સાતવાહન હાલ

January, 2008

સાતવાહન હાલ : પ્રાકૃત ભાષાના કવિ અને ગાથાઓના સંગ્રાહક. પ્રાકૃત મુક્તકોના પ્રસિદ્ધ પ્રાચીન સંગ્રહ ‘ગાહાકોસો’ (ગાથાકોશ) અથવા ‘ગાહાસત્તસઈ’(ગાથાસપ્તશતી)ના સંગ્રહકાર અને ‘કવિવત્સલ’ બિરુદથી પ્રસિદ્ધ સાતવાહન હાલ પ્રતિષ્ઠાનનગર(હાલનું પૈઠણ)ના રાજા હતા. ‘સાતવાહન’ ઉપરથી પ્રાકૃતમાં ‘સાલવાહણ’ અને ‘સાલાહણ’ રૂપો બન્યાં. ‘સાલવાહણ’નું ટૂંકું રૂપ ‘સાલ’ અને તેનું લોકબોલીમાં ‘હાલ’ એવું ઉચ્ચારણ થયું. આમ ‘હાલ’ અને ‘સાતવાહન’ બંને એક જ શબ્દનાં બે જુદાં રૂપ બની ગયાં. ‘સાલવાહણ’ ઉપરથી સંસ્કૃતમાં ‘શાલવાહન’ અને ‘શાલિવાહન’ એવાં રૂપ બન્યાં.

સેંકડો વર્ષથી રાજા સાતવાહન કે શાલિવાહન વિશે વિક્રમાદિત્ય અને ભોજની જેમ અનેક લોકકથાઓ પ્રચલિત બની હતી. નાગકુમાર દ્વારા જન્મ, મહારાજા વિક્રમાદિત્ય સાથે યુદ્ધ અને વિજય, તેમનું સંસ્કૃત ભાષાનું અજ્ઞાન અને પ્રાકૃતનો પ્રેમ, યુદ્ધવીર, દાનવીર, વિલાસી, કવિ અને અનેક કવિઓના આશ્રયદાતા તરીકે તેમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં અનેક કથાઓમાં મળે છે. પ્રસિદ્ધ શક સંવત ‘શાલિવાહન શક’ તરીકે તેમના નામની સાથે જોડાયેલો છે.

ઈ. પૂ.ની લગભગ બીજી શતાબ્દીથી શરૂ થઈ સાડા ચારસો વર્ષ સુધી આંધ્ર, આંધ્રભૃત્ય કે સાતવાહન નામના રાજવંશે દક્ષિણમાં રાજ્ય કર્યું હોવાની પૌરાણિક પરંપરા છે. આ રાજાઓની રાજધાની ગોદાવરી કાંઠેના પ્રતિષ્ઠાનનગરમાં હતી. આ સાતવાહન રાજાઓનો કાળક્રમ અનિશ્ચિત છે અને ‘ગાથાકોશ’ના સંગ્રાહક કવિવત્સલ હાલ તે કયા સાતવાહન રાજા તે અંગે ઘણો મતભેદ છે. વિદ્વાનો આ રાજાને ઈસવી સનની પહેલી કે બીજી શતાબ્દીમાં મૂકે છે. ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’ અનુસાર જેવી રીતે રાજા વિક્રમાદિત્યે સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતો તેવી રીતે સાતવાહને પ્રાકૃત ભાષા માટે પ્રયત્ન કર્યો હતો.

‘હાલ’ કવિની રચનાઓમાં તેમણે રચેલી કેટલીક પ્રાકૃત ગાથાઓ અને પ્રાકૃત ગાથાઓનો તેમણે કરેલો સંગ્રહ ‘ગાથાકોશ’ એટલું જ મળે છે. ‘ગાથાકોશ’ જે ‘ગાથાસપ્તશતી’ તરીકે પાછળના સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ છે, તે શૃંગારરસપ્રધાન મુક્તકોનો સંગ્રહ છે. તેમાં પ્રાકૃત ભાષાની રચનાઓમાંથી વીણેલી લગભગ સાતસો ગાથાઓનો સંગ્રહ છે. તેમણે પ્રાકૃત ભાષાનો શબ્દકોશ અને છંદવિષયક કોઈ ગ્રંથ રચ્યો હોવાનું પણ પ્રાચીન સાહિત્યમાં નોંધાયેલ છે. પરંતુ તેમાંની કોઈ રચના અત્યારે ઉપલબ્ધ નથી. સિંહલદેશની રાજકુમારી લીલાવતી સાથે રાજા સાતવાહન હાલની પ્રેમકથા વર્ણવતું ‘लीलावई’ નામનું કાવ્ય ભૂષણ ભટ્ટના પુત્ર कोऊहल (कुतूहल) નામના કવિએ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચ્યું છે.

‘તરંગવતી’ નામક પ્રસિદ્ધ પ્રાકૃત કથાકાવ્યના રચયિતા પાદલિપ્તસૂરિ, પૈશાચી ભાષામાં વિરાટ બૃહત્કથા રચનાર કવિ ગુણાઢ્ય અને વ્યાકરણાચાર્ય શિવવર્મા આદિ વિદ્વાનો હાલ રાજાના આશ્રિત વિદ્વાનો હતા તેવી માન્યતા છે.

રમણીક શાહ