સાહની, દયારામ : હડપ્પીય સંસ્કૃતિના પ્રારંભિક સંશોધક-પુરાવિદ. સિંધુ સંસ્કૃતિના પ્રથમ નગર-સ્થાન – ટિંબા હડપ્પા(જિ. લારખાંના, પાકિસ્તાન)ની ભાળ તો છેક ઈ. સ. 1826માં મળેલ; પરંતુ જ્હૉન માર્શલ ભારતીય પુરાતત્ત્વ વિભાગના ડિરેક્ટર જનરલ બન્યા બાદ જ આનું ખોદકામ હાથ ધરાયેલ. આનો પ્રારંભ 1920-21માં દયારામ સાહનીના સંચાલનથી થયો, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકેલ નહિ. જ્હૉન માર્શલે આના વિશે ‘Notes on Sahani’s Work at Harappa in 1920-21’ લખેલ. (ASIAR, 1920-21 : 15-17). આ પછી 23-24 અને 24-25 એમ બે વર્ષ દરમિયાન પણ અહીં કામ આગળ ધપાવેલ. 1926-27માં મોહેં-જો-દડોનું અર્નેસ્ટ મેકે સાથે એમણે મહત્ત્વનું ખોદકામ કર્યું. આમ સિંધુ સંસ્કૃતિનાં અગત્યનાં બે નગરોના પ્રારંભિક ખોદકામમાં દયારામ સાહનીનું વિશેષ યોગદાન રહેલ છે. આ પૂર્વે બિહારના રામપુરામાં ઉત્ખનન કરી અશોકકાલીન સ્તંભો પણ તેમણે શોધી કાઢેલ (1911). જ્હૉન માર્શલ સાથે મંડોરના હડપ્પીય ટિંબાનું પણ ખોદકામ કરેલ (1914); ઉષ્કુરમાંથી કુશાણ ને પ્રાગ્-ગુપ્તકાલીન ટેરાકોટા હેડ્ઝ અને અન્ય ફિગર્સ પ્રાપ્ત કર્યાં (1916-17). આ ઉપરાંત તેમના મહત્ત્વનાં સંશોધન-ઉત્ખનન-કાર્યોમાં અવંતિપુર (1911); કાશ્મીર (1918); થાણેશ્વર નજીકના રાજા કરણ કા કિલ્લા (1922-23); ચૈત્રી સ્તૂપ (1928) વગેરેને ગણાવી શકાય. 1931થી 1935 દરમિયાન એમણે ભારતના પુરાતત્ત્વ-વિભાગના ડિરેક્ટર જનરલ તરીકે પણ કામ કરેલ. અહીંથી નિવૃત્ત થયા બાદ રાજસ્થાનના જયપુર રાજ્યના પુરાતત્ત્વ-વિભાગના વડા તરીકે જોડાઈ મહત્ત્વની કામગીરી તેમણે કરી હતી.

હસમુખ વ્યાસ