સિંહ, ચંદ્રભાનુ (. 1922, નદિયામી, જિ. દરભંગા, બિહાર) : મૈથિલી કવિ. તેમને તેમના મહાકાવ્ય ‘શકુન્તલા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે 1940માં મૅટ્રિક થયા બાદ હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગમાંથી ‘હિંદી વિશારદ’ તથા હિંદી વિદ્યાપીઠ, દેવઘર(બિહાર)માંથી ‘સાહિત્યભૂષણ’ અને ‘સાહિત્યાલંકાર’ની ડિગ્રીઓ મેળવી હતી. તેમને મૈથિલી ઉપરાંત હિંદી તથા અંગ્રેજીની પણ સારી જાણકારી છે.

તેમણે 20 વર્ષ સુધી એક માધ્યમિક શાળામાં અને ત્યાર પછીના 20 વર્ષ એક હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું અને ત્યાંથી 1980માં સેવાનિવૃત્ત થયા. તેમણે વિદ્યાર્થી-અવસ્થાથી જ લેખનકાર્ય આરંભેલું. તેમણે મૈથિલી અને હિંદી બંને ભાષાઓમાં લેખનકાર્ય કર્યું છે. તેમની મૈથિલી કાવ્યકૃતિઓમાં ‘કોઈ ગીત અલાપૈ છૈ’, ‘સ્વદેશભારતી’ અને ‘શકુન્તલા’ છે તથા હિંદી કૃતિઓમાં ‘સપ્ત મહારથી’, ‘રાષ્ટ્રભારતી શતક’ અને ‘બજરંગપચીસા’ છે. તેમને યાત્રી પુરસ્કાર તથા ચેતના સમિતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘શકુન્તલા’ મહાકાવ્ય સંરચના તથા અભિવ્યક્તિના આનંદની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. વરાહક્ષેત્ર તથા કૌશિકી વગેરેનાં વર્ણનોમાં મિથિલાંચલના વિશુદ્ધ રંગ-ઢંગ કવિએ પ્રયોજ્યા છે. તેમની ભાષા સરળ છે તથા તેમાં મિથિલામાં પ્રચલિત સંગીતની રાગ-રાગિણીઓની સાથોસાથ લોકધૂનોનો તેમણે ભરપૂર ઉપયોગ કર્યો છે.

બળદેવભાઈ કનીજિયા