સિંહ (Panthera leo) : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી. આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. તેનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું જંગલ સૂકું કંટકવન (thorny forest) કે પાનખર ઝાંખરાયુક્ત જંગલ (deciduous shruby forest) છે. ઈ. પૂ. 6000માં ભારતમાં સ્થાયી થયેલ આ સ્થાનાંતર કરતી જાતિ છે. મુઘલ અને અંગ્રેજોના શાસન દરમિયાન તેમનો વિપુલ પ્રમાણમાં શિકાર થયો. પરિણામે તેમની સંખ્યામાં અનહદ ઘટાડો થયો છે. હાલમાં તે માત્ર સાસણગીરનાં જંગલોમાં વાસ કરે છે.

બિલાડી કુળનાં બધાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું છે. તેને હિંમત, બહાદુરી, વફાદારી અને ઉમદાપણાનું પ્રતીક માનવામાં આવે છે અને આથી જ મર્દાનગી, રોગપ્રતિકારકતા અને અન્ય બીમારીઓ દૂર કરવામાં તેનો નહોરનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે.

સિંહનું કદ વાઘ કરતાં થોડુંક નાનું હોય છે; તેમ છતાં તેની પૂંછડી સાથેની લંબાઈ નરમાં 3.05 મીટર (10 ફૂટ) અને માદામાં 2.74 મીટર (9 ફૂટ) જેટલી હોય છે. નરનું વજન આશરે 181 કિલો (400 પાઉન્ડ) અને માદાનું વજન 125થી 170 કિલો (275થી 375 પાઉન્ડ) જેટલું હોઈ શકે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચાનો રંગ સોનેરી બદામી પ્રકારનો હોય છે; પરંતુ નરમાં શીર્ષ પ્રદેશમાં કેશવાળી હોવાથી તે વધુ આકર્ષક દેખાય છે. આમ આ પ્રાણીમાં લિંગભેદ સ્પષ્ટ જોવા મળે છે. કેશવાળીની શરૂઆત નરમાં બે વર્ષની ઉંમરે શરૂ થઈ 6 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે. તેના દ્વારા નરની શક્તિ અને વય જાણી શકાય છે.

સિંહ

સિંહને સામાજિક પ્રાણી માનવામાં આવે છે. તેનું ઝુંડ 10થી 40ની સંખ્યામાં હોઈ શકે છે. જેમાં 4થી 5 નર, 15થી 20 જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર બીજા જૂથના સરદારને મારીને નવા જૂથનું આધિપત્ય ભોગવે છે. આ સમયે પુરોગામીનાં બચ્ચાંને પણ તે મારી નાખે છે.

પ્રત્યેક જૂથનો પોતાનો નિશ્ચિત સરહદી વિસ્તાર હોય છે; જે 25થી 250 ચોકિમી. જેટલો હોઈ શકે છે. તેઓ અન્ય વિસ્તારમાં પ્રવેશતા નથી અને અન્ય જૂથને પોતાના વિસ્તારમાં પ્રવેશતાં અટકાવે છે.

ભારતીય સિંહના ખોરાકમાં મુખ્યત્વે નીલગાય, હરણ, ચીતળ કે સાબરનો સમાવેશ થાય છે. સિંહની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘની તુલનામાં ઓછી હોય છે. વળી તેઓ લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો કરી શકતા નથી; આથી શિકાર(મારણ)ની સફળતા 20 %થી 30 % જેટલી હોય છે. આ પ્રાણી શિકાર કરતી વખતે પોતાનો આક્રમણમાર્ગ બદલતા નથી. પરિણામે ખોરાકની પૂર્તિ મૃત પ્રાણીઓ દ્વારા પણ કરવી પડે છે, જે તેના ખોરાકના કુલ જથ્થાનો લગભગ 10 %થી 15 % જેટલો હિસ્સો હોય છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અથવા વાંદરાના અવાજને આધારે સિંહ પોતાના શિકારની શોધ કરે છે. શિકાર સમયે તેમની દોડવાની ઝડપ 56 કિમી./કલાકની રહે છે. સિંહ ત્રણ પ્રકારે શિકાર કરે છે :

  1.   નાના ભક્ષ્યની ડોક પકડીને તેની કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે.
  2.  મોટા ભક્ષ્યનું ગળું વી તેને ગૂંગળાવીને મારે છે.
  3.  અત્યંત મોટા ભક્ષ્યને પીઠ પર પ્રહાર કરી પછાડીને મારી નાખે છે.

શિકાર કરવાનો સમય સાંજનો રહે છે; તેમ છતાં રાત્રી દરમિયાન સફળતા વધુ મળે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. ટોળામાં રહેલા પુખ્ત સિંહો વારાફરતી ગર્જે છે. તેમના અવાજની માત્રા 114 ડેસિબલ જેટલી તીવ્ર હોય છે. આથી ગર્જનાનો અવાજ 5 માઈલ દૂર સુધી સંભળાય છે. આવી ગર્જનાનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તનો વધુ હોય છે.

માદા પ્રાણી થી 3 વર્ષની ઉંમરે ‘ઋતુ’માં આવે છે. આ સમયે તેના મૂત્રમાં રહેલા અંત:સ્રાવોની ગંધ નરને ઉત્તેજિત કરે છે. ચોમાસું તેમનો પ્રજનનકાળ કહી શકાય. નર માદાની પીઠ પર આરૂઢ થઈ મૈથુન કરે છે, જે માત્ર 5થી 10 સેકંડ પૂરતું મર્યાદિત રહે છે; પરંતુ દર 20થી 30 મિનિટના અંતરે મૈથુનક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને આ પ્રક્રિયા 3થી 7 દિવસ સુધી અવિરત ચાલુ રહે છે. આ ગાળામાં નર ખોરાક કે શિકારની ચિંતા કરતો નથી.

પ્રત્યેક મૈથુન બાદ માદા જમીન પર ચત્તી થઈ આળોટે છે. 1થી 2 મિનિટની આ ક્રિયા હોય છે; તેમાં ગર્ભાધાન માટેની શક્યતા વધારે રહે છે. સિંહણનો ગર્ભાવધિકાળ 105 દિવસનો હોય છે. આ સ્થિતિમાં તે સુરક્ષિત, એકાકી આશ્રયસ્થાન શોધે છે અને 2થી 4 બચ્ચાંને જન્મ આપે છે. જન્મસમયે બંધ આંખો ધરાવતાં બચ્ચાંનું વજન 1.35થી 1.8 કિગ્રા. જેટલું જ હોય છે. આછા બદામી રંગની ત્વચા પર ઘેરાં ટપકાં કે પટ્ટીઓ જોવા મળે છે. નર બચ્ચાનો મૃત્યુદર વધુ જોવા મળે છે, કારણ કે તે વધુ ચપળ અને જિજ્ઞાસુ હોવાથી દુશ્મન પ્રાણીઓની નજરે પહેલાં ચડે છે. બે વર્ષની ઉંમરે બચ્ચાં માતાની સાથે શિકાર કરવાની શરૂઆત કરે છે. દિવસ દરમિયાન આ પ્રાણી કાંટાળા વૃક્ષની નીચે નિદ્રાધીન રહે છે.

ગીરના અભયારણ્યમાં સિંહોની સંખ્યા આશરે 290થી 305 જેટલી નોંધાયેલી છે. વિશ્વમાં સિંહની મૂળભૂત 7 ઉપજાતિઓ હતી જેમાંથી 5 બચી છે. આ ઉપજાતિઓ નીચે પ્રમાણે છે :

  1. Panthera leo bleyenberghi (એંગોબાન લાયન)
  2. Panthera leo persica (એશિયન લાયન)
  3. Panthera leo massaiens (મસાઈ લાયન)
  4. Panthera leo senegalensis (સેનેગેલેન્સિસ લાયન)
  5. Panthera leo krugeri (ટ્રાન્સવાલ લાયન)

વિશ્વમાં હાલ સિંહની મુખ્ય બે જાતિઓ અસ્તિત્વમાં છે; જેમાં ભારતમાં (ગુજરાત) એશિયન સિંહ (P. leo persica) અને આફ્રિકામાં વસતા (આફ્રિકન) સિંહ(P. leo africans)નો સમાવેશ થાય છે. આફ્રિકન સિંહ કદમાં મોટો હોય છે. વળી તેની કેશવાળી વધુ ગાઢ અને ઘેરા કાળા રંગની હોય છે. તેની પૂંછડીના છેડે કેશનું ઝૂમખું તેને એશિયન સિંહથી જુદો પાડે છે. એશિયન સિંહના ઉદર પ્રદેશમાં વક્ષ બાજુએ ત્વચાની ગડી જોવા મળે છે, જે આફ્રિકન સિંહમાં હોતી નથી. આફ્રિકન સિંહનું મોઢું લાંબું હોય છે, જ્યારે ભારતના સિંહનું મોઢું (muzzle) ચપટું હોય છે.

વર્ગીકરણ :
સમુદાય : મેરુદંડી (Chordata)
ઉપસમુદાય : પૃષ્ઠવંશી (Vertebrata)
વિભાગ : હનુધારી (Gnathostomata)
પ્રવર્ગ : ચતુષ્પાદ (Tetrapoda)
વર્ગ : સસ્તન (Mammalia)
ઉપવર્ગ : યુથીરિયા (Eutheria)
શ્રેણી : માંસાદ (Carnivora)
કુળ : ફેલિડી (Faelidae)

દિલીપ શુક્લ