સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે. ભારતમાં તે હિમાલયમાં કાશ્મીરથી નેપાળ સુધી 2,500 મી.થી 5,000 મી.ની ઊંચાઈ સુધી ભેજવાળી જમીન પર થાય છે. વિદેશોમાં તિબેટ, ઈરાન અને અફઘાનિસ્તાનમાં તે સૌથી વધારે થાય છે. ભારતમાં તે મોટેભાગે ઈરાન અને અફઘાનિસ્તાનમાંથી આયાત થાય છે. સાલમ કંદ પ્રકારનો ભૌમિક ઑર્કિડ છે. તેના છોડ નાગમણિ કે હળદરના છોડ જેવા અને 30 સેમી.થી 60 સેમી. ઊંચા થાય છે. તેનાં પર્ણો ભાલાકાર અને 5 સેમી.થી 7.5 સેમી. લાંબાં હોય છે. તેનો પુષ્પદંડ 2.5 સેમી.થી 15 સેમી. લાંબો હોય છે. તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેના મૂળમાંથી ફણગા ફૂટે છે. મૂળ ખોરાક સંગ્રહ કરી પુષ્ટ બને છે. તેનો આકાર ગોળ, ભમરડા જેવો, અંડાકાર કે પંજાકાર હોય છે. તેનો રંગ પીળાશ પડતો સફેદ કે ભૂખરો અને કદ 0.5 સેમી. – 2 સેમી. × 4 સેમી. પારભાસક (transluscent), ગંધરહિત અને પ્રાય: મધુર સ્વાદયુક્ત હોય છે. કંદને પાણીથી સાફ કરી જાડા ખાદીના કપડા વડે તેના ઉપરની છાલ કાઢી નખાય છે. તેથી તે સફેદ દેખાય છે. ત્યાર પછી તાંબાના તવા પર નાખી તેને દેવતાની આંચ અપાય છે.

સાલમ એક કડવું ઘટક અને એક બાષ્પશીલ તેલ ધરાવે છે. પર્ણોમાં એક ગ્લુકોસાઇડ, લોરોગ્લોસિન (C14H20O8, ગલનબિંદુ 149°-151° સે.) હોય છે.

કંદના આસવનો ઉપયોગ સ્વરૂક્ષતા (hoarseness) નિવારવા થાય છે. તેનો પૌષ્ટિક ખોરાક તરીકે, ચેતાતંત્રના પોષક તરીકે અને વાજીકર (aphrodisiac) તરીકે પણ ઉપયોગ થાય છે. પાણી સાથે તે પુષ્કળ શ્ર્લેષ્મ ઉત્પન્ન કરે છે અને જેલી બનાવે છે, જે પોષક છે અને અતિસાર, મરડો અને દીર્ઘકાલીન તાવમાં ઉપયોગી છે. સાલમના કાઢામાં કેટલીક સાકર અને મરીમસાલા ઉમેરતાં માંદી વ્યક્તિ માટે એક ભાવતું પીણું બને છે. સાલમનો રેશમ-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગ થાય છે.

સાલમનું ચૂર્ણ સફેદ કે પીળાશ પડતું હોય છે અને રશિયન ઔષધકોશમાં દર્શાવ્યા મુજબ તેમાં પાણીનું 14 % અને ભસ્મનું 3 %થી વધારે પ્રમાણ ન હોવું જોઈએ.

આકૃતિ : સાલમપંજા, લસણિયો અને ગઠ્ઠા

સાલમમાં સફેદ, ચરાખ, લસણિયા, પંજાદાર અને દૂધમૂસળી જેવી જાતિઓ છે. આયુર્વેદ અનુસાર સાલમ પ્રાય: અષ્ટવર્ગમાં ગણાતી કે તેના જેવી બહુમૂલ્ય પૌષ્ટિક અને રસાયન-ઔષધિ છે. તે સ્વાદ(રસ)થી મધુર, કડવી; ગુણમાં – ગરમ, ભારે, બલકર, ઉષ્ણવીર્ય, ધાતુવર્ધક, રસાયન તથા પૌષ્ટિક; વાત-પિત્તશામક, સ્નેહન, અનુલોમન, વૃષ્ય (વીર્યવર્ધક), પુષ્ટિકર્તા તથા મગજ અને નાડીઓને બળ આપનાર છે. તેના પ્રયોગથી વીર્યક્ષય, ક્ષયરોગ, પ્રમેહ, પિત્તદોષ, વાયુદોષ, રક્તદોષ, આમદોષ, કમળો, કૃશતા અને કુંભકમળા રોગનો નાશ થાય છે. ઔષધિ રૂપે તેનાં કંદમૂળ ચૂર્ણ કે અવલેહ રૂપે લેવાય છે. તેના ચૂર્ણની માત્રા 3-6 ગ્રા. છે. સાલમ કીમતી હોવાથી ઘણી વાર તેમાં મૂસળી, શતાવરી કે તાલમૂળીનું અપમિશ્રણ કરવામાં આવે છે.

ઔષધિપ્રયોગો : (1) દેહપુષ્ટિ અને વીર્યવૃદ્ધિ માટે : સાલમ મિસરીનું ચૂર્ણ રોજ 3થી 5 ગ્રા. જેટલું ગરમ સાકરવાળા દૂધમાં સવાર-સાંજ આપવામાં આવે છે, અથવા સાલમ ચૂર્ણનો પાક બનાવી રોજ શક્તિ મુજબ ખાવાથી વીર્ય વધે છે, સ્તંભન થાય છે, તાકાત વધે છે અને દેહ પરિપુષ્ટ થાય છે.

(2) પ્રદર, પ્રમેહ (પેશાબમાં ધાતુ જાય છે) અને વીર્ય પાતળું પડવું, શીઘ્રપતન : સાલમ, પંજાબી સાલમ કે અશ્વગંધા અને મૂસળીનું ચૂર્ણ કરી રોજ 5-6 ગ્રા. દવા સાકરવાળા ગરમ દૂધમાં સવાર-સાંજ આપવામાં આવે છે અથવા તેનો પાક (અવલેહ) કરીને રોજ ખાવા અપાય છે.

(3) સંગ્રહણી : દૂધમૂસળી પ્રકારના સાલમનું ચૂર્ણ 5 ગ્રા. જેટલું તાજી છાશ કે ચોખાના ધોવરામણમાં ભેળવીને રોજ 2-3 વાર લેવાથી લાભ થાય છે.

(4) માનસિક-શારીરિક નબળાઈ : સાલમ, બદામ, શતાવરી, ખસખસ તથા બ્રાહ્મીનું ચૂર્ણ બનાવી રોજ સવાર-સાંજ 4-6 ગ્રા. દવા સાકરવાળા ગરમ દૂધમાં આપવામાં આવે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ