સાદિક હિદાયત

January, 2008

સાદિક હિદાયત (જ. 1903, તેહરાન; અ. 1951, પૅરિસ) : વીસમી સદીના ઈરાનના તેજસ્વી સાહિત્યકાર. તેઓ ફારસીમાં વ્યક્ત થયેલા આધુનિક વિચારોના પ્રતીક જેવા હતા. સાદિક હિદાયતનો જન્મ ઈરાનના એક શિષ્ટ અને કુલીન કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ રિઝા કુલી ખાન હિદાયત (અ. 1872) ઈરાનના કાજારી વંશના સમ્રાટોના દરબારમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવતા હતા. ફારસી કાવ્યના ઇતિહાસ તથા કવિઓના જીવનવૃત્તાંતો ઉપર આધારિત તેમની કૃતિ ‘મજમઉલ ફુસ્હા’ ફારસી ગદ્યસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રિઝા કુલી ખાન હિદાયતના વંશજોએ બંધારણવાદ તથા લોકશાહી ચળવળોમાં આગળ પડતો ભાગ લીધો હતો. હિદાયત કુટુંબ મૂળ માઝન્દરાન રાજ્યના જમીનદારો તથા ઉમરાવોનું કુટુંબ હતું. તેઓ દક્ષિણના ફાર્સ પ્રાંતમાં પણ જમીન-સંપત્તિ ધરાવતા હતા. આથી રાજ્યમાં તેમની આણ પ્રવર્તતી હતી અને તેઓ મહત્ત્વનાં જાહેર પદ ભોગવતા હતા. સાદિકના પિતા ઇત્તિઝાદુલ મુલ્ક સૈનિકશાળાના ડીન અને દાદા નય્યરૂલ મુલ્ક વિજ્ઞાનખાતાના મંત્રી રહ્યા હતા. રાજ્યાશ્રય હેઠળ ઊછરેલા સાદિકને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી હતી. તેઓ સરકારી શિષ્યવૃત્તિ લઈને દંતશાસ્ત્રના અભ્યાસ માટે યુરોપ ગયા હતા; પરંતુ કોઈ પણ પ્રકારનું વ્યવસાયી શિક્ષણ કે પદવી પ્રાપ્ત કર્યા વગર 1930માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. ત્યારે તેઓ નવા વિચારો અને સાહિત્યક્ષેત્રે કંઈ કરી બતાવવાની ધગશ લઈને આવ્યા હતા.

સાદિક બહુ સંવેદનશીલ હતા. ઈરાનમાં લોકશાહી ચળવળ અને તેના પરિણામરૂપ રઝા શાહ પહેલવીની સ્થપાયેલી રાજાશાહી તથા લોકોની કફોડી સ્થિતિથી તેઓ ઘણા ચિંતિત થયા હતા. વળી તેઓ સર્જનશીલ વ્યક્તિત્વ ધરાવનારા હતા. તેમની સંવેદનશીલતા તથા સર્જનશીલતાએ 1930થી 1950ના માત્ર વીસ વર્ષના ટૂંકા ગાળામાં ફારસી સાહિત્યને સમૃદ્ધ કરી દેનાર કૃતિઓની ભેટ આપી હતી. હિદાયતે પ્રાચીન ઈરાની-પહેલવી સંસ્કૃતિ, ધર્મ તથા સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જરથુષ્ટ્ર-ધર્મીઓ એટલે કે પારસીઓ ભારતમાં રહેતા હતા, તેથી તેમના ધર્મગ્રંથ અવસ્તાના પ્રત્યક્ષ અભ્યાસ માટે તેમણે બે વખત ભારતની પણ મુલાકાત લીધી હતી. સાદિકની ફારસી ગદ્ય-કૃતિઓમાં ટૂંકી વાર્તા, નવલિકા, નાટક, પ્રવાસકથા, વિવેચન, લોકસાહિત્ય તથા અનુવાદનો સમાવેશ થાય છે. તેમણે ફ્રેંચ ભાષામાં પણ કેટલીક કૃતિઓની રચના કરી હતી.

સાહિત્યકાર તરીકે સાદિકની ખ્યાતિનો આધાર તેમની ટૂંકી વાર્તાઓ ઉપર છે. તેમની પચાસ જેટલી ટૂંકી વાર્તાઓ તથા પચાસ જેટલા કજિયા(ટૂંકાં લખાણો)માં ‘ઝિન્દા બગૂર’; ‘દાઉદ કૂઝ પુશ્ત’; ‘આતશ પરસ્ત’; ‘દાશ આકુલ’, ‘સગે વલગર્દ’ વગેરે ખ્યાતનામ કૃતિઓનો સમાવેશ થાય છે. ફિક્શન (fiction) પ્રકારની તેમની શ્રેષ્ઠ કૃતિ ‘બૂફે કૂર’ (‘આંધળો ઘુવડ’) છે, જેમાં સાદિકનું સંવેદનશીલ માનસ એમનાં વર્ણનોમાં પ્રત્યક્ષ થાય છે. ‘બૂફે કૂર’નો અન્ય ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.

સાદિકનાં નાટકો ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવે છે અને મુખ્યત્વે પ્રાચીન ઈરાનના મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગો વર્ણવે છે. તેમની એક પ્રવાસકથા ઇસ્ફહાને નિસ્ફ જહાંન(ઇસ્ફહાન નગર અર્ધા જગત બરાબર છે.)ને ઘણી ખ્યાતિ મળી હતી. તેમની વિવેચનાત્મક કૃતિઓમાં ઉંમર ખૈયામ અને તેમનાં રૂબાઈ-કાવ્યો તથા કાફકાની એક વાર્તાના ફારસી અનુવાદ ઉપરના લેખ અને બીજાં અનેક નિરીક્ષણોનો સમાવેશ થાય છે. લોકસાહિત્યના વિષય ઉપરની તેમની કૃતિઓએ ફારસી ગદ્યસાહિત્યમાં નવીનતા આણી હતી. હિદાયતે ફ્રેંચ ભાષામાં જે મૌલિક કૃતિઓ આપી છે; તેમાં અને ફ્રેંચમાંથી ફારસીમાં અનુવાદો કર્યા છે તે બધાંમાં તેમની તીવ્ર લાગણીઓ, માનવતા અને જીવન પ્રત્યેની નિરાશાની ભાવના વ્યક્ત થાય છે. આ પ્રગતિશીલ વિચારક અને લેખકે 1951માં પૅરિસ જઈને આત્મહત્યા કરી હતી.

મેહબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી