ્ચિમે વઝીરાબાદ આવેલાં છે. જિલ્લાનો ઉત્તર ભાગ ખૂબ જ ફળદ્રૂપ છે, પરંતુ દક્ષિણ ભાગ ઓછો ફળદ્રૂપ છે. જિલ્લાને ઉત્તર ચિનાબ નહેરનો લાભ મળે છે. ખેતી માટે અનુકૂળ પડે એવા મૂળ વિસ્તારના આશરે 90 % ભાગમાં ખેતીની પ્રવૃત્તિનો વિકાસ થયેલો છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ અને શેરડીનો સમાવેશ થાય છે.

સિયાલકોટ શહેરમાં સુતરાઉ કાપડના, ભાતીગળ વસ્ત્રોના, અનાજ દળવાના, કાગળના અને રમતનાં સાધનોના અનેક એકમો આવેલા છે. સિયાલકોટ શહેર વઝીરાબાદ તેમજ જમ્મુ સાથે રેલમાર્ગથી તથા લાહોર અને ગુજરાનવાલા સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે.

વિક્રમાદિત્યના સમયમાં રાજા શાલિવાહને આ શહેરની સ્થાપના કરેલી. ઇન્ડો-ગ્રીક સમયમાં તે આ વિસ્તારના મુખ્ય નગર તરીકે જાણીતું હતું. આજે આ શહેરની આજુબાજુ ઘણી વસાહતો વિકસી છે. 1867માં આ શહેરમાં સર્વપ્રથમ વાર મ્યુનિસિપાલિટીની રચના થઈ હતી. આ શહેરમાં અનેક હૉસ્પિટલો, બે ગ્રંથાલયો તથા પંજાબ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો આવેલી છે. શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ નાનક તેમજ કવિ અને તત્ત્વચિંતક મોહમ્મદ ઇકબાલનું આ જન્મસ્થળ છે.

ઇતિહાસ : ઈસવી સન પૂર્વેની બીજી સદીમાં પુષ્યમિત્ર શૂંગના સામ્રાજ્યમાં પંજાબમાં સિયાલકોટનો સમાવેશ થતો હતો. મદ્રકોએ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેનો પ્રદેશ કબજે કર્યો. તેમનું પાટનગર સાકલ-આધુનિક સિયાલકોટ હતું. ઈ. પૂ.ની પહેલી સદીમાં ડિમેટ્રિયસ(દિમિત્ર)ની સત્તા હેઠળ સાકલનો પ્રદેશ હતો. ‘મિલિન્દ-પન્હા’ ગ્રંથમાં જણાવ્યા મુજબ, મિનેન્ડર(મિલિન્દ)નું પાટનગર પંજાબમાં સાકલ – આધુનિક સિયાલકોટ હતું. હૂણ જાતિના લોકોનો સરદાર તોરમાણ પાંચમી સદીના અંત અને છઠ્ઠી સદીના આરંભમાં થઈ ગયો. તેનો પુત્ર મિહિરકુલ આશરે ઈ. સ. 515માં ગાદીએ આવ્યો હતો. હ્યુ-એન-સંગના જણાવ્યા મુજબ તેનું પાટનગર સાકલ અથવા સિયાલકોટ હતું અને તે ભારત ઉપર રાજ્ય કરતો હતો. ઈ. સ. 1185માં શિહાબુદ્દીન ગોરી ફરીથી પંજાબ ઉપર ચડી આવ્યો અને સિયાલકોટનો દુર્ગ કબજે કરી ત્યાં તેણે લશ્કરી થાણું બેસાડ્યું. ખુસરો મલેકે ખખ્ખરોની મદદથી સિયાલકોટના દુર્ગ ઉપર ચડાઈ કરી તેને ઘેરો ઘાલ્યો; પરંતુ દુર્ગમાંની ફોજે તેને હાંકી કાઢ્યો હતો.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ