સાદિકઅલીખાં (રામપુર)

January, 2008

સાદિકઅલીખાં (રામપુર) (જ. 1893, જયપુર; અ. 17 જુલાઈ 1964) : વિખ્યાત બીનકાર. બાલ્યાવસ્થામાં જ તેમને બીન પ્રત્યે લગાવ થયો. તેમના પિતાનું નામ મુશર્રફખાં હતું, જેઓ જયપુરના વિખ્યાત બીનકાર રજબઅલીખાંના વંશજ હતા. ઉસ્તાદ મુશર્રફખાંએ બીનવાદનની તાલીમ ઉસ્તાદ રજબઅલીખાંસાહેબ પાસેથી લીધી હતી. સમયાંતરે તેમના જ પુત્ર સાદિકઅલીખાંએ ઉચ્ચ કક્ષાના બીનકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેમના ચાર ભાઈઓ ગાયનકલામાં નિપુણ હતા.

સાદિકઅલીખાંને બાળપણમાં દેશના ઉચ્ચ કોટિના બીનકારોની કલાનો પરિચય થયો હતો, જેમાં જયપુરના અમીનઉદ્દીનખાંસાહેબ, દેવાસ(મધ્યપ્રદેશ)ના ઉસ્તાદ મુરાદખાંસાહેબ તથા વડોદરાના ઉસ્તાદ જમાલુદ્દીનખાંસાહેબનો સમાવેશ થયો હતો. સાદિકઅલીખાં સતત પંદર વર્ષ સુધી બીનવાદનની કલામાં પરોવાયેલા રહ્યા બાદ તેમણે ઉચ્ચ કક્ષાના બીનકાર તરીકે નામના હાંસલ કરી હતી. તેમણે સૌરાષ્ટ્રની બે રિયાસતો ઝાલાવાડ અને લીંબડી ઉપરાંત અલવર રિયાસતમાં બાર વર્ષ સુધી અને ત્યારબાદ વીસ વર્ષ સુધી રામપુર નવાબના દરબારમાં સેવાઓ આપી હતી. વચ્ચેના ગાળામાં એક સંગીત વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ‘આલાપના બાદશાહ’ તરીકે તેમની ખ્યાતિ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે