સિંહદેવ ગણિન્ : ગુજરાતી આલંકારિક ટીકાકાર. તેઓ જૈન મુનિ હતા. ગુજરાતના આ જૈન મુનિએ વાગ્ભટ નામના આલંકારિક આચાર્યે રચેલા અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ પર સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકાના આરંભમાં 24મા જૈન તીર્થંકર મહાવીરની સ્તુતિ કરી છે. તેમણે પ્રસ્તુત ટીકા પોતાની સ્મૃતિ પાકી કરવા અને સામાન્ય માણસને સમજ આપવા માટે લખી હોવાનું જણાવ્યું છે. તેમની ટીકા ચૂર્ણી પ્રકારની છે.

મુંબઈમાંથી નિર્ણયસાગર પ્રેસની કાવ્યમાલા સિરીઝમાં 48મા ગ્રંથ તરીકે ગઈ સદીના આરંભમાં ‘વાગ્ભટાલંકાર’ ગ્રંથ સિંહદેવની ટીકા સાથે પ્રકાશિત થયો છે. 1928માં તેની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ છે. તેના સંપાદકો પંડિત કેદારનાથ, દુર્ગાપ્રસાદ અને વાસુદેવ શાસ્ત્રી પણશીકર છે. એ પછી 1957માં ફરી વાર હિંદી ભાષાન્તર સાથે સત્યવ્રતસિંહે કાશીની ચૌખંભા સંસ્કૃત સિરીઝમાં ‘ચૂર્ણી’ ટીકા સાથે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. એમની ટીકા મૂળને અનુસરીને લખેલી છે અને પાંડિત્ય-પ્રદર્શનથી મુક્ત રહી છે. પ્રત્યેક શબ્દનો અર્થ સરળ સંસ્કૃતમાં સમજાવવાનું કાર્ય લેખકે કર્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી