સિંહ, . નીલકાંત (. 1928) : મણિપુરી ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘તીર્થયાત્રા’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તત્વજ્ઞાનના વિષયમાં એમ.એ. ઉપરાંત તેઓ કાયદાના સ્નાતક પણ છે. 1953થી 1971 સુધી તેમણે ઇમ્ફાલની ડી.એમ. કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે મણિપુર રાજ્ય કલા અકાદમીના સચિવ (1972-78) તથા મણિપુર સરકારના સમાજ-કલ્યાણ તેમજ કલા અને સંસ્કૃતિ વિભાગના નિયામક (1978-86) જેવા વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી. તેઓ મણિપુરની અનેક સાંસ્કૃતિક-સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. લલિતકલા અકાદમીની સામાન્ય સભાના સભ્ય (1972-76) તથા સંગીત નાટક અકાદમીના કાર્યકારી બોર્ડના સભ્ય (1972-82) તરીકે પણ તેમણે સેવા આપી. તેમણે પુષ્કળ પ્રવાસ કર્યો છે તથા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો તથા પરિષદોમાં ભાગ લીધો છે.

ઈ. નીલકાંત સિંહ

આધુનિક મણિપુરી કવિતાના તેઓ પ્રવર્તક લેખાયા છે. તેમના 2 કાવ્યસંગ્રહો; ‘અચાઇબા લેહ’ તથા ‘મતામ્ગી વખાલ’ નામના 2 નિબંધસંગ્રહો; ‘મણિપુરી કવિતાગી ચાંદા’ નામક મણિપુરી છંદ:શાસ્ત્રનું પુસ્તક અને ‘આસ્પેક્ટ્સ ઑવ્ ઇંડિયન કલ્ચર’ નામનું અંગ્રેજી પુસ્તક પ્રગટ થયાં છે. તેમણે ‘મિત્યેંગ’, ‘રિતુ’ તથા ‘સાહિત્ય’ નામનાં 3 સામયિકોનું સંપાદન પણ કર્યું હતું.

‘તીર્થયાત્રા’ કાવ્યસંગ્રહ છે. તેમાં મનુષ્યની મૂળભૂત ઉદાત્તતામાં વિશ્વાસ તથા તેના માટેની પ્રતિબદ્ધતા ઉપરાંત અનિશ્ચિતતાભર્યા પરિવર્તન પામતા આ જગતમાં જીવી રહેલા મનુષ્યો માટેની ઊંડી ચિંતા આલેખાઈ છે. તેમાં પ્રગટ થયેલ માનવતાવાદી દૃષ્ટિકોણ તથા ઉદાત્ત ચિંતન અનન્ય લેખાયાં છે.

મહેશ ચોકસી